અરવિંદ કેજરીવાલ રાજકોટના પ્રવાસે: ત્રણ દિવસ જુદા જુદા કાર્યક્રમોમાં આપશે હાજરી, બોટાદ જેલમાં નેતાઓને મળશે
આમ આદમી પાર્ટીના વિસાવદરનાં ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા ઉપર જૂતું ફેંકવાની ઘટના બાદ આપના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રવિવારે રાજકોટ આવી રહ્યા છે. તેઓ ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યા છે અને આ ત્રણ દિવસ દરમિયાન તેઓ 150 ફૂટ રીંગ રોડ ઉપરની ફોર્ચ્યુન હોટલમાં રોકાણ કરશે અને અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે.
સુત્રોના જણાવ્યા અનુસાર, કેજરીવાલ તા. 7ને રવિવારે સાંજે રાજકોટ પહોંચશે અને ત્રણ દિવસ સુધી રોકાણ કરીને મહત્ત્વના કાર્યક્રમોમાં હાજરી આપશે.આપ દ્વારા તેમના સ્વાગત માટે તૈયારી કરવામાં આવી છે. કેજરીવાલનો આ પ્રવાસ રાજકીય દ્રષ્ટિકોણથી ઘણો મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, જેમાં તેઓ સૌરાષ્ટ્રના રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવશે.
આ સુત્રો અનુસાર, 7મીએ સાંજે રાજકોટ આવ્યા બાદ તેઓ તા. 8ના રોજ બોટાદનાં હડદડ ગામે કદડા પ્રાથના વિરોધમાં થયેલા ઘર્ષણ બાદ જેલમાં ધકેલાયેલા આપના નેતાઓને મળશે. ત્યાર બાદ રાત્રે કોટડા સાંગાણીનાં અરડોઈ ગામે આપઘાત કરનાર ખેડૂતના પરિવારજનોની મુલાકાત લેશે. તેઓ ગોપાલ ઈટાલીયા ઉપર જૂતું ફેંકવાની ઘટના અંગે રાજકોટમાં પત્રકારો સાથે પણ વાત કરશે. આ પછી તા. ૯મેં મંગળવારે સાંજે રાજકોટથી દિલ્હી જશે.
આ પણ વાંચો :સાવધાન:મેલેરિયા પાછો આવ્યો! જો દેશો તાત્કાલિક પગલાં નહીં લે તો…વિશ્વ મેલેરિયા અહેવાલ 2025માં WHOએ આપી ચેતવણી
અરવિંદ કેજરીવાલની આ મુલાકાતને રાજકીય પંડિતો અલગ રીતે જોઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક પર આપની જીત બાદ સૌરાષ્ટ્ર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ખેડૂતો મુદ્દે સરકારને ઘેરી મોટા વર્ગને પડખે કરવાની પૂરેપૂરી તૈયારીઓ કરી લીધી છે.
