હવે રાજકોટના લાખાજીરાજ રોડ ‘નો હોકર્સ ઝોન’બનશે! ટૂંક સમયમાં મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ કરવા નિર્ણય
રાજકોટના લાખાજીરાજ રોડ પર છેલ્લા ઘણાયે વર્ષોથી ફેરિયાઓ દુકાન બહાર પથારા કરી બેસી જતાં હોવાના કારણે વેપારીઓ જ નહીં બલ્કે રાહદારીઓને પણ મુશ્કેલીઓ વેઠવી પડતી હોય આ સમસ્યા સામે વારંવાર રજૂઆતો, ફરિયાદો, બંધ પાળવા સહિતની `કસરત’ કરવા છતાં કોઈ જ નિરાકરણ ન આવતા મંગળવારે ફરી એક હજારથી વધુ વેપારીઓએ સવારે 11થી બપોરે 1 વાગ્યા સુધી સજ્જડ બંધ પાળી મ્યુનિસિપલ કમિશનર તેમજ મહાપાલિકાના પદાધિકારીઓને ભારપૂર્વક રજૂઆત કરતા આખરે લાખાજીરાજ રોડને `નો હોકર્સ ઝોન’ મતલબ કે કોઈ ફેરિયા અહીં પાથરણા પાથરીને બેસી શકશે નહીં તેવો ઠરાવ કરવા માટેની ખાતરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

આ અંગે વેપારી એસોસિએશનના હોદ્દેદાર હિતેશ અનડકટે જણાવ્યું કે મેયર નયનાબેન પેઢડિયા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર દ્વારા વેપારીઓને એવી ખાતરી આપવામાં આવી છે કે લાખાજીરાજ રોડને નો હોકર્સ ઝોન જાહેર કરવા માટે એક ઠરાવ કરવો પડે તેમ છે. અન્ય મહાપાલિકામાં અમલી બનાવાયેલી પોલિસીનો અભ્યાસ કરીને આગામી સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ કરીને લાખાજીરાજ રોડને નો હોકર્સ ઝોન તરીકે જાહેર કરવામાં આવશે.

આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને કરેલી રજૂઆતમાં જણાવાયું કે આગામી ત્રણ મહિના સુધી લાખાજીરાજ રોડ ઉપર ચુસ્ત બંદોબસ્ત મુકવામાં આવશે. મહાપાલિકાની વિજિલન્સ તેમજ દબાણ હટાવ શાખા અહીં રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરશે. આ માટે પોલીસ તંત્રનો પણ સહયોગ લેવામાં આવનાર હોવાનું કમિશનરે જણાવ્યું હતું.
એકંદરે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નો હોકર્સ ઝોન અંગેનો ઠરાવ પસાર કરાયા બાદ જનરલ બોર્ડમાં તેને મંજૂરી આપવામાં આવશે. આ પછી પોલીસ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાશે. ત્યારબાદ જો કોઈ ફેરિયા રસ્તા ઉપર પથારો કરીને બેસે છે તો પછી વેપારીની ફરિયાદના આધારે તેના સામે પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવશે.

મંગળવારે વેપારીઓ સાથે રજૂઆત કરતી સમયે ધારાસભ્યો રમેશભાઈ ટીલાળા, ડૉ.દર્શિતાબેન શાહ ઉપરાંત વોર્ડ નં.7ના કોર્પોરેટર ડૉ.નેહલ શુક્લ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને પદાધિકારીઓ દ્વારા પણ મ્યુ.કમિશનરને લાખાજીરાજ રોડ અંગેની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી.
રજૂઆત બાદ દબાણ હટાવ શાખાની ડ્રાઈવ શરૂ
લાખાજીરાજ રોડના 1000થી વધુ વેપારીઓએ બંધ પાળી વિરોધ નોંધાવ્યા બાદ રજૂઆત કરી હતી જેના પડઘા રૂપે બપોરથી જ દબાણ હટાવ શાખા દ્વારા ડ્રાઈવ શરૂ કરી દેવામાં આવી હતી અને પાથરણા પાથરીને બેસતા ફેરિયાઓનો સામાન જપ્ત કરી લેવાતા દોડધામ શરૂ થઈ ગઈ હતી. બીજી બાજુ હવે ઉપરોક્ત વિસ્તારમાં વેપારીઓના હશે કે ફેરિયાઓના હશે કોઈ પણના દબાણ હશે એટલે તેને જપ્ત કરી લેવામાં આવશે તેવું અધિકારી સૂત્રોએ ભારપૂર્વક જણાવ્યું હતું.
ફેરિયાઓને અન્ય સ્થળે હોકર્સ ઝોનમાં સમાવવા તજવીજઃ જયમીન ઠાકર
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું કે લાખાજીરાજ રોડ પર બેસતા ફેરિયાઓને રોજગારી મળી રહે અને તેમની આવક બંધ ન થઈ જાય તે માટે સ્ટ્રીટ પોલિસીનો અભ્યાસ કરી તેના આધારે ફેરિયાઓને અન્ય સ્થળે હોકર્સમાં ખસેડવા અથવા નવો હોકર્સ ઝોન જાહેર કરવા તજવીજ કરવામાં આવશે.
