અહો આશ્ચર્યમ: રાજકોટ સિટી પોલીસ હેડકવાર્ટર કેન્ટીનનો સંચાલક જ બૂટલેગર નીકળ્યો! હેડકવાર્ટરના અધિકારીઓ જ અજાણ?
રાજ્યમાં એક તરફ દારૂ-ડ્રગ્સનું અને પોલીસ પર આક્ષેપ-પ્રતિઆક્ષેપનું રાજકીય તોફાન ચાલી રહ્યું છે એવા સમયે જ રાજકોટ શહેર પોલીસ હેડવાર્ટરમાં આવેલી કેન્ટીનનો સંચાલક ભૌમિક યોગેશભાઈ પારેખ (ઉ.વ.37) (રહે. શિલ્પન બંગલો નં.8, ક્રિષ્ટલમોલ પાછળ, ઘનશ્યામનગર મેઈન રોડ, કાલાવાડ રોડ) નામનો શખસ વિદેશી દારૂના જથ્થા સાથે પકડાતા શહેર પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે. પોલીસે હેડકવાર્ટરમાં પોલીસ અધિકારીથી લઇ કર્મચારીઓ અને મુલાકાતીઓ માટે ચા-પાણી-નાસ્તા પીરસનાર કેન્ટીન સંચાલક જ દારૂનો ધંધાર્થી નિકળતા એવા સવાલો ઉદ્ભવ્યા છે કે, શું કોઈને ખ્યાલ નહીં હોય કે, કેન્ટીનની આડમાં આરોપી દારૂનો ધંધો કરતો હશે?
રાજકોટ શહેર એલસીબી ઝોન-રની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ખાનગી રાહે એવી બાતમી મળી હતી કે, શિલ્પન બંગલોના દરવાજા પાસે જીજે-03-જેસી-8990 નંબરની એકસન્ટ કારમાં વિદેશી દારૂનો જથ્થો પડયો છે. પીએસઆઈ આર.એચ.ઝાલા, એ.એસ. આઈ. જે.વી.ગોહિલ સહિતની ટીમે સ્થળ ઉપર GJ0308990 પહોંચીને કારની તલાસી લેતા અંદરથી 78 હજારની કિંમતની વિદેશી દારૂની 60 બોટલ મળી આવી હતી. આરોપીની પોલીસે કરેલી પુછતાછમાં આ દારૂનો જથ્થો જૂનાગઢનો કલ્પેશ ઉર્ફે લાલો આહિર નામનો શખસ આપી ગયો હતો. પોલીસે સપ્લાયર લાલા સામે પણ ગુનો નોંધ્યો છે.

દારૂ સાથે ઝડપાયેલો ભૌમિક રાજકોટ શહેર પોલીસ હેડવાર્ટરમાં જ કેન્ટીનનું સંચાલન કરે છે. આશ્ચર્યની વાત તો એ છે કે, પોલીસ હેડકવાર્ટરમાં વ્યવસાયના કારણે આવતો-જતો રહેતો કે પોલીસ સાથે સંપર્ક ધરાવતો ભૌમિક વિદેશી દારૂનો ધંધો કરે છે તે હેડકવાર્ટરના કોઈ અધિકારીઓથી લઈ કર્મચારીઓને પણ ગંઘ નહીં આવી હોય? કે પછી આરોપીને એવો વહેમ હશે કે, આપણી પાસે પોલીસ હેડવાર્ટરની કેન્ટીનનું જ સંચાલન છે તો આપણને કોણ પકડી શકે? અથવા રોજીંદા પોલીસના સંપર્કમાં રહેતો હોવાથી પોલીસનો કોઈ ખોફ જ નહીં હોય? જો આવું હોય તો, પોલીસ માટે પણ શરમજનક કહી શકાય. પોલીસ હેડકવાર્ટરમાં રહેતા ક્રાઈમ બ્રાચ, એસ.ઓજીના અધિકારીઓ, કર્મચારીઓને પણ ભૌમીકના કારનામાનો ખ્યાલ, માહિતી નહીં હોય ?
આ પણ વાંચો :રાજકોટ TRP કાંડમાં 28 જિંદગીઓ જીવતી ભૂંજાઈ અને તમામ આરોપીઓ દોઢ વર્ષમાં પીંજરામાંથી થયા આઝાદ !
દિવાળીએ હેડકવાર્ટરમાં જ લાખોના ફટાકડા વેચ્યા, એક અધિકારીના છુપા આશિર્વાદ? બેઠી ભાગીદારી?
પોલીસ હેડકવાર્ટરમાં કેન્ટીન ચલાવનાર બુટલેગર ભૌમિક પારેખ 3 માસ પૂર્વે તાલુકા પોલીસ મથકમાં વિદેશી દારૂના કેસમાં પકડાઇ ચુક્યો હતો આમ છતાં પોલીસ હેડકવાર્ટરના અધિકારીઓ અજાણ હોય કે અંધારામાં રહ્યા હોય તેમ દિવાળી પર્વ પર આ શખસ દ્વારા પોલીસ હેડકવાર્ટરના કોમ્યુનિટી હોલમાં રાહત દરના નામે મોટી માત્રમાં લાખો રૂપીયાના ફટાકડાનું વેચાણ થયું હોવાની પોલીસ બેડામાં વાત છે. દારૂમાં પકડાઇ ગયા છતાં આ શખસને હેડકવાર્ટરમાં કઇ રીતે છુટ મળતી હશે? એક એવી વાત અને ચર્ચા છે કે, પોલીસ હેડકવાર્ટરમાં જ અગાઉ મહિલા પોલીસ કર્મચારીઓને રજા સંબંધે કે આવી કોઇપણ બાબતે ચર્ચામાં રહેલા પોલીસ હેડકવાર્ટરના એક અધિકારીના જ આ શખસને છુપા આશિર્વાદ અથવા બેઠી ભાગીદારી હશે? જો પોલીસ અધિકારીની બુટલેગર સાથે કોઇપણ પ્રકારે સાંઠગાંઠ કે આશિર્વાદ હોય તો ખરેખર શર્મનાક કહેવાય.
રાજકોટમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓના આગમન સમયે જ દારૂની ઘટના ચર્ચાસ્પદ બની
રાજકોટ શહેર પોલીસની યજમાની હેઠળ રાષ્ટ્રીય કક્ષાની પોલીસ હોકી ટુર્નામેન્ટનો પ્રારંભ તા.4 ને ગુરૂવારના રોજથી થવાનો છે અને ડીજીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ મહેમાન બનશે. આવા સમયે જ શહેર પોલીસ હેડકવાર્ટરમાં કેન્ટીન ચલાવતો શખસ વિદેશી દારૂના જથ્થા સાથે પકડાયો છે. રાજકોટમાં જ ત્રણ માસ પૂર્વે પણ આ શખસ દારૂના ગુનામાં સપડાઈ ચુક્યો હતો. એવું પણ જાણવા મળે છે કે, રાજસ્થાનમાં પણ કોઇક આવી ઘટનામાં આરોપી સામે ગુનો નોંધાયો હતો અને ત્યાં પણ થોડો સમય જેલવાસ કાપી ચુક્યો છે. આમ છતાં રાજકોટ શહેરમાં પોલીસ હેડકવાર્ટરમાં કોઈ અધિકારી કે જવાબદારો આટલા બધા અજાણ, અંધારામાં કે વિશ્વાસમાં કેમ રહી ગયા હશે? કે આરોપીએ બધુ છુપાવ્યું જ હશે?
