રાજકોટમાં બે મહિલા પોલીસ અધિકારી વચ્ચે એક મ્યાનમાં બે તલવાર જેવું હતું કે કેમ? વાંચો કાનાફૂસી
રાજકોટ શહેર પોલીસ બેડામાં એક પોલીસ સ્ટેશન એવું કે જ્યાં બે મહિલા પોલીસ અધિકારી વચ્ચે કોઈને કોઈ બાબતે મનમેળ ઓછો ને મનદુઃખ વધુ. એકબીજા એક સાથે મિશ્ર થાય. બન્નેને રહેવાનું એક ઘર (પોલીસ સ્ટેશનમાં) નોકરી બન્નેની સાથે પણ સિનિયર, જુનિયરનો ગેપ ક્યાય ચેપ જેવો બની ગયો. ઉપરી અધિકારીની સૂચના જુનિયરે માનવી પડે પણ જુનિયરને એ કદાચ રાજ આવતું નહીં હોય. બન્નને સાથે જ ફરજ બજાવતા હોવા છતાં એકની ઉત્તર એકના દક્ષિણ જેવા તેવર રહેતા હતા. બન્ને વચ્ચે સ્ટાફને પણ કઠણાઈ જેવું. જે એકને બોલાવે એની સાથે રહે તે બીજા માટે અણગમતા અથવા તો મીઠા ટોણા આવે કે તમને તો અમારી સાથે જાણે બોલવામાં પણ મુશ્કેલી. એક વાત તો એવી છે કે બન્ને વચ્ચેનો અણગમો કામમાં પણ અસર દાખવતો. એક બીજાના મોકાની શોધમાં હોય. એકે જો કોઈ કામ કર્યું હોય અને તેમાં ચૂક રહી જાય તો અથવા તો કોઈને કોઈ રીતે ચૂક શોધીને પાણીમાંથી પોરા કેમ કાઢવા ? એક જો વાહન પકડે અને છોડે તો બીજાને ખ્યાલ પડે કે છાડ્યું તો એ પણ મદ્દો બની જાય. ડમ્પર કે આવા વાહન રોક્યા હોય અને એક ડમ્પરને કોઈની સ્ટાફની ભલામણ હોય અથવા તો પોલીસના નજીકનાનું હોય ને જવા દેવામાં આવે. બીજાને પોલીસના દરવાજા સુધી લઈ જવામાં આવે તો અથવા તો દંડ કરવામાં આવે તો પણ એકને ગોળ અને એકને ખોળ આવું કેમ થયું કે કર્યું ? બીજા મેડમ આ મુદ્દાને સ્ટાફ મારફતે છૂપી રીતે જાણે અથવા તપાસ કરાવે આવું એક મ્યાનમાં બે તલવાર (એક પોલીસ મથકમાં બે મહિલા અધિકારી)ને આંતરિક મનમેળ ન હતો અને ફેરબદલ થઈ ? આવી સ્ટાફમાં કે જાણકારોમાં ખરી ખોટી કાનાફૂસી શહેર પોલીસની સરહદ કુવાડવા હાઈ-વે તરફ સુધી ચાલી છે.
એર શોના નામે અનેક વિભાગોમાં RMCમાં રહ્યો ગુટલી જેવો તાલ !
રાજકોટ શહેરમાં અદ્ભૂત એર શો તા.7 ડિસેમ્બર રવિવારે યોજાઈ ગયો. શહેરીજનોને અકલ્પનીય નજારો નિહાળવા મળ્યો. આ દૃશ્યો હવે રાજકોટમાં ફરી ક્યારે જોવા મળે એ તો સમયની વાત બનશે. રાજકોટ મહાપાલિકાની યજમાની હેઠળ યોજાયેલો આ એર શો મહાપાલિકાના ઘણા વિભાગોમાં કર્મચારીઓથી લઈ અધિકારીઓ, પદાધિકારીઓ કે હોદ્દેદારોમાં પણ મજા-મજા કરાવનારો બની ગયો, એર શોનું જમીની આયોજન એક સપ્તાહથી વધુ સમયથી આરંભાયું હતું, જેમાં અટલ સરોવર તેમજ આસપાસના એરિયામાં અલગ-અલગ પ્રકારની મંડપ સમિયાણા, ડ્રોઇંગ, પાર્કિંગ, સિટીંગથી લઈ વિવિધ તૈયારીઓ કરવાની હતી. જેની જવાબદારી મહાપાલિકાના સંબંધિત વિભાગોને સોંપવામાં આવી હતી. આ સપ્તાહ તૈયારીના નામે મહાપાલિકામાં એવું રહ્યું કે કોઈ વિભાગોમાં કોઈ વ્યક્તિ કામ અર્થે જાય, મુલાકાત માટે જાય તો સાહેબ કે ફલાણા વ્યક્તિ, ભાઈ તો એર શોની તૈયારી માટે ફિલ્ડમાં છે. એર શોના કામના કારણે કોઈ ઉપરી અધિકારીઓની પણ કોઈ રોકટોક રહેતી ન હતી. કારણ કે કામ તો મહાપાલિકાનું જ કરે છે તો એર શોના નામે જેમણે કામ કર્યું છે તેમણે તો સપ્તાહભર ખરી દોડધામ કરી છે. બાકી એવા પણ હતા કે એર શો કે ફિલ્ડના નામે નીકળી જતા અથવા તો આવતા નહીં. એર શો ફિલ્ડમાં કદાચ કામ બે-ત્રણ કલાક કર્યું કરાવ્યું હોય કે ત્યાં હાજર રહ્યા હોય બાકીનો સમય ઘરે હાજર અથવા ગુટલી. આરએમસીના ઘણા વિભાગમાં સપ્તાહભર એર શો ફિલ્ડ કામના નામે જાણે ગુટલી જેવો તાલ રહ્યો હતોની અને હવે સોમવારથી તો ફરી કચેરીએ રેગ્યુલર જવું પડશેને આવી આંતરિક કાનાફૂસી પણ ચાલતી હશે.
આ પણ વાંચો :રાજકોટમાં મીડિયા માફિયારાજ? ‘વોઇસ ઓફ ડે’ના અહેવાલ બાદ વાચકે મોકલેલો અવાજ તેના જ શબ્દોમાં પ્રસ્તુત
હવે કેટલાકને ક્રાઇમ બ્રાન્ચ કડક લાગવા લાગી, બદલી માટે સામે ચાલીને તૈયાર !
ક્રાઈમ બ્રાન્ચ (ડીસીબી) અને પીસીબી આ બન્ને કોઈપણ શહેર-જિલ્લા પોલીસમાં મહત્વપૂર્ણ હોય છે અને આ બન્ને બ્રાન્ચમાં રહેવા હોડ કે પડાપડી જેવું હોય છે. રાજકોટ શહેરમાં પણ એક તબક્કે આવું જ હતું. ડીસીબી, પીસીબીમાં રહેવા સાહેબોના કે લાગતા વળગતાના છેડા શોધી અથવા પોતાના ખાસ કામો, ડિટેક્શનના સરવૈયા સાથે આ બન્ને બ્રાન્ચમાં પોલીસબાબુઓ પહોંચી જતાં હોય છે. ડીસીબી, પીસીબી મીઠી મધૂરી જેવી લાગતી હતી. હવે બદલાયેલા રૂખ, અધિકારીને લઈને હવે ક્રાઈમ બ્રાન્ચ ઘણાખરાને કડવ કે કડકપડવા લાગી છે. એમાય ચોક્કસ ધ્યેય કે કામો માટે દોડનારા કર્મીઓને હવે કાઠું પડી રહ્યું હોઈ શકે. જે જગ્યાએ ટકી રહેવા માટે કર્મીઓ જે કરવું પડે તે કરવા તૈયાર રહેતા, પડ્યો બોલ ઝીલીને `ટાર્ગેટ’ પુરા કરતા હતા. હવે ડિટેક્શન જ એક માત્ર મિશન ક્રાઈમ બ્રાન્ચમાં બની ગયું છે. ડિટેક્શન સિવાય કોઈપણ પ્રકારના કામો ડાયરેક્ટ અરજીઓ આવું બધું બંધ કે બે્રક આવી ગઈ છે. કદાચ આવા કારણોસર પણ અત્યાર સુધી ચોક્કસ કામોમાં જ રત રહેતા કેટલાક કર્મીઓને ક્રાઈમ બ્રાન્ચ કડવી કે કડક પડવા લાગી હોય તેમ બદલી માટે સામે ચાલીને માનસિક તૈયાર છે. કારણ કે હવે કલેક્શન નહીં ડિટેક્શન ચાલશે અને આમાં કદાચ આપણે નહીં ચાલીએ તો ? આવા કારણોસર પણ કદાચ હવે સામે ચાલીને ક્રાઈમ બ્રાન્ચ છોડવા તૈયાર હશે ?
એક કર્મીને અધિકારીએ ચેમ્બરમાં બોલાવીને આકરૂ કહ્યું, બકલ નંબર ટાંક્યા !
રાજકોટ શહેર પોલીસમાં મહત્વનું સ્થાન ધરાવતી શાખવાળી એક શાખામાં અધિકારી બદલાયા બાદ જેઓ સમજી ગયા તેઓ તો અધિકારીના (એન.સી.) નેચર મુજબ કામ કરવા લાગ્યા. માત્ર ડિટેક્શન જ અન્ય કોઈ જગ્યામાં જીવ નહીં નાખવાનો, કામ એ જ ધર્મ અને સારું કર્મ (ડિટેક્શન કે પોલીસના હાથે થતાં કે સારા કામો) એ જ સાચો માર્ગ તેવું માનવા લાગ્યા છે. આમેય એક એવી છાપ છે કે સ્ટાફ કે કર્મીઓ તો ચિઠ્ઠીના ચાકર જેવા હોય છે. જેવી સૂચના તેવું કામ. જેમ પવન ફરે તેમ સઢ ફરે તેમ કોઈ ઉપરી ફરે તેમ કામ કરવાની તેમની તાસીર મુજબ બદલાવ પણ આવે. જો કે જે કર્મીઓ હજુ જૂની જ ઢબમાં રહેતા હોય તેઓને ફાવે નહીં અથવા તો એ જૂની આદત મુજબ ક્યાંક મોઢું મારી આવે. આવા એક કર્મી સાહેબની સૂચનાને અવગણીને ક્યાંક મોઢુ મારી આવ્યા હતા આ કર્મીની કળા સાહેબના કાન સુધી પડી ગઈ, રણ ખેડવામાં માહિર રણધીરને સાહેબે ચેમ્બરમાં તેડું મોકલ્યું હતું. આ કર્મીને બંધ બારણે એવા કડક શબ્દો પણ કહ્યા કે હવે આવું કોઈ ક્રાઈમ મારી બ્રાન્ચમાં નહીં ચાલે. એ કર્મીના બકલ નંબર પણ ટાંક્યા?ની વાત શાખામાં ભારે ચર્ચામાં ચાલી હતી.
