રાજકોટ TDSની મોટી છલાંગ: એક પણ સર્વે વિના 3905 કરોડનું ટેક્સ કલેક્શન, જાણો શું છે TDS
ચાલુ નાણાકીય વર્ષના 1 એપ્રિલથી 17 ડિસેમ્બર દરમિયાન પ્રત્યક્ષ કર વસૂલાતમાં 8 ટકાનો વધારો થયો છે,જેમાં રાજકોટ આવકવેરા વિભાગની TDS રેન્જ દ્વારા વર્ષ 2025-26 માટે નક્કી કરાયેલા 7050 કરોડ રૂપિયાનાં ટેક્સ ટાર્ગેટ સામે ડિસેમ્બર મહિના સુધીમાં 3905 કરોડ રૂપિયાનું TDS વસૂલાત કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરાયું છે. આ આંકડો કુલ ટાર્ગેટનો આશરે 55 ટકા થવા જઈ રહ્યો છે, જેને ટેક્સ વિભાગ દ્વારા નોંધપાત્ર સિદ્ધિ તરીકે જોવામાં આવી રહ્યું છે.
આવકવેરા વિભાગના સૂત્રો મુજબ, રાજકોટ TDS રેન્જ હેઠળ ઉદ્યોગો, વેપાર સંસ્થાઓ, સરકારી-ખાનગી કોન્ટ્રાક્ટ, વ્યાવસાયિક સેવાઓ, પગાર, ભાડા તથા વ્યાજ જેવી વિવિધ ચુકવણીઓ પરથી નિયમિત રીતે TDS વસૂલવામાં આવે છે. ખાસ કરીને ચાલુ નાણાકીય વર્ષમાં ઔદ્યોગિક પ્રવૃત્તિમાં વધારો, ડિજિટલ ચુકવણીઓ અને કડક મોનિટિંરગને કારણે TDS વસૂલાતમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.
TDS શું છે?
TDS (Tax Deducted at Source) એટલે આવક કર કપાત થાય છે, પગાર, વ્યાજ, ભાડું, પ્રોફેશનલ ફી, કમિશન, કોન્ટ્રાક્ટ ચુકવણીઓ સહિતની વિવિધ આવક પર નિર્ધારિત દરે ટેક્સ કપાઈ સરકારના ખાતામાં જમા કરવામાં આઝવે છે. આ પદ્ધતિથી ટેક્સ ચોરી અટકાવવામાં અને સરકારને નિયમિત આવક મળવામાં મદદ મળે છે.
રાજકોટમાં TDS નો એક પણ સર્વે નથી કરાયો છતાં તિજોરી ભરાઈ
TDS વિભાગ દ્વારા તેના અપાયેલા ટાર્ગેટ ને પૂરા કરવા માટે અનેક વખત સર્વે કરવામાં આવે છે જ્યારે આ વર્ષે TDS રાજકોટ દ્વારા એક પણ સર્વે કરાયો નથી છતાં ટેક્સ માટે કરદાતાઓ જાગૃત થયા હોવાના કારણે અપાયેલા ટાર્ગેટ સુધી ટૂંક સમયમાં પહોંચી જશે. નાણાકીય વર્ષના અંતિમ ત્રિમાસિકમાં ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવશે. TDS ડિફોલ્ટર્સ સામે કાર્યવાહી, બાકી રિટર્ન ફાઇિંલગ, તેમજ પેન અને આધાર લિંકેજ જેવી પ્રક્રિયાઓને વધુ કડક બનાવવામાં આવશે. જેના કારણે બાકી રહેલા ટાર્ગેટને પૂર્ણ કરવાની શક્યતા મજબૂત બની છે.
