રાજકોટ સિવિલના પ્રિઝન વોર્ડમાં હત્યાના આરોપીનો આપઘાત: પુત્રીના પ્રેમીને છરીના ઘા ઝીંકી વૃધ્ધે કરી’તી હત્યા
રાજકોટ સિવિલમાં એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. રેલનગરમાં 11 માસ પૂર્વે પુત્રીના પ્રેમીને છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવનાર 65 વર્ષીય વૃધ્ધને પેટમાં દુખાવાની તકલીફ હોવાથી સિવિલ હોસ્પિટલના પ્રિઝન વોર્ડમાં સારવાર ચાલુ હતી દરમિયાન આજે સવારે તેઓએ મેડિકલ પાટા વડે પંખામાં ફાંસો ખાઈ આપઘાત કરી લેતા સિવિલ હોસ્પિટલમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરવા તજવીજ હાથ ધરી છે.
આ અંગેની વિગતો મુજબ, ગત તારીખ 22 જાન્યુઆરી 2025 માં રેલનગર દર્શનવિલા સોસાયટીમાં રહેતા રાજેન્દ્રભાઈ પોપટભાઈ રાઠોડ (ઉંમર 65 ) પોતાના ઘરે હાજર હોય ત્યારે તેણી પુત્રીને મળવા ઉપલેટાનો વતની આસિફ સોરા નામનો યુવક આવ્યો હતો. રાજેન્દ્રભાઈએ પુત્રી અને તેના પ્રેમીને સાથે જોઈ જતા એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને પોતાની પાસે રહેલી છરી વડે આસિફ પર તૂટી પડ્યા હતા. ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં આસિફને સિવિલ હોસ્પિટલમાં ખસેડતા અહીં તેનું મોત નિપજ્યું હતું. ઘટના બાદ પ્રદ્યુમનનગર પોલીસ મથકના સ્ટાફે ગણતરીની કલાકોમાં જ આરોપી રાજેન્દ્રની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો :આટકોટમાં SMCએ બે કરોડનો દારૂ પકડ્યોઃ રૂરલ પોલીસમાં હડકંપ! 26,726 બોટલ દારૂ સાથે બે શખ્સોને દબોચ્યા
જેલ હવાલે રહેલા રાજેન્દ્રભાઇ પોપટને પેટમાં દુખાવાની તકલીફ રહેતી હોય જેથી પોપટપરા જેલમાંથી સારવાર અર્થે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બે દિવસ પૂર્વે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં આજે વહેલી સવારે 7 વાગ્યા આસપાસ રાજેન્દ્રભાઇએ પ્રિઝન વોર્ડમાં બેડમાં બાંધેલા મેડિકલના પાટા વડે પંખામાં ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. ડ્યુટીમાં રહેલા ગાર્ડ વોર્ડમાં જોતા જ રાજેન્દ્રભાઈ લટકતી હાલતમાં જોવા મળ્યા હતા તુરંત જ ઇમરજન્સી વોર્ડમાં ખસેડતાં તબીબે મૃત જાહેર કર્યા હતા.
આ પણ વાંચો :રાજકોટમાં બે મહિલા પોલીસ અધિકારી વચ્ચે એક મ્યાનમાં બે તલવાર જેવું હતું કે કેમ? વાંચો કાનાફૂસી
પરિવારજનોના જણાવ્યા મુજબ, મૃતક છેલ્લા 11 માસથી જેલમાં હતા તેઓને સંતાનમાં એક દીકરી અને બે દીકરા છે.જેમ બંને દીકરા સાથે હાલ તેમને કોઈ સંબંધ રહ્યો નથી. તેઓ પીજીવીસીએલમાં લાઇન ઇન્સ્પેક્ટર તરીકે નિવૃત થયા હતા.જો કે પરિવારે તેઓએ ક્યાં કારણસર આ પગલું ભર્યું તે અંગે કોઈ જાણકારી ન હોવાનું જણાવ્યું હતું. પ્રદ્યુમનનગર પોલીસ મથકના સ્ટાફે મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
