વિજય હઝારે ટ્રોફી 2025-26: કોહલી-પંત નહીં, હાર્દિક, શમી અને રિન્કુ સિંહ રાજકોટમાં રમશે,કૃણાલ પંડ્યા સહિતના ખેલાડીઓ આવશે રમવા
આવતીકાલે બુધવારથી ભારતની પ્રતિષ્ઠિત ઘરેલુ ટૂર્નામેન્ટ વિજય હઝારે ટ્રોફી 2025-26નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, રિન્કુ સિંહ સહિતના સ્ટાર ક્રિકેટરો રમવાના છે ત્યારે ક્રિકેટરસિકો તેમની `રમત’ જોવા માટે આતૂર છે. બીજી બાજુ અગાઉ એવા અહેવાલો મળ્યા હતા કે વિરાટ કોહલી, ઋષભ પંત સહિતના ક્રિકેટરોથી ભરપૂર દિલ્હી ટીમનો મુકાબલો 29 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર સામે રાજકોટમાં થશે પરંતુ હવે આ મેચ બેંગ્લુરુના અલુરમાં ખસેડવામાં આવી છે. જો કે રાજકોટમાં ભલે કોહલી-પંત ન રમે પરંતુ હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, રિન્કુ સિંહ સહિતના ખેલાડીઓ રાજકોટ રમવા આવશે તે નિશ્ચિત છે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા જાહેર કરાયેલી વિગત પ્રમાણે રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ઉપર આસામ, બરોડા, બંગાળ, ચંદીગઢ, જમ્મુ એન્ડ કાશ્મીર, હૈદરાબાદ, ઉત્તરપ્રદેશ અને વિદર્ભની ટીમ રમશે. આ તમામ ટીમ 24 ડિસેમ્બરથી આઠ જાન્યુઆરી સુધી એકબીજા સામે રમશે.
આ પણ વાંચો :2025ની સુપરફ્લોપ ફિલ્મો, જેને OTT પર મળ્યા જબરદસ્ત વ્યૂઝ: ઇમરજન્સી, વોર-2થી લઈને આ ફિલ્મોએ ડિજિટલ પ્લેટફોર્મ પર મારી બાજી
બરોડા ટીમની વાત કરવામાં આવે તો તેમાં હાર્દિક પંડ્યા કે જે અત્યારે ફુલ ફોર્મમાં છે તે સામેલ છે. આ ઉપરાંત કૃણાલ પંડ્યા સહિતના ખેલાડીઓ પણ ટીમમાં છે. આ ઉપરાંત ઉત્તરપ્રદેશની ટીમમાં રિન્કુ સિંહ, ટીમ ઈન્ડિયાના ટેસ્ટ ક્રિકેટર ધ્રુવ જુરેલ, સમીર રિઝવી, બંગાળની ટીમમાં મોહમ્મદ શમી સહિતના ખેલાડીઓ સામેલ હોવાથી ક્રિકેટરસિકોને ઘરઆંગણે સ્ટાર ખેલાડીઓને રમતા જોવાનો લ્હાવો મળશે. આ તમામ મેચ સવારે નવ વાગ્યાથી વન-ડે ફોર્મેટમાં રમાશે અને તેનું પ્રસારણ જિયો હોટસ્ટાર પર થશે.
