રાજકોટમાં પ્રદૂષણના સ્તરમાં વધારો! હવા ખરાબ થતાં જ શરદી-ઉધરસ-તાવનો રોગ વકર્યો : 2179 કેસ
રાજકોટમાં પ્રદૂષણની સ્તર દિવસેને દિવસે વધી રહ્યું છે જેના કારણે અનેક વિસ્તારની હવા ખરાબ થઈ ગઈ હોય તેમ એર ક્વોલિટી ઈન્ડેક્સ (એક્યુઆઈ) 300ને પાર ચાલ્યો ગયાનું મહાપાલિકા દ્વારા મુકાયેલા સેન્સરમાં જોવા મળી રહ્યું છે ત્યારે હવાનું સ્તર ખરાબ થતાં જ તેના કારણે થતાં શરદી-ઉધરસ-તાવના રોગચાળામાં પણ વધારો જોવા મળ્યો છે.
મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા તા.24-11-2025થી તા.30-11-2025 સુધીના સાત દિવસના જાહેર કરાયેલા રોગચાળાના આંકડા પ્રમાણે ડેંગ્યુના ત્રણ અને કમળો તાવના બે કેસ નોંધાયા છે. જો કે આ બન્ને રોગના આંકડા જાણે કે `બાંધી’ લેવાયા હોય તે પ્રકારે ત્રણથી પાંચ વચ્ચે જ જાહેર કરાય છે. આ ઉપરાંત શરદી-ઉધરસના 1314, સામાન્ય તાવના 865 અને ઝાડા-ઊલટીના 198 દર્દી નોંધાયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો :‘મુરઘા ગેંગ’ના વાહન જપ્ત કરવાનું શરૂ : સૂત્રધારનો બંગલો જોઈ રાજકોટ પોલીસ ચોંકી! ગેંગના સામેલ દરેક ઘરનું ચેકિંગ કરી દસ્તાવેજ મંગાયા
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે આરોગ્ય શાખા દ્વારા જે આંકડા જાહેર કરવામાં આવ્યા છે તેના કરતા સ્થિતિ ઘણી વિપરિત છે અને રોગચાળો રીતસરનો તરખાટ મચાવી રહ્યો છે. આ વાતનો પૂરાવો નાના-મોટા દવાખાના ઉપરાંત હોસ્પિટલમાં એકઠી થયેલી દર્દીઓની ભીડ પરથી મળી જાય છે પરંતુ તંત્ર દ્વારા રોગચાળાના આંકડા જાહેર કરવાની જગ્યાએ છુપાવવાની પેરવી વધુ કરાઈ રહી છે !
