રાજકોટ શહેર ભાજપ સંગઠનમાં 20 હોદ્દા માટે 100 નામનો લીથો રજૂ: આ નામ મોખરે હોવાનો ગણગણાટ, નવી ટીમ PMના આગમન પૂર્વે જાહેર થઈ જશે
પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની ટીમ તૈયાર થઈ ગયા બાદ હવે રાજકોટ શહેર-જિલ્લા સંગઠનના માળખાની કામગીરી હાથ ઉપર લેવામાં આવી છે. ગાંધીનગર ખાતે મંગળવારે એક બાદ એક જિલ્લાના પ્રમુખ સંગઠનના એક હોદ્દા માટે પાંચ-પાંચ નામની પેનલ લઈને પહોંચ્યા હતા ત્યારે રાજકોટ શહેર ભાજપ સંગઠનના 20 હોદ્દા માટે પણ 100 નામનો લીથો પ્રદેશ હાઈકમાન્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. મંગળવારે બપોરે ત્રણ વાગ્યે શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવ દવે, નિરીક્ષકો ભરતસિંહ પરમાર અને બીજલબેન પટેલ સહિતનાએ 100 નામનો લીથો સોંપ્યો હતો.
શહેર ભાજપ સંગઠન માળખામાં ત્રણ મહામંત્રી, આઠ ઉપપ્રમુખ, આઠ મંત્રી અને એક કોષાધ્યક્ષ એક 20 હોદ્દેદારોની ટીમ કાર્યરત છે ત્યારે નવી ટીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11 જાન્યુઆરીએ રાજકોટ આવે તે પહેલાં પસંદ થઈ જશે તેવી શક્યતા રાજકીય વર્તુળોએ વ્યક્ત કરી હતી.
મહામંત્રી તરીકે હાલ રાજકોટ-68માંથી રમેશ પરમાર, રાજકોટ-69માંથી હાર્દિક બોરડ અથવા ધર્મેન્દ્ર મિરાણી, રાજકોટ-70 અને રાજકોટ-71 બેઠક માટે ગૌતમ ગોસ્વામી, યોગેન્દ્રસિંહ જાડેજા સહિતના નામ પસંદગી માટે પ્રબળ હોવાનો ગણગણાટ સાંભળવા મળ્યો હતો. જો કે છેલ્લી ઘડીએ ફેરફાર થાય તો નવા નામ પણ નીકળી શકે છે. આ પદ માટે રાજકોટ-68માંથી રમેશ પરમાર ઉપરાંત કિશોર રાઠોડ, વલ્લભ દુધાત્રા, અશ્વિન મોલિયા, રાજકોટ-69 માટે લલિત વાડોલિયા, હાર્દિક બોરડ, વિજય પાડલિયા, ધર્મેન્દ્ર મિરાણી, કિશન ટીલવા, મહિલા મહામંત્રી માટે પૂજાબેન પટેલ, કિરણબેન મોલિયા, રાજકોટ-70 અને 71 માટે વિરેન્દ્રસિંહ ઝાલા કે જેઓ હાલના મહામંત્રી છે તેઓ, તેમના ઉપરાંત શહેર ભાજપ ઉપપ્રમુખ રાજદીપસિંહ જાડેજા (રાજાભાઈ વાવડી), ગૌતમભાઈ ગોસ્વામી કે જેમના પત્ની અનિતાબેન ગોસ્વામી હાલ કોર્પોરેટર છે તેમના ઉપરાંત યોગેન્દ્રસિંહ જાડેજા સહિતના નામની પેનલ મહામંત્રીના પદ તરીકે તૈયાર કરી પ્રદેશ હાઈકમાન્ડ સમક્ષ રજૂ કરવામાં આવી હતી.
અત્રે એ ઉલ્લેખ કરવો પણ જરૂરી છે કે અગાઉ 26 જિલ્લાના હોદ્દેદારોને `હોમવર્ક અધૂરું છે’ તેમ કહી પરત વળાવી દેવામાં આવ્યા હતા ત્યારે રાજકોટ માટે પણ આવું બને તો ફરી હોદ્દેદારોએ પરત આવી નવા નામ ઉમેરવા પડશે તેવી પણ એક શક્યતા રહેલી છે.
