રાજકોટમાં મીડિયા માફિયારાજ? ‘વોઇસ ઓફ ડે’ના અહેવાલ બાદ વાચકે મોકલેલો અવાજ તેના જ શબ્દોમાં પ્રસ્તુત
પ્રસાર માધ્યમોમાં ફૂલેલા ફાલેલા, સમાજને પીડતા દૂષણો અંગે `વોઇસ ઓફ ડે’ના રવિવારના અંકમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલના પ્રતિભાવમાં એક વાચકે, `અમે છીએ મીડિયા માફિયા’ મથાળા સાથે મોકલેલું લખાણ અહીં પ્રસિદ્ધ કર્યું છે. અલબત, તેમાં લખાયેલી વિગતોની `વોઇસ ઓફ ડે’ પુષ્ટિ નથી કરતું.પણ સાથે જ એ વાચકે વર્ણવેલી પીડા, વ્યથા અને તેમના આક્રોશમાં, વર્તમાન સમયમાં મુઠ્ઠીભર મીડિયાને કારણે સત્યનિષ્ઠ અને પત્રકારત્વના મૂલ્યોનું જતન કરતાં મોટાભાગના પ્રસાર માધ્યમો માટે પણ આમ જનતા કેવું વિચારવા લાગી છે તેનું ખૂબ આઘાતજનક ઉદાહરણ મળ્યું છે.મીડિયાની વિશ્વનીયતા કઇ હદે ખતમ થઈ રહી છે એની ઝલક આ લખાણમાંથી મળી છે.મીડિયા જગત માટે આ સ્થિતિ ખતરાની ઘંટી સમાન છે.મીડિયા જગતે આત્મિંચતન કરવાનો સમય પાકી ગયો છે.
સમાજભિમુખ ઝુંબેશ ચાલુ રાખજો : વાચકોનો સાદ સાથે પ્રચંડ પ્રતિસાદ
વોઇસ ઓફ ડેના અહેવાલને અકલ્પ્ય અને પ્રચંડ પ્રતિસાદ પ્રાપ્ત થયો છે. ડિજિટલ એડિશનમાં બપોરે ત્રણ વાગ્યા સુધીમાં જ 10.34 લાખ લોકો તેને વાંચી ચૂક્યા હતા.સેંકડો લોકોએ ફોન અને વોટ્સએપના માધ્યમથી, તો અનેક લોકોએ રૂબરૂ આવીને `વોઇસ ઓફ ડે’ને અભિનંદન પાઠવ્યા હતા. અનેક પ્રમાણિક પ્રસાર માધ્યમો અને વરિષ્ઠ પત્રકારોએ પણ આ અહેવાલને સમર્થન આપીને કેટલાક સૂચનો પણ કર્યા છે. તેમ છતાં જેમને આ તીર ચૂભ્યું હોય તેમના પ્રતિસાદની પ્રતિક્ષા રહેશે.હજારો લોકોએ `મીડિયા શુધ્ધિકરણ’ની `વોઇસ ઓફ ડે’ની પહેલને વધાવી છે અને ઝુંબેશ ચાલુ જ રાખવા વિનંતી કરી છે.

પીડિતોએ પીડા વર્ણવી, વેપારીઓએ કહ્યું, `અમે ફફડતા રહીએ છીએ…’
ધાકધમકી આપીને થતાં ઉઘરાણાથી પીડિત એવા કેટલાક લોકોએ પોતાના કિસ્સા વર્ણવ્યા ત્યારે સમજાયું કે મીડિયાની આબરૂ શા માટે તળિયે પહોંચી રહી છે.એક પીડિતા બહેન તો આપવીતી વર્ણવતી વેળા રડી પડ્યા હતા.વેપારીઓએ કહ્યું કે અમારા માટે વેપાર ધંધો કરવાનું મુશ્કેલ બની ગયું છે.એક અખબારને જાહેર ખબર આપી હોય તો બીજા અખબારો તરફથી તેમને પણ જાહેરખબર આપવા માટે દબાણ કરવામાં આવે છે. ના પાડીએ તો `છાપે ચડાવવાની અને જોઈ લેવાની,’ ધમકીઓ મળે છે.એક વેપારીએ કહ્યું કે ફોનની ઘંટડી વાગે અને અમે ફફડી ઊઠીએ છીએ. `વોઇસ ઓફ ડે’નો અહેવાલ વાંચીને બે નિવૃત અધિકારીઓના આત્મા જાગી ગયા.તેમણે કહ્યું કે ફાઈલોના ભ્રષ્ટાચારો અમે નજરે નિહાળ્યા છે. જે તે સમયે લાચારીવશ મોઢું બંધ રાખ્યા સિવાય છૂટકો નહોતો.તેમણે કેટલાક મીડિયા હાઉસના કિસ્સા જણાવ્યા અને સાબિતી-પુરાવા આપવાની તૈયારી પણ બતાવી હતી.
આ પણ વાંચો :ફ્લાઇટ સંકટ વચ્ચે બેફામ લૂંટ ચલાવતી એરલાઈનના ભાડા પર રોક, ડોમેસ્ટિક ફ્લાઈટ માટે સરકારે ભાડા બાંધણુ કર્યું
અમે મીડિયા ખરા પણ જરા અલગ પ્રકારના
અમે અનોખા,અલગ, અમારી પ્રજાતિ અલગ
અમારા સંસ્કારો અલગ ,અમારી સંસ્કૃતિ અલગ
અમારા કુળ અલગ અને અમારા મૂળ અલગ.
અમે છીએ મીડિયા માફિયા
બીજા નાના મોટા લુખ્ખાઓની
અમારી પાસે કાંઈ વિસાતમાં નહી
કોઈ અમારું નામ ન લઈ શકે
કોઈ ચું કે ચાં ન કરી શકે
અમારી સામે અવાજ ઉઠાવે તો
અમે સાત પેઢીને બદનામ કરી દઈએ
અમે મીડિયા છીએ,જનાબ!
એ તો અમારું શસ્ત્ર છે
અમે ગમે તે લખીએ, અમને સાચા ખોટાની ચિંતા ન હોય,
એવી િંચતા કરે મૂલ્યોમાં માનવા વાળા મીડિયા,પણ..
શરૂઆતમાં કહ્યું તેમ અમે તો અલગ, અમારા કુળ અને અમારું મૂળ અલગ.અમારી પ્રજાતિ અલગ.
અમારું એક જ કામ,
લૂંટો, લૂંટાય એટલું લૂંટો, બેફામ લૂંટો,
અમર્યાદ લૂંટો,રાત દિવસ લૂંટો.મળે ત્યાંથી લૂંટો.
અરે ! અમે તો મોચીને બુટપોલિશના પૈસા પણ ન આપીએ.જાહેર ફૂટપાથ પર ધંધો કરનારને વળી
પૈસા શું દેવાના ? ખરું ને ?
પણ.. આ લુંટવાનો અધિકાર અમારો એક નો જ.
એ ક્ષેત્રમાં અમારો અબાધિત અધિકાર. એમાં કોઈ અમારી તોલે ન આવે. એમાં અમે એક્સપર્ટ.
અમે ભલે ગમે તેવા હોઈએ, પણ અમે સમાજ સેવા તો કરીએ જ છીએ કે નહીં ?
અમે ભલે મફતમાં દારૂની બોટલો માંગી, સોરી, લૂંટીનેમહેફિલો જમાવીએ, પણ જો કોઈ નબીરો પકડાય અને સાનમાં સમજે નહીં તો અમે એના કપડાં ઉતારી લઈએ. અમને ગમે તેટલી ભલામણો આવે, અમે અડગ રહીએ, અરે ભાઈ..મોંઘવારી કેટલી છે ? સસ્તામાં ન પતે મારા વ્હાલા, અમે તો તમને પતાવી દઈએ, તમારા કુટુંબની આબરૂના લીરે લીરા ઉડાવી દઈએ.અમારે દાખલો બેસાડવો પડે, કડપ રાખવો પડે, ધાક રાખવી પડે. આને બિઝનેસ સ્ટ્રેટેજી કહેવાય.
અને..આમ જુઓ તો, દલાલમાં અને અમારામાં કાંઇ ફેર નહીં.અમારા બાપ દાદા પણ એ જ કરી કરી ને સાંઢ બન્યા.અમે એ વારસો આગળ ધપાવીએ છીએ, દીપાવીએ છીએ.બાપ કરતા બેટા સવાયા એ કહેવત અમારા માટે જ બની છે.જમીન મકાન કે અન્ય ક્ષેત્રમાં કાળી મહેનત કરીને ઈમાનદારીથી કામ કરતા દલાલો કમાઈ કમાઈને શું કમાય ?
પણ.અમારે બખ્ખાં,કારણ કે અમારી દલાલી પણ અલગ, અમે પણ જમીનોની, સંપત્તિઓની અને માલ મિલકતોની દલાલી કરીએ, ફાઈલો આગળ ધપાવીએ, અમારી વગ એવડી કે ગેરકાયદે હોય એ પણ ફટાફટ કાયદેસર થઈ જાય. અમારું એ જ તો મુખ્ય કામ છે અને એમાં અમે પારંગત.
અમે લખણના એવા પૂરા કે કોઈને કલ્પના પણ ન આવે.અમારા આચાર અલગ,અમારા વિચાર અલગ.અમારા વ્યભિચાર અલગ. અમે એમાં કોઈ બાધ ન રાખીએ. નાના મોટાનો ભેદભાવ ન રાખીએ.લોકો છાના ખૂણે ગપસપ કરે કે કામવાળી પણ સલામત નથી, પણ અમને એની પરવાહ નહી.અમને ખબર છે કે, “િંસહને કોણ કહેવાનું કે તારું મોઢું ગંધાય છે..?” પણ.. જવા દો,એ તો અમારા અંગત શોખ અને સંસ્કાર. પણ, અમે સમાજમાં એ પ્રવૃતિને ન ચાલવા દઈએ.બીજા કોઈ એવા કુકર્મો કરે તો અમે તેને ઐયાશી ગણાવીએ.લંપટ કહીએ, વાસનારાક્ષસ કહીએ, હવસખોર કહીએ.અમે કલ્પનાના રંગો ઉમેરીને એવી વાર્તાઓ લખીએ કે હાહાકાર મચી જાય.અમારું કામ જ હાહાકાર મચાવવાનું છે.
આજે અમારી બોલબાલા છે.અમારો દબદબો છે.રાજકારણીઓ, સતાધીશો ,અધિકારીઓ અમારા ગજવામાં છે.અમને કુરનીશો બજાવે છે.સમાજમાં અમારો મોભો છે, રુઆબ છે,અમારા સિક્કા પડે છે.
અમે ભલે ગુંડા, મવાલીથી પણ બદતર હોઈએ, પણ તેમ છતાં ગણાઇએ ચોખ્ખા – ચણાંક ,સજ્જન, સંસ્કારી અને સુસંકૃત!
અમે મોટામાં મોટા વ્હાઇટ કોલર ગુંડાઓ છીએ.અમને તેનું ગૌરવ છે. કારણ કે અમે જરા અલગ પ્રકારના મીડિયા છીએ.સત્યનિષ્ઠ, મૂલ્યવાન મીડિયા આજે પણ બહુમતીમાં છે. પણ અમારી સામે તેઓ હાંફી ગયા છે.અમારી જેટલી નાગાઈ અને નફ્ફટાઈ એ લોકો ક્યાંથી મેળવે ?
એ જેવા તેવાનું ગજું નથી.
એ માટે અમારા જેવું થવું પડે..!
અમે છીએ મીડિયા માફિયા અમારા આચાર
અલગ, વિચાર અલગ,વ્યભિચાર અલગ!’
આ કવિતામાં વાંચકે વ્યક્ત કરેલા પોતાના વિચારની `વોઇસ ઓફ ડે’ પૃષ્ટિ કરતું નથી.
