બુમરાહ અને હાર્દિક પંડ્યા રાજકોટમાં ન્યુઝીલેન્ડ સામે નહીં રમે! 11 જાન્યુઆરીથી શરૂ થનારી વન-ડે શ્રેણીમાં બન્નેને આરામ અપાશે
ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે 11 જાન્યુઆરીથી ત્રણ વન-ડે મેચની શ્રેણી શરૂ થવાની છે. આ શ્રેણીની બીજી વન-ડે રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ પર 14 જાન્યુઆરીએ રમાશે. જો કે તે પહેલાં એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે જે પ્રમાણે જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાને આ શ્રેણીમાં આરામ આપવામાં આવી શકે છે. અહેવાલો પ્રમાણે ટી-20 વર્લ્ડકપ-2026ની તૈયારીને ધ્યાનમાં રાખી બન્નેને તરોતાજા રાખવા વન-ડે શ્રેણીમાં આરામ આપવામાં આવશે.
સૂત્રોએ જણાવ્યું કે ટીમ મેનેજમેન્ટનો બુમરાહને લઈને પ્લાન સ્પષ્ટ છે. તેની ફિટનેસને લઈને અલગ-અલગ વાત વહી રહી છે પરંતુ મેનેજમેન્ટ બુમરાહને એ મેચમાં જ રમાડવા ઈચ્છે છે જે ટીમ માટે અગત્યની પ્રાથમિકતા હોય. આ ટીમની દૃષ્ટિએ સારો નિર્ણય છે. વન-ડે શ્રેણીમાં આરામ મળવાથી બુમરાહ વર્લ્ડકપ પહેલાં વધુ ટી-20 મેચ રમી શકશે. ન્યુઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયા પાંચ મેચની ટી-20 શ્રેણી પણ રમવાની છે.
આ પણ વાંચો :સૌરાષ્ટ્રમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો : સવા માસમાં જ પકડ્યો 6.65 કરોડનો 1 લાખ બોટલ દારૂ! 8.56 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે
બીજી બાજુ હાર્દિક પંડ્યાને લઈને પણ ટીમ મેનેજમેન્ટનું વલણ સ્પષ્ટ છે. તે એશિયા કપમાં ઈજાગ્રસ્ત થયા બાદ પરત આવ્યો છે જેથી ટી-20 વર્લ્ડકપ માટે તે ફિટ રહે એટલે તેને વન-ડે શ્રેણીમાં આરામ આપવો જરૂરી છે. હાર્દિક ન્યુઝીલેન્ડ વિરુદ્ધ વન-ડે શ્રેણી નહીં રમે પરંતુ શારીરિક અને ગેમ ફિટનેસ જાળવી રાખવા માટે તે વિજય હઝારે ટ્રોફીમાં વડોદરા વતી અમુક મેચ રમી શકે છે. ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વન-ડે શ્રેણી 11 જાન્યુઆરીથી 18 જાન્યુઆરી સુધી રમાશે. આ મેચ વડોદરા, રાજકોટ અને ઈન્દોરમાં રમાશે.
