રાજકોટના જંગલેશ્વર જ નહીં, આસપાસના 900 મકાન ઉપર ફરી જશે બુલડોઝર! દબાણકર્તાને સાંભળ્યા બાદ કરાશે કાર્યવાહી
છેલ્લા બે દિવસથી રાજકોટના અત્યંત સંવેદનશીલ વિસ્તારમાં જેની ગણતરી થાય છે તે રાજકોટના જંગલેશ્વરમાં કલેક્ટર તંત્ર દ્વારા સરકારી જમીન પર દબાણ કરી મકાન સહિતનું બાંધકામ કરનારા દબાણકર્તાઓને નોટિસ આપવાનું શરૂ કરાતાં વિસ્તારમાં અકલ્પનીય ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. પ્રથમ દિવસે જંગલેશ્વરની શેરી નં.1થી 30માં 500 લોકોને નોટિસ અપાયા બાદ બીજા દિવસે જંગલેશ્વરમાં બાકી રહેલા વિસ્તાર ઉપરાંત બુદ્ધનગર, રાધાકૃષ્ણનગર, નાડોદાનગરમાં 400 મકાનને ડિમોલિશનની નોટિસ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
આ અંગે વહીવટી તંત્રના સૂત્રોએ જણાવ્યું કે જંગલેશ્વર સહિતના વિસ્તારોમાં ટાઉન પ્લાનિંગ સ્કીમના પાંચેક જેટલા પ્લોટ જેમાં પ્લોટ નં.133 કે જેનું ક્ષેત્રફળ 7556 ચોરસમીટર છે તે તેના ઉપરાંત પ્લોટ નં.136માં 9245, પ્લોટ નં.137માં 3978 અને પ્લોટ નં.159 કે જેનું ક્ષેત્રફળ 85021 ચોરસમીટર છે તેના ઉપર વર્ષોથી ગેરકાયદેસર બાંધકામ થઈ ગયું હોવાથી નોટિસ આપવામાં આવી છે.
આ પણ વાંચો :45 લાખના ગેસની ચોરી! રાજકોટના શાપર-વેરાવળમાં આવેલા ઈથર કોર્પોરેશનમાં કારખાનેદારે કરેલી કરામત,જાણો શું છે મામલો
હવે સોમવારે દબાણકર્તાઓને સાંભળવામાં આવશે અને ત્યારબાદ ડિમોલિશન સહિતની આગળની કાર્યવાહી શરૂ કરાશે. બીજી બાજુ મહાપાલિકા દ્વારા પણ જંગલેશ્વરમાં દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હોય આગામી સમયમાં એક સાથે શહેરનું સૌથી મોટું ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવે તેવી શક્યતા નકારી શકાતી નથી.
