ઈન્ડીગોને કારણે ભારતભરના મુસાફરોનો સામાન ગેરવલ્લે!
છેલ્લા એક અઠવાડિયાથી ભારતભરના તમામ એરપોર્ટો પર હજારો મુસાફરો બે સવાલ પૂછી રહ્યા છે. પહેલો સવાલઃ અમારી ડીલે થયેલી ફ્લાઈટ ક્યારે આવશે? લેન્ડ થયા પછી બીજો સવાલઃ મારો સામાન ક્યાં? સરકારના નિયમ અને ઈન્ડીગોની ઘોર લાપરવાહીને કારણે ભારતના એર ટ્રાવેલના ઈતિહાસમાં સૌથી ખરાબ અઠવાડિયું અત્યારે પસાર થઇ રહ્યું છે. એરલાઈન્સની દાદાગીરી અને ત્રાસ વિષે રોજ એક લેખ લખીએ તો પણ ઓછું. પણ આજે વાત ફક્ત ખોવાયેલા, ન મળેલા કે બહુ જ મોડા મળેલા સામાન વિષે.
ઇન્ડિગોએ એક જ અઠવાડિયામાં લગભગ 2,000 ફ્લાઇટ્સ રદ કરી. લાખો મુસાફરો ફસાયા, તેમના રૂટ બદલાયા કે ગંતવ્ય સ્થાને સમયસર પહોંચી જ ન શક્યા. બોિંર્ડગ પાસ નક્કામા ઠર્યા અને હોટેલમાં હજારોનું મોંઘુ ભાડું ભરીને રહેવું પડ્યું. ખુબ અફરાતફરીના માહોલ પછી ભારતના એરપોર્ટ્સમાં એક અણધારી કટોકટી શરૂ થઈ. સમાન ટ્રાન્સપોર્ટ કરવામાં પણ ખુબ લોચા પડવા મંડ્યા. લગ્નના કપડાં, દવાઓ, પાસપોર્ટ અને ઘરની ચાવીઓ જેવી કીમતી અને જરૂરી વસ્તુઓ ભરેલા સામાનનો ટર્મિનલના ખૂણામાં ઢગલો થવા લાગ્યો. એવિએશન સીસ્ટમના નિયમોનો પણ ભંગ થયો.
દિલ્હી, મુંબઈ અને બેંગલુરુ એરપોર્ટ પર ત્યજી દેવાયેલા કાર્ગોની જેમ સામાનના ઢગલા થઈ ગયા. અખબારોના પહેલા પાના પરના ફોટામાં મુસાફરોના બેસવાના સ્થળોએ સુટકેસનો ઢગલો જોવા મળ્યો. ઇન્ડિગોએ ઉપકાર કરતા હોય એમ માફી માંગી અને સુધારો કરવાનું વચન આપ્યું. એરલાઇન્સ પાઇલટના આરામના નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ નીવડી. પછી સ્ટાફની અછતનું બહાનું આગળ ધરીને રડવાનું ચાલુ કર્યું. આ વાત કઈ રીતે ગળે ઉતરે? ઇન્ડિગો ભારતના ડોમેસ્ટિક એવિએશન માર્કેટનો લગભગ 65 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે કોઈ મુખ્ય ખેલાડી નિષ્ફળ જાય છે, તો આખી સીસ્ટમ પર અસર પડવાની જ.
ઘણા મુસાફરોને ખુબ અંગત નુકસાન થયું. લગ્ન પછી કાનપુરથી પુણે તેની વૃદ્ધ માતા સાથે મુસાફરી કરી રહેલા 47 વર્ષીય મુસાફર વિકાસ બાજપાઈએ તેના સામાન માટે ચાર દિવસ રાહ જોઈ. તેણે ઘણા જોડાણો કર્યા, દિલ્હીમાં એક રાત માટે ફસાયા, પછી મુંબઈ ગયા, અને અંતે રોડ દ્વારા પુણે પહોંચ્યા. તેમની બેગ ક્યારેય મળી ન હતી. અંદર આશરે 90,000 ની િંકમતના લગ્નના કપડાં અને તેમની 72 વર્ષીય માતા માટે જરૂરી દવાઓ હતી. તેમને આપવામાં આવેલ હેલ્પલાઇન નંબરમાં કોઈ જવાબ આપતું નહતું. બીજા એક કિસ્સામાં, દીપક છેત્રીએ આખી રાત બેંગલુરુ એરપોર્ટની બહાર પોતાના સામાનની રાહ જોતા વિતાવી. સામાનને બદલે એરલાઈન્સે તેમને શું આપ્યું? પાણીની બોટલ અને જ્યુસ.
આવા તો હજારો કિસ્સાઓ છે જે ભારતીય એવિએશનની અભૂતપૂર્વ ઓપરેશનલ નિષ્ફળતા દર્શાવે છે. લોકોનો સમાન કીમતી હોય છે. સામાનમાં ઓળખપત્રો હોઈ શકે, દસ્તાવેજ હોઈ શકે, જરૂરી દવાઓ હોઈ શકે, મૂડી બચાવીને ખરીદેલી વસ્તુઓ હોઈ શકે. આ બધું એરપોર્ટ ઉપર રઝળતું રહ્યું. અમુકના સમાન તો ભળતી જ ફ્લાઈટમાં ચડી ગયેલા.
અંતે, સરકારે હસ્તક્ષેપ કર્યો, ઇન્ડિગોને 48 કલાકની અંદર વેરવિખેર થયેલા સામાનને શોધી કાઢવા અને પહોંચાડવાનો નિર્દેશ આપ્યો. સત્તાવાર નિવેદનો અનુસાર, શનિવાર સુધીમાં આશરે 3,000 જેટલા થેલાઓ તેના માલિકો સુધી પહોંચાડવામાં આવ્યા હતા. પરંતુ આ આંકડા આ એપિસોડ દ્વારા ઉભા થયેલા વિકરાળ પ્રશ્નને ભૂંસી શકતા નથીઃ જ્યારે સ્થિતિ વણસે છે ત્યારે ભારતની એવિએશન ઇકોસિસ્ટમ કેટલી મજબૂત છે?
આ ઘટનાઓ ભારતીય માળખાગત સુવિધાઓમાં વારંવાર થતા તણાવને પ્રકાશિત કરે છે. તૈયારી નહિ. માનવસમયની િંકમત નહિ. પાઇલટ આરામના નિયમો અચાનક લાગુ કરવામાં આવ્યા ન હતા. પહેલેથી કહેવામાં આવ્યું હતું. નિષ્ફળતા નિયમોમાં નહોતી, પરંતુ તેમના અમલીકરણમાં હતી. સામાન ગેરવલ્લે થયો તેને કારણે એરલાઈન્સે હવે વિશ્વસનીયતા ગુમાવી છે. લોકો ઈન્ડીગો ઉપર બહુ જ ગુસ્સે ભરાયા છે. પણ એ ગુસ્સાનો ફાયદો શું? ઈન્ડીગોની મોનોપોલી છે. જેમ ટેલીકોમ કંપનીઓ હોય કે ઈન્ટરનેટ આપતી કંપનીઓ હોય કે પેટ્રોલ કે કરિયાણાની પણ એકલદોકલ કંપનીઓની મોનોપોલી છે એમ ઉડ્ડયન ક્ષેત્રે પણ આવું જ છે. જનતાને આવું જ ફાવે છે. તો ભોગવો.
