રાજ્યભરમાં ઝવેરીઓ પર ઇન્કમટેક્સની ઇન્ક્વાયરી! ગ્રાહકોનાં નામ-સરનામા માંગ્યા : રાજકોટ,અમદાવાદ, સુરત સહિત રાજ્યભરમાં ભારે ફફડાટ
ડિસેમ્બર મહિનાની શરૂઆત સાથે જ ઇન્કમટેક્સ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. રાજ્યભરમાં ભારે માત્રામાં સોનાની ખરીદી કરનારાઓ પર નજર રાખવા આવકવેરા વિભાગે ઝવેરીઓને નોટિસ ફટકારી છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતના શહેરોમાં આવેલા ઝવેરીઓ પાસેથી સોનાની ખરીદી કરનાર ગ્રાહકોના નામ અને સરનામાની વિગત માંગવામાં આવી હોવાના સૂત્રોએ જણાવ્યું છે.
આવકવેરા એક્ટની કલમ 133(5) હેઠળ આ નોટિસ આપવામાં આવી છે. જેમાં વર્ષ 2023-24 અને 2024-25 દરમિયાન થયેલા વેપારની સંપૂર્ણ વિગતો આપવા માટે ઝવેરીઓને તાકીદ કરવામાં આવી છે. આ સાથે જ જ્વેલરીની ખરીદી કરનાર દરેક ગ્રાહકને કેટલું સોનું વેચાયું, કયા પ્રકારની જ્વેલરી ખરીદવામાં આવી અને ઝવેરીઓ દ્વારા આપવામાં આવેલી સર્વિસની માહિતી પણ રજૂ કરવાની રહેશે.
નોટિસમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે તમામ વિગતો 18 ડિસેમ્બર સુધીમાં ઇન્કમટેક્સ વિભાગને સોંપવી ફરજિયાત છે. આ કારણે ઝવેરીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે, જ્યારે બીજી તરફ ગ્રાહકોમાં પણ ટેનશનનું માહોલ સર્જાયો છે. કારણ કે મોટી રકમમાં સોનાની ખરીદી કરનારાઓની આવક અને રોકાણ પર હવે આવકવેરા વિભાગની નજર વધુ કડક બનતી જણાઈ રહી છે.
આ પણ વાંચો :GUJCET 2026 માટેનું રજિસ્ટ્રેશન શરૂ: આ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં થશે વધારો, જાણો કેવી રીતે કરવું રજીસ્ટ્રેશન?
સૂત્રોના જણાવ્યા મુજબ બેનામી વ્યવહાર, કરચોરી અને કેશ ટ્રાન્ઝેક્શન પર લગામ લગાવવાના હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને છેલ્લા બે વર્ષમાં નોંધપાત્ર પ્રમાણમાં સોનાની ખરીદી કરનારાઓના વ્યવહારોની તપાસ કરાશે તેવી શક્યતા છે.ઇન્કમટેક્સ વિભાગની આ કાર્યવાહીથી રાજ્યના ઝવેરી બજારમાં હલચલ મચી ગઈ છે, અને આવનારા દિવસોમાં વધુ નોટિસો તથા પૂછપરછનો દોર શરૂ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
