સાહેબ, મોંઘવારી-પ્રદૂષણ વધી ગયા હોવાથી વડાપ્રધાનના પોસ્ટર ઉપર મેં સ્યાહી ફેંકી! રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે કરતૂત કરનારને શોધી કાઢ્યો
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું `ગ્રાન્ડ વેલકમ’ કરવા માટે રાજકોટ સજ્જ બની રહ્યું છે. આગામી તા.10 જાન્યુઆરીએ નરેન્દ્રભાઈ વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં આવી રહ્યા હોવાથી તંત્ર તૈયારી કરવામાં ઉંધામાથે જોવા મળી રહ્યું છે. આ બધાની વચ્ચે કસ્તુરબા રોડ પર શારદા બાગનો છેડો કે જે ICICI બેન્કની સામે આવેલો છે ત્યાં વડાપ્રધાન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પોસ્ટર સરકાર દ્વારા મુકવામાં આવ્યું હતું. જો કે આ પોસ્ટરમાં વડાપ્રધાનના ફોટો ઉપર કાળી સ્યાહી ચોપડી દેવામાં આવ્યાનું ધ્યાન પર આવતા જ પોલીસ દોડતી થઈ હતી. આખરે ક્રાઈમ બ્રાન્ચે આ કરતૂત કરનારને શોધી કાઢ્યો હતો.
પકડાયેલો આ યુવક સદર બજારમાં રહેતો હોવાનું ધ્યાન પર આવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચની કચેરીએ લાવી તેની પૂછપરછ કરતા તેણે પોલીસને એમ કહ્યું હતું કે સાહેબ, મોંઘવારી તો જુઓ કેટલી વધી ગઈ છે, પ્રદૂષણ પણ કાબૂ બહાર થઈ ગયું હોવાથી મને ખૂબ જ ગુસ્સો આવ્યો હતો. આ જ કારણથી મેં વડાપ્રધાનના ફોટો ઉપર સ્યાહી લગાવી દીધી હતી.
તપાસમાં એવું પણ જાણવા મળ્યું હતું કે પકડાયેલો આ યુવક ઘરેથી સ્યાહી લઈને ન્હોતો નીકળ્યો. તે અગાઉ આ રસ્તેથી પસાર થયો હતો ત્યારે તેના ધ્યાન પર આ પોસ્ટર આવ્યા બાદ તેમાં ચેડાં કરવાનું સૂઝી આવ્યું હતું. આ પછી તે સ્યાહી લાવ્યો હતો અને પોસ્ટરમાં માત્ર વડાપ્રધાનના ચહેરા ઉપર જ સ્યાહી લગાવી રવાના થઈ ગયો હતો.
આ પણ વાંચો :રાજકોટમાં ફરજ બજાવતાં પોલીસમેનના પિતાની દોઢ કરોડની જમીન પર કબજો: કલેક્ટરના આદેશ બાદ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ
સરકારી મિલકતને નુકસાન ન પહોંચાડ્યું હોવાથી અટકાયતી પગલાં લેવાયા છેઃ DCP
આ અંગે ડીસીપી (ક્રાઈમ) જગદીશ બાંગરવાએ જણાવ્યું કે પકડાયેલા યુવકનું નામ અઝીમ પાનવાલા છે જે સદર બજારમાં રહે છે. આમ આ યુવકને તમામ પ્રકારની સમજણ છે એટલા માટે માનસિક અસ્થિર કહેવો કે નહીં તે પણ એક સવાલ છે. જો કે પ્રદૂષણ અને મોંઘવારીથી કંટાળીને તેણે આ હરકત કરી હોવાનું કહી રહ્યો છે. જો કે અઝીમે પોસ્ટરને ક્યાંયથી ફાડ્યું નથી કે તેને નુકસાન પહોંચાડ્યું ન હોવાથી તેની સામે સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાનો ગુનો બની રહ્યો ન હોવાથી તેની સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. જ્યારે 58 દિવસ પહેલાં બહુમાળી ભવન ચોકમાં વડાપ્રધાનના પોસ્ટર પર જે સ્યાહી લગાવાઈ હતી તે અઝીમે નહીં બલ્કે અન્ય કોઈ માનસિક અસ્થિર શખસે લગાવી હોવાનું તેમણે જણાવ્યું હતું. સીસીટીવી ચેક કરાતાં એ શખસ એક પોસ્ટર ફાડી રહ્યો છે અને અન્ય એક પોસ્ટર પર સ્યાહી લગાવતો જોવા મળી રહ્યો છે. આમ બે શખસો દ્વારા આ હરકત કરવામાં આવી હતી.
