સતત ત્રીજા દિવસે ઈન્ડિગોની 100 કરતાં વધુ ફ્લાઇટ્સ રદ : ક્રૂની અછતને કારણે વિમાનોના પૈડા થંભી ગયા,મુસાફરો પરેશાન
ગુરુવારે સતત ત્રીજા દિવસે દેશની સૌથી મોટી એરલાઇન indigoની 100 કરતાં વધારે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ રદ થતાં ભારે દેકારો મચી ગયો છે. ક્રૂ અને ખાસ કરીને પાયલટની અછતને કારણે ઈન્ડિગો ઘેરા સંકટમાં મુકાઈ ગઈ છે.
બુધવારે 200 ફ્લાઇટ્સ રદ થયા પછી ગુરુવારે પણ દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને હૈદરાબાદ સહિત અનેક નાના મોટા શહેરોમાં indigo ની કામગીરી ખોવાઈ ગઈ હતી. જેને કારણે હજારો મુસાફરો અટવાઈ ગયા હતા અને હવાઈ મથકો પર અરાજકતાના દ્રશ્ય સર્જાયા હતા.
ગુરુવારે વહેલી સવારે દિલ્હીથી ઉપડનારી 30 થી વધુ ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. હૈદરાબાદમાં પણ લગભગ 33 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. મુંબઈ એરપોર્ટ પર પણ ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવતા હજારો મુસાફરો પરેશાની માં મુકાઈ ગયા હતા. દિવસ દરમિયાન 170 થી વધુ ફ્લાઈટ રદ કરવી પડે તેવી સ્થિતિ નિર્માણ પામી હતી.
દરરોજ લગભગ 2,200 ફ્લાઇટ્સનું સંચાલન કરતી ઇન્ડિગોએ સ્વીકાર્યું કે તેની કામગીરી નોંધપાત્ર રીતે ખોરવાઈ ગઈ હતી.કંપનીએ તેના ગ્રાહકોની નિષ્ઠાપૂર્વક માફી માંગી, આ સમસ્યાલ કરવા માટે ત્વરિત યોગ્ય પગલાં લેવાની ખાતરી આપવા સાથે જ મુસાફરોને સહકાર આપવા વિનંતી કરી હતી.
આ પણ વાંચો :કચ્છના બન્ની વિસ્તારમાં ફરી સંભળાશે ચિત્તાની દહાડ! આફ્રિકાથી આવશે ચિત્તા,કન્ઝર્વેશન બ્રીડિંગ સેન્ટર તૈયાર
નવેમ્બર મહિનામાં 1232 ફ્લાઇટ રદ
સ્થિતિ ગંભીર બનતા ઉડ્ડયન નિરીક્ષક, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ ગુરુવારે એરલાઇન અધિકારીઓને બેઠક માટે બોલાવ્યા હતા.ઇન્ડિગો દ્વારા આપવામાં આવેલી તાજેતરની કામગીરીની માહિતીનો ઉલ્લેખ કરતા , DGCA એ જણાવ્યું હતું કે નવેમ્બરમાં કુલ 1,232 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જેમાં ક્રૂ અને FDTL (ફ્લાઇટ ડ્યુટી સમય મર્યાદા) મર્યાદાઓને કારણે 755 ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. DGCA એ જણાવ્યું હતું કે “એરપોર્ટ/એરસ્પેસ પ્રતિબંધો” ને કારણે 258 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, 92 ફ્લાઇટ્સ ATC (એર ટ્રાફિક કંટ્રોલ) સિસ્ટમ નિષ્ફળતાને કારણે અને 127 ફ્લાઇટ્સ અન્ય કારણોસર રદ કરવામાં આવી હતી.
નવા FDTL ધોરણોને કારણે સંકટ ઘેરુ બન્યું
નવેમ્બરમાં સુધારેલા ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન (FDTL) ધોરણો રજૂ થયા પછી ઈન્ડિગોની હાલત કફોડી બની ગઈ છે નવા FDTL ધોરણોમાં સાપ્તાહિક આરામનો સમયગાળો વધારીને 48 કલાક કરવાનો, રાત્રિના કલાકો વધારવાનો અને રાત્રિ ઉતરાણની સંખ્યા ફક્ત બે સુધી મર્યાદિત કરવાનો સમાવેશ થાય છે, જે પહેલા છ હતી.
શરૂઆતમાં ઇન્ડિગો સહિત સ્થાનિક એરલાઇન્સ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ દિલ્હી હાઇકોર્ટના નિર્દેશો બાદ DGCA દ્વારા તેને રદ કરવામાં આવી હતી. આ ધોરણોનો અમલ કરવાને કારણે ક્રૂ અને પાયલટની અછત સર્જાઇ છે.
