એક સમયે પોલિયોથી શરમ આવતી આજે દિવ્યાંગ ડોકટર બની લોકોને દર્દમુક્ત કરે છે પરેશ ઢોલરીયા : દિવ્યાંગ દિવસ નિમિત્તે વાંચો રિયલ હીરોની દાસ્તાન
“હિમ્મત હારનારને રસ્તા પણ અટકાવે છે,અને હિમ્મત રાખનાર માટે પથ્થરો પણ પુલ બની જાય છે…” જન્મથી બન્ને પગે પોલિયો હોવા છતાં, જીવનની તમામ અડચણો ને પગથિયાંમાં ફેરવી સફળતા સર કરનાર એક અસાધારણ વ્યક્તિત્વનું નામ એટલે ડૉ. પરેશ ઢોલરીયા. મધ્યમ વર્ગના સાધારણ પરિવાર માં જન્મેલા અને દિવ્યાંગતા જેવી કઠોર પરિસ્થિતિ સામે અડગ રહીને, માત્ર પોતાની નહિ પરંતુ સમાજની સેવામાં જીવન સમર્પિત કરનાર ડો.પરેશ ઢોલરીયાનો જન્મ વાંકાનેરનાં જાલીડા ગામે સામાન્ય પરિવારમાં થયો હતો.

છ મહિનાની ઉંમરે જ બંને પગને પોલિયોએ અટકાવી દીધા. આર્થિક રીતે સામાન્ય પરિવારમાં જાણે આફતોના વાદળો ઘેરાયાં,પિતા ગોકળભાઈ શાકમાર્કેટમાં છૂટક મજૂરી કરતા હતા અને માતા જયાબેન પાંચ ધોરણ સુધી અભ્યાસ કરેલા. તેમ છતાં, માતા–પિતાએ પરેશભાઈના સારવાર માટે રાજકોટ સહિત અનેક સ્થળોએ દોડધામ કરી, દવાખાના–ડોકટરોને મળી શકય તેટલી સારવાર કરાવવાનો પ્રયત્ન કર્યો. અંતે ઈશ્વરની ઈચ્છા સમજી પ્રેમ અને સંભાળ સાથે પરેશભાઈને આગળ વધારવાનો પ્રયાસ કર્યો.
બાળપણમાં મુશ્કેલીઓ, પણ અભ્યાસમાં તેજસ્વી યાત્રા

પરેશભાઈને તેમના પિતાએ પ્રાથમિક શિક્ષણ ધીરે ધીરે શરૂ કરાવ્યું. પિતા દરરોજ તેમને સાયકલ પર શાળાએ મુકવા–લેવા જતા અને વર્ગખંડ સુધી ઉચકી પહોંચાડતા. શરૂઆતમાં પોતાની વિકલાંગતા અંગે શરમ લાગતી, પરંતુ પરિવાર, પાડોશી, મિત્રો અને શિક્ષકોના પ્રોત્સાહનથી તેઓ આત્મવિશ્વાસી બનતા ગયા.ધોરણ 1 થી 9 સુધી તેઓ હંમેશા પ્રથમ નંબરે પાસ થતા રહ્યા. S.S.C. બોર્ડ પરીક્ષામાં 89.14 ટકા લઇ સમગ્ર બેડીપરા સેન્ટરમાં પાંચમાં સ્થાને રહ્યા. બાદમાં કરણસિંહજી સરકારી શાળામાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લીધો અને H.S.C. 2003માં જ્યાં કુલ પરિણામ માત્ર 42% હતું, ત્યાં પરેશભાઈએ વિજ્ઞાન વિષયો માં 80% થી વધુ માર્ક સાથે ઉત્તીર્ણ થયા.આર્થિક પરિસ્થિતિને સમજી પી.ટી.સી.માં પ્રવેશ લેવાનો વિચાર હતો, પરંતુ પરિવારના શિક્ષિત લોકોએ તેમની આગળ ભણવાની જવાબદારી સ્વીકારી અને કહ્યું…તું મહેનત કરી ડોક્ટર બન, ખર્ચ અમે સંભાળીએ છીએ.”
આ પણ વાંચો :હવે 60 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા લોકોને પણ મળશે સંત સુરદાસ યોજનાનો લાભ : દિવ્યાંગોના કલ્યાણ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

ડોકટર બનાવવામાં પરિવાર અને સમાજ તાકાત બન્યો
પરિવાર અને સામાજિક સંસ્થાઓના સહકારથી સપ્ટેમ્બર 2003માં પરેશભાઈએ પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજ રાજકોટે MBBSમાં પ્રવેશ લીધો. 65% વિકલાંગતા હોવા છતાં કોલેજના પ્રોફેસરો, સ્ટાફ અને મિત્રો હંમેશા તેમને એક સામાન્ય વિદ્યાર્થીની જેમ જ સ્વીકાર્યા. દરેક વર્ષની પરીક્ષામાં ફર્સ્ટ ક્લાસ મેળવી 2009માં MBBS પૂર્ણ કર્યું.

કોરોના સમયે દિવ્યાંગ તબીબોને ફરજમુક્તિ હતી છતાંય આ તબીબએ એક પણ રજા ન રાખી
આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખી સરકારી નોકરી મેળવી ને શરૂઆત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ટંકારા માંથી કરી. ત્યારબાદ 2015માં GPSc દ્વારા કાયમી નિમણૂક સાથે કોટડા સાંગાણી હોસ્પિટલમાં તબીબ તરીકે સેવા આપતા રહ્યાં.હાલ પરેશભાઈ રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવે છે.2019ના કોરોના કાળમાં દિવ્યાંગ તબીબો માટે ફરજ મુક્તિ હતી, છતાં એક પણ રજા લીધા વગર ફરજ બજાવી, દર્દીઓને સારું સ્વાસ્થ્ય આપવા રાષ્ટ્રભાવના સાથે સેવા આપી.
2021માં દીકરીના જન્મ સમયે પણ મેટરનિટી રજા લીધા વગર સેવા ચાલુ રાખી હતી.

આત્મવિશ્વાસથી આગળ વધવું એ જ સાચો વિજય છે
ડો.પરેશભાઈ કહે છે,“આજે હું બન્ને પગે દિવ્યાંગ હોવા છતાં કાર ચલાવી શકું છું, ગોવા,મહાબળેશ્વર સુધી મુસાફરી કરી શકું છું, ડોક્ટરી સેવા આપી શકું છું, કેમ કે શિક્ષણએ મને સમાજમાં સ્થાન અપાવ્યું છે. શરીરના અંગોમાં ખોટ કમજોરી નથી,હિમ્મત અને આત્મવિશ્વાસથી આગળ વધવું જ સાચી જીત છે.”પરેશભાઈની પત્ની ભાવના પણ 50% દિવ્યાંગ છે અને રાજકોટ ITIમાં ફોરમેન ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવે છે. દીકરી મિશિકા મમ્મી અને પપ્પાની હૂંફ બની રહી છે.
