રાજકોટ સિવિલ હોસ્પિટલના ન્યુરો સર્જન પર હુમલો કરનારે પોલીસને પણ દોડાવી! પોલીસે ઘેર ચાર ધક્કા ખાધાં છતાં હાથમાં ન આવ્યો
ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ જ્યાં સારવાર કરાવે છે તે રાજકોટ સિવિલ હોસ્પિટલના ન્યુરોસર્જન ઉપર હુમલો કરનાર યુવકે પોતાના લખણ ઝળકાવ્યા બાદ પોલીસને પણ દોડાવ્યે રાખી હતી. ડૉક્ટરની ફરિયાદના આધારે પ્ર.નગર પોલીસે યુવક સામે ગુનો દાખલ તેને પકડવા માટે હુમલાખોરના ઘેર ચાર-ચાર ધક્કા ખાધાં હતા આમ છતાં હાથમાં ન આવ્યો ન્હોતો.
આ અંગે સિવિલ હોસ્પિટલના ન્યુરોસર્જન વિભાગના ઈન્ચાર્જ રેસિડેન્ટ ડૉ.પાર્થ જયેશભાઈ પંડ્યાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે ગત 25 ડિસેમ્બરે બીનય થાપા નામના નેપાળી યુવકનો મોટી ટાંકી ચોકમાં અકસ્માત થતાં તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ત્યારબાદ લોહીની જરૂર પડતાં બ્લડ બેન્કમાંથી બે બોટલ બ્લડ લઈને ચડાવવામાં આવ્યું હતું. દરમિયાન 28 ડિસેમ્બરે જયદીપ ચાવડા નામનો યુવક દર્દીના સગા સાથે હોસ્પિટલે આવ્યો હતો અને સીધો આઈસીયુ વોર્ડમાં પાસ વગર ઘૂસી ગયો હતો.
આ પણ વાંચો :રાજકોટ શહેર ભાજપ સંગઠનમાં 20 હોદ્દા માટે 100 નામનો લીથો રજૂ: આ નામ મોખરે હોવાનો ગણગણાટ, નવી ટીમ PMના આગમન પૂર્વે જાહેર થઈ જશે
આ વેળાએ જયદીપ પાસે દર્દીને ચડાવેલી લોહીની બોટલ પરત માંગતા તેણે લેખિતમાં લોહી પરત કરવું તેવી માંગણી કરી હતી. જો કે લોહી પરત કરવું તેવો નિયમ નથી તેવો જવાબ આપતાં જયદીપે જેમ ફાવે તેમ ગાળો ભાંડી હતી. આ પછી 29 ડિસેમ્બરે રાત્રે 12:30 વાગ્યે ફરી જયદીપ ધસી આવ્યો હતો અને ન્યુરો સર્જરી વોર્ડમાં ઘૂસીને ડૉ.પાર્થ ઉપર હુમલો કરી ભાગી ગયો હતો. આ ફરિયાદ બાદ પ્ર.નગર પોલીસે જયદીપની શોધખોળ આદરી હતી પરંતુ તે હાથમાં આવ્યો ન્હોતો.
ગુજરાત મેડિકલ ટીચર્સ એસોશિએશન દ્વારા ઘટનાને લઈને ડીન અને સુપ્રિન્ટેન્ડેન્ટને આવેદન પત્ર આપ્યું
સિવિલ હોસ્પિટલના ન્યુરો સર્જરી વિભાગના ડો. પાર્થ પંડ્યા પર થયેલા હુમલાની ઘટનાને પગલે તબીબી આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે ગુજરાત મેડિકલ ટીચર્સ એસોશિએશન (GMTA) મેદાને આવ્યું છે અને તબીબોની સુરક્ષાને લઈને તંત્ર સામે કડક માગણીઓ રજૂ કરી છે. એસોશિએશનના હોદ્દેદારોએ મેડિકલ કોલેજના ડીન ડો. ભારતી પટેલ અને સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. મોનાલી માકડીયાને લેખિત આવેદન પાઠવ્યું હતું. જેમાં તેઓએ આ ઘટના અત્યંત ગંભીર અને નિંદનીય ગણી હુમલાને સખત શબ્દોમાં વખોડીએ કાઢ્યો હતો. તબીબોની સલામતી માટે તાત્કાલિક પગલાં ભરવાની માગ કરીએ છીએ. આ મામલે સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.મોનાલી માકડીયાએ જણાવ્યું હતું કે, હોસ્પિટલ પ્રશાસન આ ઘટનાને ગંભીરતાથી લઈ રહ્યું છે. સમગ્ર મામલાની તપાસ માટે એક વિશેષ તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ જવાબદારો સામે યોગ્ય અને કડક કાર્યવાહી કરવામાં આવશે.
મારો પુત્ર લોહી આપવા ગયો’તોઃઅધૂરા ફૂટેજ જાહેર કરી ડૉક્ટરને બચાવાઈ રહ્યા છે
સિવિલ હોસ્પિટલના ન્યુરોસર્જન ડૉ.પાર્થ પર હુમલો કરવાના બનાવમાં હુમલો કરનાર જયદીપ ચાવડાના માતા ગીતાબેન ચાવડાએ પોલીસ કમિશનર કચેરીએ જઈ રજૂઆત કરી હતી જેમાં જણાવ્યું હતું કે મારો પુત્ર જયદીપ દર્દીને લોહી આપવા માટે ગયો હતો. સિવિલ હોસ્પિટલે પહોંચ્યા બાદ તેણે ડૉ.પાર્થને કહ્યું હતું કે સાહેબ, હું સેવા માટે આવ્યો છું, તમે તો ભગવાન ગણાવ છો.
આ પછી ડૉ.પાર્થ દ્વારા જયદીપને ચાલ, અહીંથી નીકળ તેવા શબ્દ કહેવામાં આવતાં માથાકૂટ થઈ હતી. જો કે મારામારીમાં જયદીપ ઉપર પણ ડૉક્ટર દ્વારા તીક્ષ્ણ વસ્તુથી હુમલો કરવામાં આવ્યાનો આક્ષેપ ગીતાબેન દ્વારા કરાયો હતો સાથે સાથે તેમણે એમ પણ કહ્યું કે હોસ્પિટલ દ્વારા અધૂરા ફૂટેજ જાહેર કરી ડૉક્ટરને બચાવાઈ રહ્યા છે. અમે પણ ડૉ.પાર્થ સામે પોલીસ ફરિયાદ નોંધાવશું.
