યાત્રીગણ કૃપીયા ધ્યાન દે…તત્કાલ ટિકિટ પર પણ OTP ફરજિયાત, ટિકિટ કાઉન્ટર પર નવી સિસ્ટમ લાગુ કરવા નિર્ણય
સામાન્ય મુસાફરોને સરળતાથી ટિકિટ મળે અને એજન્ટો ઉપર લગામ આવે તેવા હેતુથી તત્કાલ બુકીંગમાં નવી સીસ્ટમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અનુસાર, હવે રિઝર્વેશન કાઉન્ટર પર તત્કાલ ટિકિટ બુકિંગ દરમિયાન મુસાફરના મોબાઈલ નંબર પર વન ટાઇમ પાસવર્ડ (OTP) આવશે, જે વેરિફિકેશન બાદ જ ટિકિટનું બુકિંગ કન્ફર્મ થશે. આ સીસ્ટમ કેટલાક રેલવે સ્ટેશન ઉપર લાગુ થઇ ગઈ છે અને આગામી થોડા દિવસોમાં દેશભરમાં ચાલતી તમામ ટ્રેનોમાં આ નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવશે.
હાલમાં, આ સીસ્ટમ 52 ટ્રેનો માટે અમલી બની ગઈ છે. આ સિસ્ટમ હેઠળ, જ્યારે મુસાફર રિઝર્વેશન ફોર્મ ભરીને તત્કાલ ટિકિટ બુક કરાવે છે, ત્યારે તેમના દ્વારા આપવામાં આવેલા મોબાઈલ નંબર પર એક OTP મોકલવામાં આવે છે. મુસાફરની ટિકિટ ત્યારે જ કન્ફર્મ થઈ શકે છે જ્યારે આ OTPનું સફળતાપૂર્વક વેરિફિકેશન થશે.
આ પણ વાંચો :પુતિન આજે ભારતમાં : 30 કલાક અને 130 લોકોની ટીમ, પુતિનની સુરક્ષા માટે દિલ્હી કિલ્લામાં ફેરવાયુ, રશિયન રાષ્ટ્રપતિનું ભોજન પણ રશિયાથી જ આવશે
રેલવેએ મુસાફરોની સુવિધા વધારવા માટે OTP આધારિત તત્કાલ રિઝર્વેશન સિસ્ટમનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ નવીનતા તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવી રહી છે. સૌપ્રથમ, જુલાઈ 2025માં ઓનલાઈન તત્કાલ ટિકિટો માટે આધાર આધારિત પ્રમાણીકરણ શરૂ કરાયું હતું. ત્યારબાદ, ઓક્ટોબર 2025માં તમામ જનરલ રિઝર્વેશનની ફર્સ્ટ-ડે બુકિંગ માટે OTP આધારિત ઓનલાઈન સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી. આ બંને સિસ્ટમ મુસાફરો દ્વારા સફળતાપૂર્વક અપનાવવામાં આવી છે, જેનાથી રિઝર્વેશન પ્રક્રિયામાં પારદર્શિતા અને સગવડ વધી છે.
રેલવેનું માનવું છે કે આ પગલું ટિકિટિંગ પ્રક્રિયામાં પારદર્શિતા, મુસાફર સુવિધા અને સુરક્ષાને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પ્રયાસ છે.
