મચ્છરો મોજમાં, લોકો ખૌફમાં ! રાજકોટને ડેંગ્યુ-ટાઈફોઈડ-ચિકનગુનિયાનું ભયાનક આલિંગન’
શહેરમાં અત્યારે સાજા ઓછા, માંદા લોકો વધુ જોવા મળી રહ્યાનું બીહામણું ચિત્ર !
એક સપ્તાહમાં ડેંગ્યુના 10, ચિકનગુનિયાના 5 અને મેલેરિયાના 4 કેસ ઉપરાંત વર્ષમાં પહેલી વખત ટાઈફોઈડના 2 કેસ મળતાં તંત્ર થયું દોડતુંઃ શરદી-ઉધરસના 551, તાવના 54 અને ઝાડા-ઊલટીના પણ 159 કેસથી ઉભરાઈ રહેલા દવાખાનાઓ પેટાઃ આંકડા છુપાવ્યા વગર રોગચાળાની હકીકત જાહેર કરાય તો તંત્રની નિષ્ફળતા મોઢું ફાડીને સત્ય પોકારે તેની 100% ગેરંટી ! વૉઈસ ઑફ ડે, રાજકોટ જન્માષ્ટમીનો તહેવાર શરૂ થઈ ચૂક્યો છે બરાબર ત્યારે જ રાજકોટમાં મચ્છરોએ આતંક મચાવવાનું શરૂ કર્યું હોય તેવી રીતે રોગચાળો અજગરની જેમ મોઢું ફાડીને લોકોને હેરાન કરી રહ્યો છે. બીજી બાજુ શહેરને
મચ્છરમુક્ત’ કરવાની જવાબદારી જેના હાથમાં છે તે મહાપાલિકા તંત્ર વામણું પૂરવાર થતાં શહેરને રોગચાળો ખતરનાક આલીંગન' કરી રહ્યો હોવાથી ઠેર-ઠેર સાજા ઓછા અને બીમાર લોકો વધુ જોવા મળી રહ્યા છે !! મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા જાહેર કરવામાં આવેલા એક સપ્તાહના રોગચાળાના આંકડા અત્યંત ડરાવી રહ્યા હોય તેમ સાત દિવસમાં શહેરમાં ડેંગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા અને ટાઈફોઈડના કેસો મળી રહ્યા છે. તંત્ર દ્વારા કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે તા.28-8-2023થી તા.3-9-2023 સુધીના એક સપ્તાહમાં શહેરમાં ડેંગ્યુના 10 (વર્ષના કુલ 57), મેલેરિયાના 4 (વર્ષના 20), ચિકનગુનિયાના 5 (વર્ષના 13) ઉપરાંત ચાલું વર્ષે પહેલી વખત ટાઈફોઈડના બ્ો કેસ મળી આવ્યા છે. આવી જ રીતે શરદી-ઉધરસના 551 (વર્ષના 11337), સામાન્ય તાવના 54 (વર્ષના 1446) અને ઝાડા-ઊલટીના 159 (વર્ષના 3912) કેસ મળી આવ્યા છે. બીજી બાજુ મચ્છર ઉપદ્રવ માટે નિમિત્ત બનતાં વિવિધ સંકુલોમાં મહાપાલિકા દ્વારા
કહેવાતું’ ચેકિંગ કરીને દંડ ફટકારવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે જેની કોઈ જ અસર જોવા મળતી હોય તેવું રોગચાળાના આંકડા જોયા બાદ લાગી રહ્યું છે. તંત્રએ કરેલા દાવા પ્રમાણે તા.28 ઑગસ્ટથી 3 સપ્ટેમ્બર દરમિયાન 51912 ઘરોમાં પોરોનાશક તો 2498 ઘરમાં ફોગિંગની કામગીરી કરવામાં આવી છે. જ્યારે 314 રહેણાક અને 90 કોમર્શિયલ બંધકામોને નોટિસ તો 32 લોકો પાસેથી 16250 રૂપિયાના દંડની વસૂલાત કરાઈ છે.
અત્રે એ ઉલ્લેખ કરવો પણ જરૂરી છે કે જો મહાપાલિકા દ્વારા રોગચાળાની સત્ય હકીકત જાહેર કરવામાં આવે તો સ્થિતિ કેટલી ડરામણી છે તેનો ખ્યાલ આવી શકે તેમ છે.