સેનાના જવાનો ઇન્સ્ટાગ્રામમાં માત્ર રીલ જોઈ શકશે! કોઈ પોસ્ટ, લાઇક કે કોમેન્ટ કરી શકશે નહીં: નવા નિયમો જાહેર
દેશની સેનાએ સોશિયલ મીડિયાના ઉપયોગ અંગેની પોલીસીમાં ફેરફાર કર્યો છે. હવે સેનાના જવાન અને અધિકારી ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ માત્ર સ્ક્રોલ કરવા અને દેખરેખના ઉદ્દેશથી કરી શકશે. તે કોઈ પણ પ્રકારની પોસ્ટ નહીં કરી શકે અને કોઈની પોસ્ટને લાઈક કે તેની પર કોમેન્ટ પણ નહીં કરી શકે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડિજીટલ એક્ટિવીટીને લઈને સેનાના અન્ય નિયમો યથાવત રહેશે. આ આદેશ સેનાના તમામ યુનિટ અને વિભાગોને આપવામાં આવ્યા છે. જેનો ઉદ્દેશ સૈનિકોને સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ જોવા તેનાથી એલર્ટ રહેવા અને સૂચના માટેની સિમીત અનુમતી આપવાનો છે જેથી તે ખોટા કે ગેરમાર્ગે દોરનાર કન્ટેન્ટને ઓળખી શકે.
નવી વ્યવસ્થા હેઠળ સૈનિક કોઈ સોશિયલ મીડિયા પર કોઈ ખોટી કે ગેરમાર્ગે દોરનારી શંકાસ્પદ પોસ્ટ જોવે તો તેની માહિતી વરિષ્ઠ ઓફિસર્સને આપી શકે છે. જેનાથી માહિતી યુદ્ધ અને ખોટી માહિતી સામે સૈન્યની આંતરિક તકેદારીને મજબૂત બનાવવામાં મદદ કરશે.ભારતીય સેનાએ સમયાંતરે ફેસબુક, એક્સ (અગાઉ ટ્વિટર) અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ઉપયોગ અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે. સુરક્ષા કારણથી પહેલા આની પર કડક પ્રતિબંધ લગાવવામાં આવ્યા હતા.
આ કડક નિયમો અસંખ્ય ઘટનાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા હતા જેમાં કેટલાક સૈનિકો, વિદેશી એજન્સીઓ દ્વારા ગોઠવાયેલા હની ટ્રેપમાં ફસાઈ ગયા હતા અને અજાણતાં સંવેદનશીલ માહિતી લીક કરી હતી. આનાથી સોશિયલ મીડિયા પર કંટ્રોલ કરવાની જરૂર પડી છે.
