શક્તિપીઠ અંબાજી મંદિરે 1 જાન્યુ.થી 5 મીટરની જ ધ્વજા ચડી શકશે: ધ્વજદંડને નુકસાન તેમજ ધાર્મિક ભાવને ધ્યાને લઇને લેવાયો નિર્ણય
જગવિખ્યાત શક્તિપીઠ જગદંબા માં અંબાજીના મંદિર પર હવે પાંચ મીટરની લંબાઇ સુધીની જ ધ્વજા જ ચડાવી શકાશે. બે દિવસ બાદ 1 જાન્યુઆરીથી આ નવા ફેરફાર અમલી થશે. હવે માઇ ભક્તો દ્વારા પાંચ મીટર સુધીની જ ધ્વજા ચડાવવા અપીલ કરાઇ છે.
મંદિરના પ્રશાસકો દ્વારા શાસ્ત્રોક્ત અભિપ્રાય અને ટેકનિકલ ક્નસલ્ટન્ટની મદદ લઇને અત્યાર સુધી ચડાવાતી ધ્વજાની સાઇઝમાં ફેરબદલ કરાઇ છે. ધ્વજા ચડાવવા માટેનો ધ્વજદંડ દોઢેક દાયકા જૂનો હોવાથી અને રોજીંદા 50થી વધુ ધ્વજા ચડે છે. લાંબી ધ્વજા હોવાથી ભારે દબાણ પવન આવવાથી ધ્વજદંડને નુકસાન થવાની શક્યતા છે.
આ ઉપરાંત સુવર્ણ શિખર કળશ સાથે ધ્વજા ઘસાતી હોવાથી સોનાના કળશને પણ ઘસારો પહોંચે છે. 50 ગજ જેવી લાંબી ધ્વજા ચડાવવામાં આવે એ ધ્વજા નીચે મંદિર પરિસર સુધી પહોંચે છે. ક્યારેક જાણ્યે અજાણ્યે ભાવિકોના પગ નીચે આવે છે જેને લઇને પણ ધાર્મિક લાગણીમાં ઠેસ પહોંચે છે. આ બધી બાબતોને ધ્યાને લઇને હવે પાંચ મીટરની ધ્વજા ચડાવવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે.
