ધર્માદા સંસ્થાની જમીનની વહેંચણી ન થઇ શકે : આસિ.કલેકટર મહક જૈનનો મહત્વનો ચુકાદો, જમીન ભેટમાં આપ્યાની નોંધ રદ્દ
ધાર્મિક સંસ્થા અને મંદિરોના નિભાવ માટે આપવામાં આવેલ જમીનમાં પુજારીને વ્યક્તિગત રીતે ખેડૂત ખાતેદારનો દરજ્જો મળતો ન હોવાનું તેમજ આવી ધર્માદા સંસ્થાની જમીન વેચાણ નહીં કરી શકવાની સાથે જમીનની વહેંચણી પણ ન થઇ શકે તેવો મહત્વપૂર્ણ ચુકાદો રાજકોટ સીટી પ્રાંત-2 આસિસ્ટન્ટ કલેકટર દ્વારા આપવામાં આવ્યો છે.કોટડા સાંગાણી તાલુકાના અનિડા વાછરા ગામે વાછરાદાદાના મંદિરની જગ્યાની જમીન પૈકીની 4 એકર જમીનના બક્ષિસ દસ્તાવેજની નોંધ રદ્દ કરવામાં આવ્યા બાદ અપીલ કેસમાં આસિસ્ટન્ટ કલેકટર મહક જૈને આ મહત્વનો ચુકાદો આપી પ્રમોલગેશનથી લઈ અત્યાર સુધીમાં થયેલ તમામ વ્યવહારોની ચકાસણી કરી આવી નોંધ ધ્યાને આવે તો રીવીઝનમાં લેવા હુકમ કર્યો હતો.
આ કેસની વિગત જોઈએ તો કોટડા સાંગાણી તાલુકાના અનિડા વાછરા ગામના રેવન્યુ સર્વે નંબર 545 પૈકીની 3.57.12 હેકટર જમીન પૈકી 1.01.57 હેકટર જમીન એટલે કે, ચાર એકર જમીન માધવસિંહ બનેસિંહ ડાભી દ્વારા તેમના ભત્રીજા વનરાજસિંહ અભેસંગ ડાભીને બક્ષિસ દસ્તાવેજથી લખી આપવામાં આવતા તા.16-06-25થી નોંધ દાખલ થયા બાદ મૂળ પ્રમોલગેશનથી તપાસ બાદ આ જમીન વાછરાદાદાના નામે આવેલ હોવાથી મામલતદાર કોટડા સાંગાણી દ્વારા તા.19-07-2025ના રોજ આ નોંધ ના મંજુર કરી હતી. જે બાદ અરજદાર વનરાજસિંહ અભેસંગ ડાભી દ્વારા રાજકોટ સીટી પ્રાંત-2 સમક્ષ અપીલ દાખલ કરી આ જમીન વર્ષોથી તેમના વડીલોના નામે આવેલ હોવાનું અને વેચાણ વ્યવહાર નહીં પરંતુ ભેટ બક્ષિસરૂપે મળેલી હોવાની દલીલો કરી હતી.
આ પણ વાંચો :અદ્ભૂત એર શો સાથે આકાશમાં 8000 ફૂટ ઉંચાઇએથી જમ્પ લગાવશે જાંબાજ જવાનો: રાજકોટમાં અટલ સરોવર ખાતે યોજાયું ફૂલ ડ્રેસ રિહર્સલ
નોંધનીય છે કે, કોટડા સાંગાણી મામલતદાર દ્વારા રાજ્યના મહેસુલ વિભાગના વર્ષ 2010ના પરિપત્ર મુજબ આવી ધાર્મિક પ્રકારની જમીનના કબ્જેદાર ધાર્મિક સંસ્થાઓને કે સખાવતિ સંસ્થાઓને ગણવાના થતા હોય પુજારી દ્વારા થતા વેંચાણવ્યવહારો નિયમ મુજબના ન હોય જેથી નોધ નામંજુર કરેલ હોવાનું ઠેરવ્યું હોય બક્ષિસ દસ્તાવેજ કરાવનાર અરજદાર વનરાજસિંહ અભેસંગ ડાભી દ્વારા તેમના દાદાએ 1989માં ઘરમેળે વહેંચણી કરી હોય 36 વર્ષ દરમિયાન ક્યારેય પણ નોંધ રીવીઝનમાં લેવામાં આવી ન હોવાની સાથે વર્ષોથી તેઓના વડીલો અહીં ખેતી કરતા હોય 70 વર્ષ પહેલાની પ્રમોલગેશનથી કરવામાં આવેલ કાર્યવાહી કાર્યવાહી યોગ્ય ન હોવાની દલીલો કરી હતી.
જો કે, આસિસ્ટન્ટ કલેકટર રાજકોટ સીટી પ્રાંત-2 દ્વારા આ કેસમાં મંદિર અને સખાવતી સંસ્થાની જમીનમાં પુજારીને વ્યક્તિગત ખેડૂતનો દરજ્જો મળતો ન હોવાનું નોંધી ધર્માદા સંસ્થાની જમીનની વહેંચણી થઇ શકતી નહોવા છતાં પણ અનિડા વાછરા ગામના આ કેસમાં મંદિરને ફાળવવા આવેલ જમીનમાં પૂજારી દ્વારા વ્યક્તિગત હેસિયતથી નામો દાખલ કરવામાં આવ્યા હોવાનું નોંધી અરજદાર વનરાજસિંહ અભેસંગ ડાભીની અપીલ અરજી ફગાવી દઈ આ કેસમાં અત્યાર સુધીમાં થયેલી તમામ નોંધ રીવીઝનમાં લેવા હુકમ કર્યો હતો.
