રાજકોટમાં ફૂડઝોનના પાર્સલ બંધ કરાવતા કહેવાતા પત્રકારે માજા મુકી: છાત્રાલયના પ્રમુખને આપી ખૂનની ધમકી, જાણો શું છે મામલો
રાજકોટમાં બિલાડીના ટોપની માફક ફૂટી નીકળેલા `મીડિયા માફિયા’ મતલબ કે `તોડબાજ’ પત્રકારો સામે `વોઈસ ઓફ ડે’એ `પ્રજાનો અવાજ’ બની વ્યવસ્થિત ઝુંબેશ ચલાવ્યા બાદ તેના પડઘારૂપે વેપારીઓ આવા બોગસ પત્રકારો વિરુદ્ધ મેદાનમાં આવી રહ્યા છે. આવા જ કહેવાતા બે પત્રકાર વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસ મથકમાં યુવકને મારી નાખવાની ધમકી આપવાનો ગુનો દાખલ થયો છે જેમાં બે શખસ તેમજ એક મહિલા સામેલ છે.
આ અંગે કાલાવડ રોડ પર પ્રદ્યુમન રોયલ હાઈટસમાં રહેતા અને 150 ફૂટ રિંગરોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે નક્ષત્ર બિલ્ડિંગમાં ઈમ્પોર્ટ-એક્સપોર્ટના વ્યવસાય માટે ઓફિસ ધરાવતા બંકિમભાઈ કાંતિભાઈ મહેતા (ઉ.વ.42) કે જેઓ કાલાવડ રોડ પર મામલતદાર ઓફિસ પાછળ આવેલા બ્રાહ્મણ સમાજ છાત્રાલયમાં પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. બંકિમભાઈએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે ગત 21 ડિસેમ્બરે રાત્રે 10ઃ30 વાગ્યા આસપાસ તેઓ તેમજ તેમના મીત્રો ઘેરથી ઈન્દિરા સર્કલ પાસે કારમાં આવી રહ્યા હતા ત્યારે તેમના ફોન ઉપર ફોન આવ્યો હતો જે ઉપાડ્યો ન્હોતો. આ પછી બીજી વખત ફોન આવ્યો જેમાં ફોન કરનારે કહ્યું હતું કે હું સમય મીરરનો પત્રકાર ભાવેશ વણવી વાત કરું છું.
આ પણ વાંચો :પૂર્વ મંત્રી રાઘવજીભાઇ પટેલને સોશિયલ મીડિયામાં કર્યા બદનામ: AIની મદદથી ફોટા-વીડિયો સાથે ચેડાં કરી વાયરલ કર્યા,બે શખસો સામે ફરિયાદ
તારે મારા ભાગીદાર ધર્મેશ દોશી સાથે શું માથાકૂટ છે ? આ કહી ભાવેશ વણવી બેફામ ગાળાગાળી કરવા લાગ્યો હતો જેથી બંકિમભાઈએ તે નંબર બ્લોક કરી દીધો હતો. આ પછી તેઓ મિત્રો સાથે રાત્રે 11:30 વાગ્યા આસપાસ બેઠા હતા ત્યારે ફરી ફોન આવ્યો હતો અને કહ્યું કે `હું ભાવેશ વણવી તેમજ ધર્મેશ દોશી સાથે જ છીએ, તારે શું કરવાનું છે ?’ તેમ કહી ફરી બન્નેએ બેફામ ગાળો ભાંડી હતી. આ ઉપરાંત બન્નએ એક મહિલાને પણ ફોન આપ્યો હતો જેણે પણ બંકિમભાઈને ગાળો આપી હતી. ભાવેશે બંકિમભાઈને કહ્યું હતું કે `યુપીમાં 1500 રૂપિયામાં કટ્ટા મળે છે, તું પણ રાજકોટમાં રહે છે, તને મારતા પણ વાર નહીં લાગે.’
આ ડખ્ખો થવા પાછળનું કારણ એવું છે કે ભાવેશ વણવી અને ધર્મેશ દોશીનું હટ કે નામનું ફૂડઝોન બ્રાહ્મણ સમાજ છાત્રાલય પાસે આવેલું હોય ત્યાંથી છાત્રાલયમાં પાર્સલ આવતા હોવાને કારણે ગંદકી ફેલાતી હોવાને લીધે પાર્સલ લાવવાની મનાઈ ફરમાવતાં જ બન્નેએ માથાકૂટ શરૂ કરી હતી.
