રાજકોટમાં વાઇબ્રન્ટ સમિટને 4500થી વધુ પોલીસનું સુરક્ષાકવચ: PMની સમિટમાં હાજરી ઉપરાંત રોડ શોમાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવાશે
આગામી 10થી 13 જાન્યુઆરી દરમિયાન રાજકોટમાં વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસ સુધી મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત સમિટમાં દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ રાજકોટના `મહેમાન’ બનવાના છે અને અહીં કરોડો અબજો રૂપિયાના એમ.ઓ.યુ. થવાના છે. ખાસ કરીને દસ જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે બપોરે 4ઃ30 વાગ્યા આસપાસ વાયબ્રન્ટ સમિટિનું ઉદ્ઘાટન થવાનું છે ત્યારે વડાપ્રધાનના આગમન ઉપરાંત વાયબ્રન્ટ સમિટને ધ્યાનમાં રાખી રાજકોટમાં 4500થી વધુ પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવનાર હોવાનું અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું.
વડાપ્રધાન રાજકોટ આવી રહ્યા હોય ત્યારે તેમના બંદોબસ્ત માટે હજારોની સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને જવાનો તૈનાત રહેતા હોય છે. આ ઉપરાંત વડાપ્રધાનના કાફલા સાથે એનએસજી કમાન્ડો સહિતના પણ સાથે રહે છે. રાજકોટમાં વડાપ્રધાનના કાર્યક્રમોને ધ્યાનમાં રાખી રાજકોટ શહેર-જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લામાંથી પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓને બંદોબસ્ત જાળવવા માટે બોલાવવામાં આવશે.
કાર્યક્રમ દરમિયાન કોઈ જ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે બંદોબસ્તની સ્કીમને બારીકાઈથી અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. પોલીસ કમિશનર સહિતના પોલીસ અધિકારીઓ ગાંધીનગર ખાતે બે દિવસની ક્રાઈમ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે ગયા હોય તેમના આવી ગયા બાદ બંદોબસ્તની યાદીને મંજૂરીની મ્હોર મરાશે. બીજી બાજુ વડાપ્રધાનનો રોડ શો પણ હોવાને કારણે ત્યાં પણ વધારાનો બંદોબસ્ત તૈનાત કરાશે.
તા.10થી 13 દરમિયાન વાયબ્રન્ટ સમિટ ચાલનાર હોવાથી રાજકોટના તમામ પોલીસ સ્ટાફની રજા રદ કરવામાં આવી છે તો અનેક લોકો કે જેઓ ખલેલ પહોંચાડી શકે તેમ હોવાની આશંકાને ધ્યાનમાં રાખી તેમના નામ ઉપર માર્કર મુકી દેવામાં આવ્યું છે તો ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, એલસીબી સહિતની બ્રાન્ચ ઉપરાંત સ્થાનિક પોલીસને સઘન પેટ્રોલિંગ કરવા આદેશ અપાયો છે.
