રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશન તો શું, કાંકરી પણ નહીં ખરવા દઇએ! આવતીકાલથી કોંગ્રેસ આંદોલન કરશે શરૂ
તાજેતરમાં જ કલેક્ટર તંત્ર દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં કરોડો રૂપિયાની જમીન ઉપર દબાણ ઉભું કરનારા એક હજારથી વધુ લોકોને ડિમોલિશનની નોટિસ ફટકારવામાં આવતાં દોડધામ થઈ જવા પામી હતી. બીજી બાજુ મામલતદાર દ્વારા ડિમોલિશન સામે મનાઈહુકમ ન મળી શકે તે માટે કોર્ટમાં કેવિયેટ પણ દાખલ કરી દેવામાં આવ્યા બાદ હવે કોંગ્રેસ આ મુદ્દે મેદાનમાં આવી છે અને કોઈ પણ ભોગે જંગલેશ્વરમાં ડિમોલિશન ન થાય તે માટે લડત ચલાવવાનું એલાન કર્યું છે.
શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ.રાજદીપસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરુ, પૂર્વ પ્રમુખ અતુલ રાજાણી સહિતે પત્રકાર પરિષદને સંબોધન કરતા કહ્યું કે આવતીકાલે શુક્રવારથી કોંગ્રેસ દ્વારા આ મુદ્દે રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે. જંગલેશ્વર જ નહીં પરંતુ ગુજરાતના એક પણ વિસ્તારમાં ગરીબ લોકો બેઘર ન થાય તે માટે કોંગ્રેસ દ્વારા લડત ચલાવાશે. જંગલેશ્વરમાં ડિમોલિશન મુદ્દે હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવવામાં આવનાર હોવાનું કોંગ્રેસ નેતાઓએ જણાવ્યું હતું.
કોંગી નેતાઓએ એવા આક્ષેપ પણ કર્યા હતા કે ગુજરાતના અનેક શહેરોમાં દસ્તાવેજ હોવા છતાં ભાજપ દ્વારા પીપીપી યોજનાના રૂપકડા નામ હેઠળ મકાનોને તોડી પાડવામાં આવ્યા છે. ભાજપ તેની આર્થિક ભૂખ સંતોષવા માટે સરકારી તંત્ર, પોલીસનો દુરુપયોગ કરી ગમે તેની મિલકત તોડી પાડવા પંકાઈ ગયો છે. જો કે અમે તેની કારી ફાવવા દેશું નહીં.
