રાજકોટમાં વ્યાજખોરોનો આતંક! ન્યુઝ ચેનલનો કર્મચારી વ્યાજખોરની ચુંગાલમાં ફસાઈ જતાં એસિડ ગટગટાવ્યું
રાજકોટમાં વ્યાજખોરોનો આતંક ઓછો થવાનું નામ જ લઈ રહ્યો ન હોય તેવી રીતે દરરોજ કોઈને કોઈ પોલીસ મથકમાં વ્યાજખોરીની ફરિયાદ નોંધાતી રહે છે ત્યારે આવો જ એક બનાવ ન્યુઝ ચેનલના કર્મચારી સાથે બનવા પામ્યો હતો. યુવકે એક લાખ રૂપિયા 10% લેખે વ્યાજે લીધા બાદ વ્યાજખોર દ્વારા વારંવાર પૈસાની ઉઘરાણી કરવામાં આવી રહી હોય આખરે કંટાળીને એસિડ ગટગટાવી લીધું હતું.
આ અંગે નવા થોરાળામાં રહેતા સાગર ધનજીભાઈ ચૌહાણે ફરિયાદમાં જણાવ્યું કે તે છેલ્લા દોઢેક મહિનાથી પેલેસ રોડ પર આવેલી ન્યુઝ ચેનલમાં નોકરી કરે છે. પોણા બે વર્ષ પહેલાં પુત્ર બીમાર હોવા પૈસાની જરૂર પડતાં મોરબી રોડ પર ગીરીરાજ પાર્ટીપ્લોટ નજીક રહેતા શનિ ઉર્ફે બોબડો પ્રભુભાઈ સોલંકી પાસેથી એક લાખ રૂપિયા માસિક 10% લેખે વ્યાજે લીધા હતા. આ પછી તેને નિયમિત વ્યાજ ચૂકવતો હતો પરંતુ ચાર મહિનાથી પૈસાની સગવડ ન થતાં વ્યાજ આપી ન શકતા શનિ ઉર્ફે બોબડો સોલંકી દ્વારા રૂબરૂ તેમજ ફોન ઉપર ધમકી આપવામાં આવી રહી હોય આખરે કંટાળીને ભાવનગર રોડ ઉપર મહાપાલિકાના ઢોર ડબ્બાની સામે આવેલી ફૂટપાથ ઉપર એસિડ ગટગટાવી લીધું હતું.
આ પણ વાંચો :રાજકોટના અમીન માર્ગ સહિત 7 સ્થળે પ્લોટ વેંચાશે : જાણો કયા પ્લોટનું કરાશે વેચાણ અને શું છે અપસેટ પ્રાઇસ
બરાબર આ જ સમયે સાગરના માતાનો ફોન આવતાં તેમને સઘળી હકીકત જણાવી હતી જેથી માતા-પિતા સાગરને રિક્ષામાં અર્ધબેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલે લઈ ગયા હતા. એસિડ પી લેવાના કારણે સાગર બોલી શકતો ન હોય એ સમયે પોલીસ ફરિયાદ નોંધાવી ન્હોતી. જો કે હોસ્પિટલમાંથી રજા મળતાં જ વ્યાજખોરી અંગે જાણ કરતા શનિ ઉર્ફે બોબડો પ્રભુભાઈ સોલંકી સામે ફરિયાદ નોંધાવી હતી. થોરાળા પોલીસે ગુનો નોંધી શનિની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા.
