પડધરી પાસે ફેકટરીમાં એક મિનિટમાં જ 27.55 લાખની ચોરી! ફેકટરીની ઓફિસમાંથી બુકાનીધારી બેલડી ત્રાટકી, જુઓ સીસીટીવી
પડધરી નજીક મોવીયા ગામ સર્વેમાં આવેલી એર કોન ઇન્ડિયા નામની ફેકટરીમાં માત્ર એક મિનિટમાં જ 27 લાખની રોકડ સહિતની માલમત્તાની ચોરી થયાની ફરિયાદ પડધરી પોલીસ મથકે નોંધાઇ છે. આરોપી બેલડી તેમજ અન્ય ત્રણ ઇસમ કેમેરામાં કેદ થયેલ દેખાતા પોલીસે શોધખોળ આદરી છે. બુકાની બાંધેલી ચડ્ડીધારી ટોળકી ફેકટરીમાં એક કલાકથી વધુ રોકાઇ અને ઓફિસ સહિતના સ્થળે તોડફોડ કરી હતી. અન્ય ફેકટરીમાં પણ ધસી ગયા હતાં. જ્યાં સામે પથ્થરમારો થતા નાસી છુટ્યા હતાં.
રાજકોટના અમીન માર્ગપર ગુલાબવાટીકા સોસાયટીમાં રહેતા હર્ષિતભાઇ પ્રહલાદભાઇ કાવર નામના ફેકટરી ધારકે પડધરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદની વિગતો મુજબ 15 વિઘાથી વધુના વિસ્તારમાં ફેકટરી આવેલી છે. ગત રાત્રે 1.52 કલાકે પાંચ શખસો ફેકટરીમાં ઘૂસ્યા હતા. એકાઉન્ટન્ટની ઓફિસમાં ચડ્ડી પહેરેલા મોંઢુ ઢાંકેલા અને માથે કેપ વાળા બે ઇસમોએ ટેબલનું કાઉન્ટર તોડ્યું હતું. અંદરથી 27.10 લાખની રોકડ ઉઠાવી લીધી હતી.
આ પણ વાંચો :ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકનાર બોલ્યો, ‘મેં પ્રદીપસિંહનો બદલો લીધો : જામનગરમાં ‘આપ’ના MLA જુતું ફેંકાતાં ભારે હંગામો
આ ઉપરાંત ફેકટરીમાં અન્ય ઓફિસમાં પણ તોડફોડ કરી હતી. લેપટોપ મળી કુલ 27.55 લાખની માલમત્તા ઉસેડી ગયા હતાં. હર્ષિતભાઇના જણાવ્યા મુજબ નજીકમાં જ આવેલી અન્ય એનફેમ નામની ફેકટરીમાં પણ તસ્કરો ઘૂસ્યા હતાં. જ્યાં રહેલા શ્રમિકો, સિક્યુરીટી ગાર્ડને જાણ થઇ જતાં પડકાર્યા હતાં. સામસામી પથ્થરબાજી થઇ હતી અને તસ્કરો નાસી છૂટ્યા હતાં.
પડધરી પંથકમાં ધાડની ચોરીની ઘટનાઓ સમયાંતરે બનતી રહેતી હોવાથી અને શિયાળાની ઋતુ શરૂ થતાં હવે તસ્કરોની રંજાડ વધશે જેથી પોલીસ પેટ્રોલીંગ સઘન કરવા માંગ ઉઠી છે.
