હવે પોલીસ જ 18 વર્ષથી નાના સગીરને `ડમી’ ગ્રાહક તરીકે પાનની દુકાને મોકલશે!
જેવી તમાકુ કે અન્ય પદાર્થ વેચ્યા એટલે ગુનો દાખલ કરાશે ચરસ-ગાંજો પીવા માટે વપરાતાં ગોગો, ઇ-સિગારેટ સહિતનું
વેચાણ અટકાવવા 20થી વધુ દુકાનમાં એસઓજીનું ચેકિંગ
રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી સગીરો તમાકુ સહિતના વ્યસની બની ગયા હોવાથી વાલીઓમાં ઘેરી ચિંતા પ્રવર્તી રહી છે. જો કે સગીરોને સરળતાથી તમાકુયુક્ત પાન-ફાકી, બીડી-સિગરેટ સહિતનું મળી રહેતું હોય તેના પાછળ નફાખોર વેપારીઓ જવાબદાર હોવાથી હવે પોલીસે આ દિશામાં ગંભીરતાથી ધ્યાન કેન્દ્રીત કરી નવો રસ્તો' શોધી કાઢ્યો છે. એકંદરે હવે પોલીસ જ પાનની દુકાને 18 વર્ષની નીચેના સગીરને તમાકુયુક્ત વસ્તુનું વેચાણ નથી થઈ રહ્યું ને તેની ખરાઈ કરવા માટેડમી’ ગ્રાહક મોકલવાનું શરૂ કરનાર હોવાનું જાણવા મળ્યું છે.દરમિયાન શુક્રવારે એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજા સહિતની ટીમે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલી 20થી વધુ પાનની દુકાનો પર ચેકિંગ કરીને ચરસ-ગાંજો પીવા માટે વપરાતાં ગોગો (એક ખાસ પ્રકારનો કાગળ), ઈ-સિગરેટ સહિતનું વેચાણ ન કરવા કે સ્ટોર ન કરવા કડક શબ્દોમાં ચેતવણી આપી હતી. સાથે સાથે 18 વર્ષથી નીચેની વયના સગીરને તમાકુનું વેચાણ કરનાર સામે ગુનો દાખલ કરવા કડક શબ્દોમાં તાકિદ કરવામાં આવી હતી.
