અમદાવાદમાં યોજાઇ શકે છે પોપ સિંગર શકિરાનો કોન્સર્ટ: નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં કોન્સર્ટ યોજવા રાજ્ય સરકારનો સંપર્ક કરતી ટીમ
અમદાવાદમાં બ્રિટીશ રોકબેન્ડ કોલ્ડપ્લેના કોન્સર્ટ બાદ હવે આવનારા સમયમાં કોલમ્બિયન સિંગર શકીરાનો મેગા કોન્સર્ટ યોજાઈ શકે છે. સુત્રો અનુસાર, શકીરાની ટીમે આ માટે રાજ્યસરકારનો સંપર્ક કર્યો છે અને જો વાતચીત સફળ થશે તો 2026માં અમદાવાદમાં આ મેગા કોન્સર્ટ યોજાશે.
સુત્રોએ આપેલી માહિતી અનુસાર, શકીરાના મેગા કોન્સર્ટને અમદાવાદ લાવવા માટે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ વર્ષે સ્ટેડિયમમાં કોલ્ડપ્લેના બે હાઉસફૂલ શો બાદ શકીરાની ટીમ તેના કોન્સર્ટ માટે વેન્યુ તરીકે અમદાવાદની પસંદગી કરી શકે છે. કોલંબિયન સિંગર-ગીતકારે હજુ સુધી તેની ‘Las Mujeres Ya No Lloran World Tour’ અથવા અન્ય કોઈ પ્રવાસના ભાગરૂપે ભારતમાં કોન્સર્ટની તારીખની સત્તાવાર જાહેરાત કરી નથી. પરંતુ અહેવાલો અનુસાર, તેની ટીમે અમદાવાદમાં કોલ્ડપ્લે જેવો જ ભવ્ય કોન્સર્ટ આયોજિત કરવામાં રસ દાખવ્યો છે.
આ પણ વાંચો :બજેટમાં શું હોવું જોઇએ? નાણામંત્રી સુધી આ રીતે પહોંચાડો તમારા સૂચનો-વાત, શું સસ્તું જોઈએ તે પણ જણાવો
આ સુત્રોએ એમ પણ કહ્યુ કે આ પ્રકારના આયોજન માટે રાજ્ય સરકાર પોઝીટીવ છે. જો કે અંતિમ નિર્ણય શકીરાની ટીમે લેવાનો છે. આસામ પણ આ કોલંબિયન સ્ટારની યજમાની કરવા માટે રેસમાં છે, મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વાએ આ મહિનાની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે તેમનું રાજ્ય આગામી વર્ષે શકીરાને ગુવાહાટી, ડિબ્રુગઢ અને સિલ્ચર લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
“Hips Don’t Lie”, “Whenever, Wherever”, અને “Waka Waka” જેવા ગ્લોબલ હિટ ગીતો માટે જાણીતી 47 વર્ષીય શકીરા ભારતમાં વિશાળ ચાહકવર્ગ ધરાવે છે. તેણે 4 ગ્રેમી એવોર્ડ્સ અને 15 લેટિન ગ્રેમી એવોર્ડ્સ જીત્યા છે અને વિશ્વભરમાં હિસ્પેનોફોન (સ્પેનિશ ભાષી) સંગીતને લોકપ્રિય બનાવવાનો શ્રેય તેને જાય છે.
શકીરાસ્પેનિશ અને અંગ્રેજી બંને ભાષાઓમાં ગીતો ગાય છે. 1995 માં તેનું મ્યુઝિક વિડિયો ‘પીસાલ્જોસ’ ઘણું પ્રસિદ્ધ થયું હતું. 2001 માં શકીરાએ ‘એમટીવી અનપ્લગ્ડ’ માટે સર્વશ્રેષ્ઠ લેટિન પોપ આલ્બમનો ગ્રેમી એવોર્ડ જીત્યો હતો. જોકે, શકીરાનું સૌથી વધુ પસંદ કરવામાં આવેલું ગીત ‘વાકા-વાકા’ છે, જેને આંતરરાષ્ટ્રીય સ્તરે લોકોએ ખૂબ જ પસંદ કર્યું છે. દુનિયાભરમાં શકીરાના ચાહકોની સંખ્યા કરોડોમાં છે. શકીરાના ફેન્સ વિશ્વભરમાં ફેલાયેલા છે. એક રિપોર્ટ પ્રમાણે શકીરાની નેટવર્થ આશરે 222 મિલિયન ડોલર જેટલી છે.
