કિંગ કોહલી 15 વર્ષ બાદ વિજય હઝારે ટ્રોફીમાં રમશે: 24 ડિસેમ્બરથી થશે શરૂ ટૂર્નામેન્ટ, વિરાટ દિલ્હીની ટીમ વતી રમશે
ટેસ્ટ અને ટી-20 ફોર્મેટમાંથી સંન્યાસ લઈ ચૂકેલા ભારતીય બેટર વિરાટ કોહલીએ એક મોટો નિર્ણય લીધો છે. તે 15 વર્ષ બાદ એક મોટી ઘરેલું ટૂર્નામેન્ટ રમવા માટે સજ્જ છે. આફ્રિકા વિરુદ્ધ વન-ડે શ્રેણીની વચ્ચે જ કોહલીએ દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (ડીડીસીએ)ના પ્રમુખ રોહન જેટલીને જાણકારી આપી કે તે લિસ્ટ `એ’ ઘરેલું ક્રિકેટમાં વાપસી કરવા માટે તૈયાર છે. વિરાટ કોહલી દિલ્હીની ટીમ વતી આ ટૂર્નામેન્ટ રમશે.
આ ટૂર્નામેન્ટ 24 સપ્ટેમ્બરથી શરૂ થશે. કોહલીએ છેલ્લે ફેબ્રુઆરી-2010માં સર્વિસીઝ વિરુદ્ધ વિજય હઝારે ટ્રોફી રમી હતી. આ રીતે 15 વર્ષ બાદ તે હઝારે ટ્રોફીમાં વાપસી કરી રહ્યો છે. કોહલી અત્યારે માત્ર વન-ડે ફોર્મેટ રમી રહ્યો છે. તેણે પોતાનું ફોર્મ અને ફિટનેસ જાળવી રાખવા તેમજ 2027ના વર્લ્ડકપની તૈયારીના ભાગરૂપે આ ટૂર્નામેન્ટ રમવાનો નિર્ણય લીધો છે. બીસીસીઆઈ પણ ઈચ્છે છે કે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ઘરેલું ક્રિકેટમાં રમે. કોહલી વિજય હઝારે ટ્રોફીમાં મુંબઈ વિરુદ્ધ રમવા ઉતરે તેવી શક્યતા છે.
બીજી વન-ડેમાં ક્રિકેટના કિંગ કોહલીની ‘વિરાટ’સદી
રાંચી પછી, રાયપુરમાં વિરાટ કોહલીનું પ્રભાવશાળી ફોર્મ ચાલુ રહ્યું. રાયપુર વનડેમાં, કિંગ કોહલીએ શાનદાર અને વિસ્ફોટક રીતે બેટિંગ શરૂ કરી હતી અને સાઉથ આફ્રિકા સામે સળંગ બીજી વન-ડેમાં વિરાટ કોહલીએ સદી ફટકારી હતી. ઋતુરાજ ગાયકવાડ 105 રન બનાવી આઉટ થયો હતો તેમજ કોહલી 102 રન બનાવીને આઉટ થયો હતો. કોહલીની સદીએ ફેન્સના દિલ જીતી લીધા હતા તેમજ 2027ના વર્લ્ડકપમાં પણ રમતો જોવા મળશે તેવી આશાને જીવંત કરી દીધી હતી.
આ પણ વાંચો :સાઉથ આફ્રિકા સામે સળંગ બીજી વન-ડેમાં ક્રિકેટના કિંગ કોહલીની ‘વિરાટ’સદી : વન-ડેની 53મી અને ઈન્ટરનેશનલની 84મી સેન્ચુરી ફટકારી
84મી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી
કોહલીની આ 53મી ODI સદી છે અને એકંદરે તેની 84મી સદી છે. કોહલી પહેલાથી જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ ધરાવે છે, અને હવે તેણે પોતાનો રેકોર્ડ વધુ મજબૂત બનાવ્યો છે. કોહલીએ ODI સદીમાં બધાને પાછળ છોડી દીધા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે, જેમની પાસે 100 સદી છે. કોહલી બીજી મેચમાં 93 બોલમાં 102 રન બનાવીને આઉટ થયો હતો, જેમાં સાત ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે.
