રાજકોટમાં પતિના હાથે પત્નીની હત્યા : યુવતીએ છૂટાછેડા માગતા ઉપરાછાપરી છરીના ઘા ઝીંકી જીવ લઇ લીધો
રાજકોટ શહેરમાં નહીં જેવી બાબત, પારિવારિક કે અન્ય નાના-મોટા કારણોસર હત્યા થવી સામાન્ય જેવું બની ગયું છે. શહેરના દૂધસાગર રોડ પર હાઉસિંગ બાર્ડમાં બહેનપણીના ઘરે ગયેલી પત્નીની પતિએ છરીના ઉપરાછાપરી ઘા ઝીંકીને હત્યા કરી નાખ્યાની ઘટના થોરાળા પોલીસ મથકમાં નોંધાઈ છે. ચાર વર્ષ પૂર્વે બન્નેએ પ્રેમલગ્ન કર્યા હતા. બન્ને વચ્ચે અણબનાવ થતાં પત્ની ચાર દિવસથી તેની સખીને ત્યાં ચાલી ગઈ હતી અને જે બાબતે પતિ વિફર્યો હતો. આજે બપોરે આક્રોશમાં આવીને પત્નીનો જીવ લઈ લીધો હતો.
શહેરના ભગવતીપરા વિસ્તારમાં આવેલી બોરીચા સોસાયટીમાં રહેતા નિલેશ્વરી યોગેશ બોરીચા (ઉ.વ.27) નામની પરિણીતાની તેના પતિ યોગેશે જ છરીના સાતથી વધુ ઘા ઝીંકીને ખૂન કરી નાખ્યું હતું. સમગ્ર ઘટના પાછળ એવી વિગતો જાણવા મળે છે કે, નિલેશ્વરી અને યોગેશ વચ્ચે પ્રેમ સંબંધ હતો અને બન્ને ચાર વર્ષ પૂર્વે લગ્નગ્રંથીએ જોડાયા હતા. બોરીચા સોસાયટીમાં સંયુક્ત પરિવારમાં રહેતા હતા. થોડા દિવસથી બન્ને વચ્ચે માથાકૂટ ચાલતી હતી જેને લઈને ચાર દિવસ પૂર્વે નિલેશ્વરી હાઉસિંગ બોર્ડમાં રહેતી તેની બહેનપણી જલ્પાના ઘરે રહેવા ચાલી ગઈ હતી. ચારેક દિવસથી યોગેશ ફોન કરીને માથાકૂટ કરતો હતો.
આ પણ વાંચો :આટકોટમાં SMCએ બે કરોડનો દારૂ પકડ્યોઃ રૂરલ પોલીસમાં હડકંપ! 26,726 બોટલ દારૂ સાથે બે શખ્સોને દબોચ્યા
બન્ને વચ્ચે છૂટાછેડા લેવા બાબતે માથાકૂટ ચાલતી હતી. પત્ની નિલેશ્વરી પતિ બેરોજગાર હોય અને કુછેન્દે ચડેલો હોવાથી બન્ને વચ્ચે તકરાર થઈ હતી. નિલેશ્વરી તેના સખીને ત્યાં ચાલી ગઈ હતી અને પતિ પાસે છૂટાછેડાની માગણી કરતી હતી. ફોનમાં પણ આ બાબતે ચડભડ થઈ હતી. આજે બપોરના સમયે આરોપી યોગેશ ટૂ-વ્હિલર લઈને જલ્પાના ઘરે ધસી આવ્યો હતો અને ઝઘડો કર્યો હતો. જલ્પાના કહેવા મુજબ તેણે બન્નેને શાંતિથી વાતચીત કરીને માથાકૂટ પુરી કરવા યોગેશને સમજાવ્યો હતો.
રોષે ભરાયેલો યોગેશ છરી લઈને અંદર ઘૂસી ગયો હતો. પલંગ પર બેઠેલી પત્નીને ઉપરાછાપરી છરીના સાતથી વધુ ઘા ઝીંકી દઈ ટૂ-વ્હિલર પર નાસી ગયો હતો. લોહિયાળ હાલતમાં બેશુધ્ધ બનેલી નિલેશ્વરીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. બનાવ સંદર્ભે ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈના જણાવ્યા મુજબ આરોપીના હજુ સુધી કોઈ સગડ મળ્યા નથી.
