પૂર્વ મંત્રી રાઘવજીભાઇ પટેલને સોશિયલ મીડિયામાં કર્યા બદનામ: AIની મદદથી ફોટા-વીડિયો સાથે ચેડાં કરી વાયરલ કર્યા,બે શખસો સામે ફરિયાદ
જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને પૂર્વ કૃષિ મંત્રીને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવાનું કાવતરું કરનાર બે આઈ.ડી. ધારક સામે ફરિયાદ નોંધાઈ છે. જે મામલે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
વિગત અનુસાર જામનગરના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી રાઘવજીભાઈ હંસરાજભાઈ પટેલ દ્વારા ફેસબુક આઇ.ડી. Vishal o Kansagara તથા ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. v.kansagara77 નામની આઇ.ડી. હેન્ડલ કરતા અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો :ગાડી પર ભાજપનો દુપટ્ટો લગાવીને ફરવાથી કાંઇ નેતા નથી બની જવાતું! પૂર્વ DyCM નીતિન પટેલનો સહકાર સરિતા કાર્યક્રમમાં શાબ્દિક કટાક્ષ
જેમાં જણાવ્યું કે ફેસબુક આઈ.ડી. અને ઈન્સ્ટાગ્રામ આઈ.ડી. ના વપરાશકરતા એ પોતાને સોશીયલ મીડીયાના માધ્યમથી બદનામ કરવાના ઇરાદે તેમજ પોતાની સમાજમાં બદનક્ષી થાય, અથવા કોઈને કોઈ પ્રકારે પોતાની પાસેથી નાણા પડાવવાના ઇરાદે તથા પોતાની સસ્તી પ્રસીધ્ધી મેળવવાના ઇરાદે પૂર્વ મંત્રીના ફોટા તેઓની મંજૂરી વગર કોઇપણ રીતે મેળવીને ચોરી કરી લીધા હતા. જે ફોટોગ્રાફ્સમા આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સથી એડીટીંગ કરી ફોટોગ્રાફસ વિકૃત કરી પોતાની પ્રતિષ્ઠાને હાની પહોંચે તેવુ જાણવા છતાં ખોટું ઈલેક્ટ્રોનીક રેકર્ડ બનાવી તથા અલગ અલગ વિડિયો બનાવી ફોટાઓ તથા વિડિયોમા બદનામ કરતા લખાણ લખી/બોલી સુલેહભંગ થાય તે માટે ઉશ્કેરવા સારૂ ઉશ્કેરણી જનક લખાણ લખી વાયરલ કર્યું હતું. જે ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
