‘મુરઘા ગેંગ’ના વાહન જપ્ત કરવાનું શરૂ : સૂત્રધારનો બંગલો જોઈ રાજકોટ પોલીસ ચોંકી! ગેંગના સામેલ દરેક ઘરનું ચેકિંગ કરી દસ્તાવેજ મંગાયા
29 ઑક્ટોબરની વહેલી સવારે 3:30 વાગ્યા આસપાસ રાજકોટના મંગળા મેઈન રોડ ઉપર શહેરની બે કુખ્યાત મરઘા ગેંગ (જંગલેશ્વર) અને પેંડા ગેંગ (પુનિતનગર) વચ્ચે સામસામું ફાયરિંગ થયું હતું. આ પછી એક્શનમાં આવેલી પોલીસે પેંડા ગેંગના 17 લોકોને દબોચી ગુજસીટોક હેઠળ જેલમાં ધકેલી દીધા હતા. આ ગેંગે આવાસ યોજનાના નવ જેટલા ક્વાર્ટર પડાવી લીધા હોય તે ખાલી કરાવવા મહાપાલિકાને પોલીસ દ્વારા પત્ર લખવામાં આવ્યો છે ત્યારે અનેક વાહન પણ જપ્ત કરાયા છે. આ પછી ક્રાઈમ બ્રાન્ચે મુરઘા ગેંગનો વારો કાઢતાં 21 લોકો સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરી હવે તેની મિલકતની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો :રાજકોટમાં પહેલીવાર જોવા મળશે ‘ચક દે ઇન્ડિયા’ના દૃશ્યો: 18 રાજ્યની પોલીસ હોકી રમશે, 32 ટીમ વચ્ચે જામશે મુકાબલા
સોમવારે ક્રાઈમ બ્રાન્ચના એસીપી ઉપરાંત ચાર પીએસઆઈએ અલગ-અલગ ટીમ બનાવી ગેંગના તમામ લોકોની મિલકતનું જડતી પંચનામું કર્યું હતું. ખાસ કરીને મુરઘા ગેંગના ટપોરીઓ પાસે મહત્તમ ટુ-વ્હીલર મળી આવ્યા હોય આરોપીના નામના વાહન જપ્ત કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન પોલીસ ગેંગના મુખ્ય સૂત્રધાર સમીર ઉર્ફે સંજલો જાવિદભાઈ જુણેજાના નિલકંઠ પાર્કમાં આવેલા નિવાસસ્થાને પહોંચી હતી. એકંદરે સંજલાએ બેનામી આવક થકી ઉભો કરેલો બંગલો જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. હવે આ બંગલો કોના નામે છે તેની તપાસ કરાશે અને જો તે સમીર ઉર્ફે સંજલાના નામે હશે તો તેને પણ જપ્ત કરી લેવામાં આવનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો :સિગારેટ,પાન-મસાલા,ગુટખા મોંઘા થશે! નાણાંમંત્રીએ 3 મહત્વના બિલ લોકસભામાં રજૂ કર્યા,લોક આરોગ્ય જાળવણીનો હેતુ
જ્યારે મુરઘા ગેંગના અન્ય ટપોરીઓના ઘેર પણ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પહોંચી હતી પરંતુ મહત્તમ ટપોરી 20થી 25 વારના મકાનમાં રહેતા હોવાનું સામે આવ્યું હતું. આજે મંગળવારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગેંગના સેક્નડ લીડર સમીર ઉર્ફે મુરઘા સહિત પાંચ લોકોનો જેલમાંથી જ કબજો મેળવશે.
