500 કરોડમાં CMની ખુરશી? નવજોત સિંહ સિદ્ધુની પત્નીના નિવેદન બાદ પંજાબનું રાજકારણ ગરમાયું
નવજોત સિંહ સિદ્ધુના પત્ની નવજોત કૌર સિદ્ધુના નિવેદન પર કોંગ્રેસમાં ઘમસાણ શરૂ થયું છે. તેમણે હાલમાં જ કહ્યું છે કે મુખ્યમંત્રીની ખુરશી માટે 500 કરોડ રૂપિયાની જરૂર પડે છે. જે બાદ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. આ બંને પક્ષના નેતાઓ કહી રહ્યા છે કે કોંગ્રેસ ધન સંપત્તિના રાજકારણમાં લિપ્ત છે અને સિદ્ધુના પત્નીએ તે સત્ય બહાર લાવ્યા છે.
શનિવારે મીડિયાએ નવજોત કૌર સિદ્ધુને સવાલ કર્યો હતો કે, જો કોંગ્રેસ પાર્ટી તેમના પતિ નવજોત સિંહ સિદ્ધુને સીએમનો ચહેરો જાહેર કરે તો શું તે સક્રિય રાજકારણમાં પરત આવશે? જેના જવાબમાં તેમણે કહ્યું, કે અમે હંમેશા પંજાબ અને પંજાબીયતની વાત કરીએ છીએ. પણ અમારી પાસે મુખ્યમંત્રીની ખુરશી લેવા માટે 500 કરોડ રૂપિયા નથી.
આ પણ વાંચો :IND vs SA: દક્ષિણ આફ્રિકા સામે ટોસ જીતવા હવે સૂર્યકુમાર પણ અજમાવશે આ કીમિયો, જાણો ટોસ જીતવો શા માટે મહત્વપૂર્ણ?
આમ આદમી પાર્ટીના નેતા બલતેજ પન્નુએ કહ્યું છે, કે નવજોત કૌરે કોંગ્રેસનું સત્ય આજે ઉજાગર કર્યું કે કોંગ્રેસમાં નેતૃત્વ કેવી રીતે નક્કી કરાય છે. કોંગ્રેસમાં આ પદ લેવા માટેના પૈસા ક્યાંથી આવે છે? અને આ રકમ કોને આપવામાં આવે છે? ભાજપના પ્રદેશ પ્રમુખ સુનિલ જાખડે કહ્યું, કે કોંગ્રેસમાં મુખ્યમંત્રી બનવા માટે કોઈ માપદંડ નથી. કોંગ્રેસમાં હજુ પણ લૂંટારાઓ જ ઊંચા પદો પર વિરાજમાન છે.
કોંગ્રેસના નેતાઓ પણ નવજોત કૌર સિદ્ધુના આ નિવેદનનો વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસ સાંસદ સુખજિંદર સિંહ રંધાવાએ કહ્યું, કે એવું લાગી રહ્યું છે કે સિદ્ધુ પરિવાર જે ‘મિશન’ પર કોંગ્રેસમાં જોડાયો હતો તે હવે પૂરો થઈ ગયો. નવજોત સિંહ સિદ્ધુને પંજાબમાં નેતૃત્વ અપાયું કારણ કે તેમના પિતા કોંગ્રેસના નેતા હતા. કોંગ્રેસે જ્યારે તેમને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા ત્યારે શું તેમણે પૈસા આપ્યત હતા? સિદ્ધુના નિવેદનોથી કોંગ્રેસને જ નુકસાન થયું છે.
