પોલીસ હૉકી ટૂર્નામેન્ટ સંપન્નમહિલાઓમાં જજઇ,પુરૂષોમાં પંજાબ ટીમ ચેમ્પિયન
સશસ્ત્ર સીમા બળ (મહિલા) ટીમે ફાઇનલમાં સીઆરપીએફને, પંજાબ (પુરૂષ) ટીમે ઈન્ડો
તિબેટિયન બોર્ડર પોલીસ ટીમને પરાજિત કરી
રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને મેજર ધ્યાનચંદ હૉકી ગ્રાઉન્ડ (રેસકોર્સ) ઉપર 4 ડિસેમ્બરથી 74મી ઓલ ઈન્ડિયા હૉકી ચેમ્પિયનશિપ શરૂ થઈ હતી. આ ટૂર્નામેન્ટમાં ગુજરાત સહિત 32 ટીમે ઉત્સાહભેર ભાગ લઈ કાંડાનું કૌવત તેમજ ખેલદીલીની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રવિવારે પુરુષોની ટીમ વચ્ચે ફાઈનલ મુકાબલો રમાયો હતો જેમાં પંજાબ ટીમ ચેમ્પિયન બની હતી. જ્યારે શનિવારે મહિલાઓની ફાઈનલ મેચમાં સશસ્ત્ર સીમા બળ (એસએસબી) ટીમે જીત મેળવી હતી. રવિવારે ક્લોઝિંગ સેરેમનીમાં રાજ્ય પોલીસવડા વિકાસ સહાય સહિત ટોચના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પુરુષોનો ફાઈનલ મુકાબલો મેજર ધ્યાનચંદ ગ્રાઉન્ડ પર પંજાબ અને ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ વચ્ચે થયો હતો. આ મેચમાં પંજાબે 3-1થી જીત મેળવી હતી. પંજાબ વતી પારસ મલ્હોત્રા પ્લેયર ઓફ ધ મેચ રહ્યા હતા. જ્યારે સવારે ત્રીજા ક્રમ માટે રમાયેલી મેચમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)એ ઉત્તરપ્રદેશને 4-2થી પરાજિત કર્યું હતું. મહિલાઓનો ફાઈનલ મુકાબલો સશસ્ત્ર સીમા બળ અને સીઆરપીએફ વચ્ચે થયો હતો જેમાં એસએસબીએ 2-1થી જીત મેળવી હતી. ત્રીજા ક્રમ માટેની મેચમાં ઓરિસ્સાએ યુપીને હરાવ્યું હતું. ક્લોઝિંગ સેરેમનીમાં ડીજીપી વિકાસ સહાય ઉપરાંત આર્મ્ડ ફોર્સના ડીજીપી રાજુ ભાર્ગવ, કે.એલ.એન.રાવ, પી.કે.રોશન, રાજકોટના પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, તમામ ડીસીપી, એસીપી, પીઆઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડીજીપી વિકાસ સહાય દ્વારા વિજેતા ટીમને શીલ્ડ અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મહિલાઓમાં ઓરિસ્સા, પુરૂષોમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સની ટીમ ત્રીજા ક્રમે રાજ્ય પોલીસવડા સહિતના ટોચના
પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિ
