ઇન્ડિગો ઉપર કેન્દ્રની ચાબુક 10% ફ્લાઇટ્સ ઘટાડી
કેન્દ્ર સરકારની આકરી કાર્યવાહીઃ નાગરિક ઉડ્ડયન મંત્રીએ સેક્રેટરી સાથે વાત કરી
સેંકડો ફ્લાઇટ્સ રદ થયા પછી અને હજારો મુસાફરો ફસાયા પછી એરપોર્ટ પર અંધાધૂંધી સર્જાઈ હોવાને કારણે સરકારે ઇન્ડિગો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે અને મંગળવારે ઇન્ડિગોના સંચાલનમાં 10 ટકા ફ્લાઇટ્સ પર કાપ મૂકવાનો આદેશ આપી દીધો હતો. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામ મોહન નાયડુએ મંગળવારે સંસદમાં જણાવ્યું હતું કે કોઈપણ એરલાઇનને મુસાફરોને મુશ્કેલી ઊભી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને સલામતીના ભોગે કોઈ વાટાઘાટો થઈ શકશે નહીં. મંત્રીએ લોકસભામાં જણાવ્યું હતું કે ઇન્ડિગોની કામગીરી સામાન્ય થઈ રહી છે. તેમણે સંસદને જણાવ્યું કે વિમાન મથકો ભીડ કે તકલીફ વિનાની સામાન્ય સ્થિતિની જાણ કરી રહ્યા છે.
રિફંડ, સામાન શોધવા અને મુસાફરોને સહાય કરવાના પગલાં મંત્રાલય દ્વારા સતત દેખરેખ હેઠળ હોવાનું તેમણે આશ્વાસન આપ્યું હતું. મંત્રીએ કહ્યું કે, જવાબદારી સુનિશ્ચિત કરવામાં આવશે. ડીજીસીએએ ઇન્ડિગોના વરિષ્ઠ નેતૃત્વને કારણદર્શક નોટિસ જારી કરી છે અને વિગતવાર અમલીકરણ તપાસ શરૂ કરી છે. પરિણામના આધારે, નિયમો અને કાયદા હેઠળ સશક્ત કડક અને યોગ્ય પગલાં લેવામાં આવશે.
ઇન્ડિગો બાદ હવે રેલવેના લોકો પાયલટે વિરોધની વ્હિસલ વગાડી
ઇન્ડિગો એરલાઇન્સમાં પાયલટ્સના થાક અને લાંબા કામના કલાકોને કારણે સર્જાયેલા સંકટ બાદ હવે ભારતીય રેલવેના લોકો પાયલટ્સે પણ સમાન મુદ્દો ઉઠાવ્યો છે. ઓલ ઇન્ડિયા લોકો રિંનગ સ્ટાફ ઍસોસિયેશને ચેતવણી આપી છે કે થાકેલા લોકો પાયલટને ટ્રેન ચલાવવા દેવાથી મોટી જાનહાનિ અને સંપત્તિનું નુકસાન થઈ શકે છે.
સંઘે ઇન્ડિગો વિવાદમાં કેન્દ્ર સરકારના ઉદાર વલણની ટીકા કરી છે, જ્યારે સરકારી કર્મચારીઓના આંદોલનો સામે કડક વલણ અપનાવવામાં આવે છે. ઍસોસિયેશન અનુસાર, ઇન્ડિગોમાં જે સમસ્યા સર્જાઈ તે જ લાંબા સમયથી ભારતીય રેલવેમાં લોકો પાયલટ્સ દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યા છે. જ્યારે મોટી ખાનગી કંપનીઓ સલામતી નિયમોનો વિરોધ કરે છે, ત્યારે સરકાર તેમના આદેશો સમક્ષ શરણાગતિ સ્વીકારે છે, સિસ્ટમની સુરક્ષાને પણ અવગણીને. આનાથી વિપરીત, સરકારી ક્ષેત્ર પર તમામ પ્રકારના કાળા નિયમો લાદવામાં આવે છે. ઍસોસિયેશન અનુસાર, ખાસ કરીને વિશ્વભરના સલામતીના નિયમોના આધારે ઍસોસિયેશને તાત્કાલિક ધોરણે થાક આધારિત કામના કલાકોની સિસ્ટમ અપનાવવાની માંગ કરી છે.
જેમાં દૈનિક મર્યાદા છ કલાક હોય. વધુમાં તેણે દરેક ડ્યુટી શિફ્ટ પછી 16 કલાકનો નિર્ધારિત આરામ સમયગાળો અને દૈનિક આરામ સમયગાળા ઉપરાંત સાપ્તાહિક આરામ સમયગાળો પણ માંગ્યો હતો. ભારતીય રેલવેમાં દરરોજ 2 કરોડથી વધુ મુસાફરો મુસાફરી કરે છે, જે ક્યારેક તહેવારો અથવા પીક સીઝન દરમિયાન 3 કરોડ સુધી પહોંચે છે. તેથી, થાકેલા લોકો પાઇલટ્સ ટ્રેનો ચલાવવી ચોક્કસપણે મુસાફરોના જીવન માટે ખતરો છે.
