મીડિયા માફિયા હજુ નહીં સુધરે તો અમે નામ સાથે તેમને ઉઘાડા પાડશું! ઉઘરાણાબાજ મીડિયા માફિયાઓ સામેની ફરિયાદો અત્યંત ચોંકાવનારી
એક વાત સ્પષ્ટ છે કે `વોઈસ ઓફ ડે’એ સમાજમાં ફેલાયેલો કચરો સાફ કરવા માટે ઝુંબેશ શરુ કરી છે તેને સારા સારા લોકોના પ્રતિભાવો મળી રહ્યા છે અને કેટલાંક આગેવાનો અને અધિકારીઓએ નામ જોગ માહિતી આપી છે. આ માહિતી ઘણી ચોંકાવનારી છે એટલે હવે એટલુ જ કહેવાનુ કે આવા માફિયા હજુ જો પોતાની લીલા સંકેલી નહી લ્યે અને નિર્દોષ લોકોની બદનામી કરવાની કુચેષ્ટા બંધ નહી કરે તો તેમને નામ સાથે સમાજમાં ઉઘાડા પાડવામાં આવશે.
રાજકોટમાં બેફામ બનેલા મીડિયા માફિયાઓ સામે, પ્રજાનો અને પીડિતોના અવાજ બનીને `વોઇસ ઓફ ડે’એ આપેલા અહેવાલોને જનતા જનાર્દનનું પ્રચંડ સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે. અત્યાર સુધી દબાયેલા, કચડાયેલા અને લૂંટાયેલા લોકોના ભયભીત મૌનને હવે વાચા બનીને અભિવ્યક્ત કરવાની તક મળી છે, એમ કહો કે ઘણા વખતથી ધરબાયેલા રોષનો વિસ્ફોટ થઈ રહ્યો છે. અનેક લોકો ફોન, ઈમેલ,અને વોટ્સએપ દ્વારા તેમ જ રૂબરૂ આવીને આ મીડિયા માફિયાઓના બ્લેકમેઇિંલગનો પોતે કઈ રીતે ભોગ બન્યા છે તે આપવીતી વર્ણવી રહ્યા છે.
મીડિયાનું સ્થાન સમાજના જાગૃત પ્રહરી બનવાનું છે.મીડિયાની ફરજ શોષણ, અન્યાય, ભ્રષ્ટાચાર, ગુનાખોરી, સામાજિક દૂષણો, બાબુશાહી સામે લડવાનું છે.લોકોની સમસ્યાને વાચા આપવી એ મીડિયાની ફરજ છે.જ્યારે અહીં તો એ ધર્મ અપનાવવાને બદલે મુઠ્ઠીભર મીડિયા માફીયાઓ પોતે જ પ્રજા માટે મોટામાં મોટી સમસ્યા બની ગયા છે.એક એવી સમસ્યા જેને કોઈ વાચા આપતું નથી. આવા પીડિતાએ વર્ણવેલા કિસ્સાઓ ધ્રુજાવી દેનારા છે.
કેટલાક બનાવો તો અકલ્પ્ય છે. મીડિયાનો આ ચોક્કસ વર્ગ આ હદે લોકોને પીડા આપતો હશે એવી કલ્પના પણ નથી થઈ શકતી. `વોઇસ ઓફ ડે’ની મુલાકાતે આવેલા એક પીઢ પત્રકારે આ સ્થિતિનું જે મૂલ્યાંકન કર્યું તેમાં સમાજ કેવા ગંભીર સંકટમાં મુકાઈ ગયો છે તેનો ચિતાર મળે છે.
આ પણ વાંચો :રાજકોટમાં મીડિયા માફિયારાજ? ‘વોઇસ ઓફ ડે’ના અહેવાલ બાદ વાચકે મોકલેલો અવાજ તેના જ શબ્દોમાં પ્રસ્તુત
તેમણે કહ્યું કે એક આતંકવાદીના હાથમાં એકે 47 રાયફલ જેટલી જોખમી છે એટલી જ આ ખંડણીખોર તત્વોના હાથમાં આવી ગયેલી કલમ જોખમી છે. તેમણે વ્યથા સાથે કહ્યું કે અખબારોની કલમ પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે હોવી જોઈએ તેને બદલે એનો ઉપયોગ બ્લેક માઈિંલગ કરવા માટે થઈ રહ્યો છે.એ પીઢ પત્રકારની વ્યથા સાચી છે. `વોઇસ ઓફ ડે’ને લોકો સામે ચાલીને જે માહિતીઓ આપી રહ્યા છે તેની વિગતો જોઈએ ત્યારે સમજાય છે કે મીડિયા માફીયાઓ કઈ હદે ત્રાસ ગુજારી રહ્યા છે. વ્યાવસાયિક સૌજન્ય દાખવીને અહીં એ વ્હાઇટ કોલર ગુંડાઓના નામ નથી લખતા, પણ એ બધાએ હવે સમજી જવાની જરૂર છે કે પાપનો ઘડો છલકાવાની અણી ઉપર છે, પ્રજાની સહનશક્તિનો હવે અંત આવી ગયો છે. હવે હાઉં કરો, જો પીડિતોનો સંયમ તૂટ્યો તો પરિણામ ગંભીર હશે. `વોઇસ ઓફ ડે’ સમક્ષ લોકોએ રજૂ કરેલા બનાવો પૈકી કેટલાક અહીં લખી શકાય તેવા નથી.કેટલાક કિસ્સાઓનો સારાંશ અહીં રજૂ કરીએ છીએ.
સીઝનલ વેપારીઓ ત્રાહિમામ્
વેપારના દરેક ક્ષેત્રમાં ગળાકાપ હરીફાઈ છે. કરિયાણાથી માંડીને કપડાં સુધીના ક્ષેત્રોમાં કોર્પોરેટ માંધાતાઓ પગ પેસારો કરી ચૂક્યા છે.નાના વેપારીઓ માટે ટકવાનું મુશ્કેલ બની રહ્યું છે ત્યારે આવા અસંખ્ય વેપારીઓ બે છેડા ભેગા કરવા માટે સિઝનલ ધંધામાં ઝંપલાવે છે.જેમ કે મકર સંક્રાંતિ ઉપર પતંગ દોરા, દિવાળી ઉપર ફટાકડા, ઉનાળામાં કેરી, શિયાળામાં ચીકી..વગેરે. આ વેપારીઓ તાણી તુણીને નાની એવી મૂડી ઊભી કરીને માલ ખરીદે છે, થોડા દિવસો માટે દુકાન ભાડે રાખે, થડો ભાડે રાખે. તેમાં પણ કમાણીની ગેરંટી તો નથી જ હોતી.આઘાતજનક વાત એ છે કે આવા નાના વેપારીઓને પણ આ મીડિયા માફીયાઓ છોડતા નથી.કેરી થી ફટાકડા સુધી બધું મફત મેળવવાનું. કોઈ આનાકાની કરે તો વેપારીએ કરેલા કથિત નિયમભંગ નો હવાલો આપીનેદબડાવવાના.કોર્પોરેશનની રેડ પડશે એ ધમકી દેવાની.વેપારીઓએ કહ્યું કે અમે શું કરીએ ? અમારે ધંધો કરવો છે.કુટુંબનું ભરણ પોષણ કરવું છે.અમે વિરોધ કરી શકતા નથી, પણ અમારા હ્રદયમાંથી નિકળતા નિસાસા આ બધાને ખાઇ જશે. ફટાકડા અને કેરી પણ મફતમાં લેવાવાળા આ તત્વો પાછા સમાજમાં ઉજળા થઈને ફરે છે અને માનપાન ભોગવે છે એ પણ વિધિની અને સમયની વક્રતા છે અને આખા મીડિયા જગતની શરમ છે.
જેને ને તેને ગુનેગાર ગણાવી અને ખંડણી મેળવવાની મોડ્સ ઓપરેન્ડી
ભારતીય ન્યાય સંહિતા અને બંધારણમાં નાગરિકના સ્વમાન અને તેની ગરિમાના રક્ષણ માટે ની સ્પષ્ટ જોગવાઈઓ છે. કાયદો સ્પષ્ટ કહે છે કે કોઈ પણ વ્યક્તિ સામે કોઈ પણ ફરિયાદ નોંધાઈ હોય, કોઈ ગુનો બન્યો હોય, તેની ધરપકડ થઈ હોય કે તેની સામે ચાર્જશીટ મુકાઈ ગઈ હોય પણ જ્યાં સુધી અદાલતનો ચુકાદો ન આવે ત્યાં સુધી એ વ્યક્તિ ગુનેગાર નથી. એ માત્ર આરોપી છે.કોઈ વ્યક્તિને જ્યાં સુધી અદાલત ગુનેગાર જાહેર ન કરે ત્યાં સુધી ગુનેગાર નથી. ખંડણીબાજ મીડિયા માફીયાઓ ભરપૂર ગેરલાભ ઉઠાવે છે. આરોપીને સીધો જ ગુનેગાર ઠેરવી દેવામાં આવે છે. તેના વિશે કપોળકલ્પિત અહેવાલો આપવામાં આવે છે. ફરિયાદ સાથે સુસંગત ન હોય એવી વિગતો પણ વણી લેવામાં આવે છે. આ બધા પાછળનો હેતુ માત્ર ને માત્ર પૈસા કટકટાવવાનો હોય છે અથવા તો અણસમજે આપણે મીડિયા છીએ તો ગમે તેવું લખવાની છૂટ હોય તેવો એક ફાંકો રાખીને ગમે તેનું ગમે તેવું ઘસાતું લખી નાખતા હોય છે.
સરકારી તંત્રને કઠપૂતળી સમજી ખોટા કામ માટે દબાણ કરે છે
મીડિયાનું કામ છે પ્રજાના પ્રશ્નો માટે તંત્ર સામે લડવાનું નહીં કે પોતાની માલ મલાઈ માટે અધિકારીઓને બ્લેકમેઇલ કરવાનું રાજકોટમાં કેટલાક મીડિયા માફિયા એવા છે જે સરકારી તંત્રને પોતાના હાથની કઠપૂતળી સમજે છે. પોલીસ તંત્ર હોય કે કલેકટર તંત્ર, મહાપાલિકા હોય કે બીજી કોઈ સરકાર કચેરી..જે તે અધિકારીને દબાવવાની કોશિશ તો કરે જ છે અને જો કોઈ ન દબાય તો તેમની વિરુદ્ધમાં શોધી લાવવાનું સ્ટાફને ફરમાન પણ કરે છે. અમુક અધિકારીઓ ઉપર ટેન્ડર પાસ કરાવવા માટે દબાણ કરાય છે તો અમુકને કોઈકની બદલી માટે પ્રેશર કરવામાં આવે છે. એક અધિકારીએ તો ત્યાં સુધી કહ્યુ કે આવા મીડિયા સામે કડકાઈ દાખવવાનો સમય આવી ગયો છે.
ધમકી આપીને જાહેરખબરો મેળવવી એ ખંડણી જ ગણાય
સૌથી વધારે કફોડી હાલત બિલ્ડરો અને વેપારી વર્ગની છે. બિલ્ડરો કહે છે કે હવે અમે અમારા પ્રોજેક્ટની જાહેરાતો કરવામાં ડર અનુભવીએ છીએ.એક અખબારને જાહેરાત આપીએ એટલે રાજકોટના અમુક નામચીન મીડિયા માફીયાઓ, તેમને પણ જાહેરાત આપવા માંગણી કરે છે. માત્ર માંગણી નથી કરતા, ધોકો જ પછાડે છે. અમને જાહેરાત નહી આપો તો બિિંલ્ડગની કાયદેસરતા, બાંધકામની ગુણવતા વગેરે અંગે અહેવાલો લખવાની ધમકી આપે છે. એક અગ્રણી બિલ્ડરે દુખ સાથે કહ્યું કે મીડિયા માફિયાઓને કારણે અનેક બિલ્ડરો હવે રાજકોટને બદલે અન્ય શહેરોને કાર્યસ્થળ બનાવી રહ્યા છે.એક બિલ્ડરે કહ્યું કે જેન્યુઇન અખબારોને અમે જાહેર ખબર આપવા માંગીએ છીએ, કારણ કે તેમાં અમને ખર્ચેલ રકમનું વળતર મળે છે.પણ આ માફિયાઓને કારણે હવે અમે એ મીડિયા ને જાહેરખબરો આપવાનું પણ બંધ કરી દીધું છે.
આવો, અમે તમારી પડખે ઊભા છીએ…
મીડિયાના એક નાનકડા, પણ પેધી ગયેલા અને પોતાને મગરમચ્છ સમજતા માફિયાઓને કારણે આખું મીડિયા જગત બદનામ થઈ રહ્યું છે. સૂકા ભેગું લીલું બળી રહ્યું છે ત્યારે સંનિષ્ઠ પ્રસાર માધ્યમોની ફરજ છે કે એવા તત્વોને ખુલ્લા પાડે અને જનતાને આ ખંડણીખોરી થી બચાવે. `વોઇસ ઓફ ડે’એ એ માટે પહેલ કરી છે. `વોઇસ ઓફ ડે’ને અનેક પુરાવાઓ, દસ્તાવેજો લોકોએ સામેથી આપ્યા છે તેની તપાસ ચાલુ છે. જો કે, મીડિયાના આ દૂષણ સામે લોકોએ, વેપારીઓએ,અન્ય ક્ષેત્રના વ્યવસાયકારોએ પોતે જ િંહમત કરી ને સામે આવવું પડશે. અત્યાર સુધી એમની દાદાગીરીને કોઈએ પડકારી નથી એટલે આ દૂષણને પ્રોત્સાહન મળ્યું છે.પણ એક વખત સામે ઊભા થશો તો તેમના વળતા પાણીની નિશ્ચિત છે કારણ કે સત્ય તેમની પક્ષે નથી. `વોઇસ ઓફ ડે` મીડિયા શુધ્ધિકરણના આ પવિત્ર કાર્યમાં, સત્યની એ લડાઈમાં તમારી સાથે જ છે, તમને બધી મદદ કરવા માટે તૈયાર છે. પીડિતો માટે `વોઇસ ઓફ ડે’ના દ્વાર ખુલ્લા જ છે, સદા ખુલ્લા રહેશે.
