પેંડાગેંગને હથિયાર સપ્લાય કરનાર પાસેથી એક પણ હથિયાર ન મળ્યું! જ્યાં સૌથી વધુ ‘શાર્પશૂટર્સ’ રહે તે MPના ભીંડમાં રાજકોટ પોલીસનું ‘સ્પેશ્યલ ઓપરેશન’
રાજકોટમાં બે ગેંગ વચ્ચે ફાયરિંગ થયા બાદ બન્ને ગેંગના ટપોરીઓને એક બાદ એક પકડીને ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે પોલીસે અહીંથી જ સંતોષ માની લેવાની જગ્યાએ મુળ સુધી પહોંચી બન્ને ગેંગને હથિયાર સપ્લાય કરનારા સપ્લાયરોને દબોચવાનું પણ શરૂ કર્યું છે. આવો જ એક સપ્લાયર કે જે શાર્પશૂટર્સથી ભરપૂર એવા મધ્યપ્રદેશના ભીંડ નામના ગામમાં છુપાયેલો હતો ત્યાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG)એ દરોડો પાડી પકડી પાડ્યો હતો.
એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજા સહિતની ટીમે મધ્યપ્રદેશના ભીંડમાં છુપાયેલા રાજેશસિંગ ઉર્ફે રાજુ ગંગાસિંગ રાજાવત (ઉ.વ.32)ની ધરપકડ કરી હતી. રાજેશસિંગ હથિયાર સપ્લાય કરવાની સાથે સાથે ખેતીકામ પણ કરતો હોવાનું સામે આવ્યું હતું. તેણે 2018થી 2025 સુધીમાં હથિયાર સપ્લાય કરવાના 12 ગુના આચર્યા હતા. તેણે રાજકોટ ઉપરાંત ગીર-સોમનાથ અને જૂનાગઢમાં પણ હથિયાર સપ્લાય કર્યાનું તપાસ દરમિયાન બહાર આવ્યું હતું. આ પૈકી ઉનામાં એક વખત તેની ધરપકડ થઈ હતી.
દરમિયાન પેંડા ગેંગનો હર્ષદીપસિંહ ઉર્ફે મેટિયો સાત્યકિસિંહ ઝાલા (ઉ.વ.22) અને જયવીક ઉર્ફે મોન્ટુ દિલીપભાઈ રોજાસરા (ઉ.વ.30)નો ભેટો રાજુ સાથે થઈ ગયો હતો. હથિયાર સપ્લાય કરવાના ગુનામાં રાજુ જ્યારે રાજકોટની જેલમાં સજા કાપી રહ્યો હતો તે સમયે તેની મુલાકાત જેલમાં જ મોન્ટુ રોજાસરા સાથે થઈ હતી. જેલમાં જ મિત્રતા કર્યા બાદ હર્ષદીપસિંહ ઉર્ફે મેટિયો અને મોન્ટુએ રાજુ પાસેથી હથિયાર લેવાનું નક્કી કર્યા બાદ ઓગસ્ટમાં બન્ને મધ્યપ્રદેશ જઈને હથિયાર ખરીદી લાવ્યા હતા. આ જ હથિયારથી 29 ઓક્ટોબરે સવારે 3ઃ30 વાગ્યે પેંડા ગેંગે મુરઘા ગેંગ ઉપર ફાયરિંગ કર્યું હતું. તપાસમાં ખુલ્યા પ્રમાણે પકડાયેલા રાજેશસિંગ ઉર્ફે રાજુ સામે મધ્યપ્રદેશમાં પણ મારામારી સહિતના ત્રણેક ગુના નોંધાયેલા છે.
આ પણ વાંચો :અહો આશ્ચર્યમ: રાજકોટ સિટી પોલીસ હેડકવાર્ટર કેન્ટીનનો સંચાલક જ બૂટલેગર નીકળ્યો! હેડકવાર્ટરના અધિકારીઓ જ અજાણ?
આશ્ચર્યમ્ઃ સપ્લાયર પાસેથી એક પણ હથિયાર ન મળ્યું
SOGએ મધ્યપ્રદેશના ભીંડમાં દરોડો પાડી પેંડાગેંગને હથિયાર સપ્લાય કરનાર સપ્લાયરને પકડી પાડ્યો હતો. પકડાયેલા રાજેશસિંગ ઉર્ફે રાજુ સામે રાજકોટ ઉપરાંત ગીર-સોમનાથ, જૂનાગઢ સહિતના જિલ્લામાં હથિયાર સપ્લાય કરવાના 12 ગુના નોંધાયેલા છે ત્યારે તે મોટો સોદાગર હોવાનું સ્પષ્ટ થયું છે આમ છતાં તેની પાસેથી એક પણ હથિયાર ન મળ્યું હોવાનું જાણવા મળ્યું હતું. વળી, તે હથિયાર ક્યાંથી અને કેવી રીતે, કોના પાસેથી લાવતો હતો તે મુદ્દે પણ સચોટ જવાબ ન આપતો હોવાનું સામે આવ્યું હતું.
આ પણ વાંચો :રાજકોટ TRP કાંડમાં 28 જિંદગીઓ જીવતી ભૂંજાઈ અને તમામ આરોપીઓ દોઢ વર્ષમાં પીંજરામાંથી થયા આઝાદ !
મુરઘા ગેંગનો નાનો લીડર સમીર ઉર્ફે મુરઘો સહિત પાંચ શખસો સાત દિ’ના રિમાન્ડ પર
પેંડા ગેંગ બાદ ક્રાઈમ બ્રાન્ચે મુરઘા ગેંગ સામે પણ ગુજસીટોકના હથિયારનો ઉપયોગ કર્યો છે ત્યારે 12 આરોપીને 10 દિવસના રિમાન્ડ પર લેવાયા બાદ ગેંગનો નાનો લીડર સમીર ઉર્ફે મુરઘો યાસીનભાઈ પઠાણ, શાહનવાઝ ઉર્ફે નવાઝ મુસ્તાકભાઈ વેતરણ, સોહિલ ઉર્ફે ભાણો સિકંદરભાઈ ચાનીયા, સલમાન નનકેભાઈ ફકીર અને ઈમ્તિયાઝ ઉર્ફે ઈમ્તુડો અલ્તાફભાઈ પરમારનો કબજો લઈ રિમાન્ડ અર્થે રજૂ કરવામાં આવતાં તેમના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.
