રાજકોટમાં હજારો આયુષ્યમાન કાર્ડ રદ: ફરી રિન્યૂ કરાવવા દોડવું પડશે, આ રીતે થશે ઓનલાઈન અપડેટ
ગરીબ અને મધ્યમ વર્ગના લોકો બીમાર પડે કે ઓપરેશન કરાવવાનું થાય એટલે તેના માટે આયુષ્યમાન કાર્ડ આશિર્વાદરૂપ બનતું હોય છે. જો કે ત્રણ વર્ષ પહેલાં આવકના દાખલાના આધારે કાર્ડ કઢાવનાર લોકોના દાખલાની ત્રણ વર્ષની મુદ્દત પૂર્ણ થતાં જ સરકાર દ્વારા દાખલાના આધારે નીકળેલા હજારો કાર્ડ રદ્દ કરી નાખવામાં આવતા હવે ફરીથી કાર્ડને રિન્યુ કરાવવા માટે દોડધામ શરૂ કરવી પડશે.
સરકાર દ્વારા મા વાત્સલ્ય યોજનાના વાર્ષિક ચાર લાખ કે તેથી ઓછી આવક ધરાવતા મધ્યમ વર્ગના પરિવારો, વાર્ષિક છ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા પરિવારના સીનિયર સિટીઝનો અને સામાજિક રીતે વંચિત જૂથના આયુષ્યમાન કાર્ડ આવકના દાખલાના આધારે કઢાવ્યા હોય તેમણે હવે રિન્યુ કરાવવા પડશે કેમ કે આ તારીખ 31-3-2025 હતી. આવકના દાખલાની સમયમર્યાદા ત્રણ વર્ષની હોય છે ત્યારે આ દાખલાના આધારે નીકળેલુ કાર્ડ 31-3-2025ના પૂર્ણ થઈ ગયા બાદ કોઈએ રિન્યુ કરાવવાની તસ્દી ન લેતા તેને રદ્દ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો :વાઇબ્રન્ટ સમિટમાં આવતા મહેમાનોને રાજકોટની ઓળખ બતાવાશે: ગાંધી મ્યુઝિયમ,ડોલ્સ મ્યુઝિયમ સહિતના સ્થળોની વિઝિટ કરાવાશે
રિન્યુ કરાવવા માટે યોજના સાથે જોડાયેલી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્ર અને ઈ-ગ્રામ સેન્ટર પર જવું પડશે
કોઈ પણ કાર્ડધારકે પોતાનું કાર્ડ રિન્યુ કરાવવા માટે આયુષ્યમાન યોજના હેઠળ સારવાર કરતી હોસ્પિટલ ઉપરાંત ઈ-ગ્રામ સેન્ટર અથવા મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવી પડશે. આ માટે આવકનો દાખલો, આધારકાર્ડ, ફોટો સહિતના પૂરાવા સાથે લઈ જવાના રહેશે. આ ઉપરાંત કાર્ડને રિન્યુ કરાવવા માટે https://beneficiary.nha.gov.in પોર્ટલમાં પી.એમ.જે.એ.વાય. આઈડીનો ઉપયોગ કરીને સર્ચની પ્રક્રિયા કરવાની રહેશે. રિન્યુઅલ પ્રક્રિયા માટે એક્સપાયર્ડની બાજુમાં એક્શન બટનનો ઉપયોગ કરવાનો રહેશે. રિન્યુઅલની પ્રક્રિયામાં ઈ-કે.વાય.સી. (આધાર ચકાસણી) કરવાનું રહેશે. ત્યારબાદ નવા આવકના દાખલાની માહિતી આપવાની રહેશે.
NFSA કાર્ડ ધારક, 70+થી વધુ વયના લોકો તેમજ એસ.ઈ.સી.સી.ડેટાના આધારે કાર્ડ કઢાવનારને મુક્તિ
એવી વિગત પણ જાણવા મળી હતી કે આવકના દાખલા સિવાય NFSA કાર્ડના આધારે આયુષ્યમાન કાર્ડ કઢાવ્યું હોય તેમને કાર્ડ રિન્યુ કરાવવાનું રહેશે નહીં. આ ઉપરાંત 70+થી વધુ વયના લોકો તેમજ એસ.ઈ.સી.સી.ડેટાના આધારે કાર્ડ કઢાવનારને રિન્યુઅલની પ્રક્રિયામાં સામેલ થવાનું રહેશે નહીં.
