2025ના છેલ્લા દિવસે ભર શિયાળામાં માવઠું: પોરબંદર,પડધરી, ધોરાજી બાદ રાજકોટ શહેરમાં પણ કમોસમી વરસાદ
હાલ શિયાળો ચાલી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ભર શિયાળે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. વર્ષ 2025ના છેલ્લા દિવસે ભર શિયાળે કમોસમી વરસાદ વરસતા થર્ટી ફસ્ટની પાર્ટીના આયોજકોને પણ ચિંતામાં મૂકી દીધા છે. પોરબંદર,કચ્છના ગ્રામ્ય વિસ્તાર પડધરી, ધોરાજી બાદ રાજકોટમાં શહેરમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગે વર્ષ 2025ના છેલ્લા દિવસે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. ભર શિયાળે માવઠાના વરસાદની આગાહી કરવામાં આવતા જગતનો તાત પણ ચિંતામાં મુકાઇ ગયો છે. સૌરાષ્ટ્રના પોરબંદર સહિત ગ્રામ્ય પંથકના વિવિધ તાલુકાના વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે.

આ પણ વાંચો :કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: 100mgથી વધુ ડોઝવાળી નિમેસુલાઇડ પેનકીલર બનાવવા-વેચવા પર પ્રતિબંધ, જાણો શું છે દવાની આડઅસરો
વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયેલું હતું. દ્વારકા, કલ્યાણપુર અને આસપાસનાં ગામોમાં પણ ઝરમર વરસાદ નોંધાયો છે તેમજ રાજકોટમાં પણ સાંજે 5 વાગ્યા બાદ કમોસમી વરસાદ વરસ્યો હતો. ઉલ્લેખનીય છે રાજકોટમાં વિવિધ સ્થળો પર નવા વર્ષની ઉજવણી થવાની છે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કમોસમી વરસાદને પગલે આયોજકો પણ ચિંતામાં મુકાઇ ગયા છે.

કચ્છ, પોરબંદરમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે, જોકે કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં ઠંડકનો અનુભવ પણ થયો છે. ચણા-જીરું સહિતના પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

કમોસમી વરસાદમાં ખેડૂતો માટે ગાઇડલાઇન જારી
ભારતીય હવામાન વિભાગ દ્વારા આવતીકાલ 1 જાન્યુઆરી 2026 સુધીમાં રાજ્યના વિવિધ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈને કૃષિ વિભાગે ખેડૂતોના પાકને નુકશાનથી બચાવવાના કેટલાક મહત્વપૂર્ણ પગલાંઓ સૂચવતી માર્ગદર્શિકા જાહેર કરી છે.
