રાજકોટનાં ખેડૂતનું હૃદય અન્ય વ્યક્તિમાં ઘબકશે: અકસ્માતમાં બ્રેઇનડેડ જયેશ ગોંડલિયાએ 5 લોકોને આપી નવી જિંદગી
રાજકોટમાંથી બ્રેઇન ડેડ દર્દીનાં ધબકતા હૃદયને અમદાવાદ મોકલવામાં આવ્યું છે,જ્યાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા અન્ય વ્યક્તિની જિંદગી ફરીથી ઘબકશે.રાજકોટ પંથકના એક યુવાનનું બ્રેઈન ડેડ થતાં તેના હૃદય સાથે બે કિડની,લીવર અને આંખ સહિતનાં અંગોનું દાન કરી દુઃખમાં પણ પરિવારે દાનની મહાનતા બતાવી છે.
આ અંગેની વિગત મુજબ,ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામના નિવાસી 42 વર્ષીય ખેડૂત જયેશભાઈ ગોંડલિયાને અકસ્માત બાદ મગજની ગંભીર ઇજા થવાના કારણે તેઓ બ્રેઇન ડેડ જાહેર થયા હતા. આ દુઃખદ પરિસ્થિતિ વચ્ચે પણ જયેશભાઈના કુટુંબીજનોએ અસાધારણ હિંમત અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં તેમના અંગદાન કરવાનો મહાન નિર્ણય લીધો છે.રાજકોટ ઓર્ગન ફાઉન્ડેશન સોસાયટીનાં ડો.સંકલ્પ વણઝારા,ડો.દિવ્યેશ વિરોજા,ભાવનાબેન મંડલી, નીતિનભાઈ ઘાટલીયા સહિત સભ્યો સ્ટેન્ડ ટુ રહી ઓર્ગન પ્રોસેસ કરાવી હતી.
આ પણ વાંચો :બુમરાહ અને હાર્દિક પંડ્યા રાજકોટમાં ન્યુઝીલેન્ડ સામે નહીં રમે! 11 જાન્યુઆરીથી શરૂ થનારી વન-ડે શ્રેણીમાં બન્નેને આરામ અપાશે
આ પવિત્ર નિર્ણયને અમલમાં મૂકવા માટે રાજકોટ સ્થિત બી.ટી. સવાણી હોસ્પિટલ ખાતે ઓર્ગન હાર્વેસ્ટિંગની પ્રક્રિયા કરી હતી.જીવનની છેલ્લી ક્ષણોમાં પણ અનેક અજાણ્યા જીવને નવી આશા આપવા જયેશભાઈનું દેહ દાનરૂપે સમર્પિત થયું છે. હૃદય અને લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે અમદાવાદથી વિશેષ તબીબી ટીમ હોસ્પિટલ આવી હતી. જ્યારે બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ રાજકોટની બીટી સવાણી હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓમાં કરાયું હતું.
એક ખેડૂતના અકાળ અવસાનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટ્યો છે, પરંતુ એ જ પરિવારનો આ સંવેદનશીલ અને મહાન નિર્ણય અનેક પરિવારોના જીવનમાં ખુશીના દીવા પ્રગટાવશે. જયેશભાઈ ગોંડલિયા આજે ભલે આપણા વચ્ચે નથી, પરંતુ તેમના અંગદાન દ્વારા તેઓ અનેક લોકોના જીવનમાં સદાય જીવંત રહેશે.રાજકોટ ઓર્ગન ફાઉન્ડેશન મારફત અત્યાર સુધીમાં 7મુ હાર્ટ દાન મળ્યું છે. જેના કારણે 7 વ્યક્તિ જેના હૃદય ધબકારા ચુકે એ પહેલાં ફરીથી ધબકતા થયા છે.
