રાજકોટમાં પહેલીવાર જોવા મળશે ‘ચક દે ઇન્ડિયા’ના દૃશ્યો: 18 રાજ્યની પોલીસ હોકી રમશે, 32 ટીમ વચ્ચે જામશે મુકાબલા
રાજકોટમાં ગુરૂવારથી 18 રાજ્યની 32 પોલીસ ટીમ વચ્ચે રાષ્ટ્રીય કક્ષાની હૉકી ટૂર્નામેન્ટ રમાશે. આ ટૂર્નામેન્ટ રેસકોર્સના મેજર ધ્યાનચંદ હૉકી સ્ટેડિયમ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હૉકી ગ્રાઉન્ડ ઉપર રમાનાર હોવાની જાહેરાત કરવામાં આવી છે. 4 ડિસેમ્બરે આ ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન રાજ્ય પોલીસવડા વિકાસ સહાયના હસ્તે કરવામાં આવશે જ્યારે 14 ડિસેમ્બરે ટૂર્નામેન્ટનું સમાપન થશે ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે.
આ ટૂર્નામેન્ટની તૈયારી કરવા માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, ચારેય ડીસીપી સહિતના અધિકારીઓ સહિત કુલ 35 અધિકારીઓની કમિટી બનાવવામાં આવી છે. 74મી ઑલ ઈન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપનું ત્રણ ડિસેમ્બરે રિહર્સલ પણ થશે.
ટૂર્નામેન્ટમાં ગુજરાત ઉપરાંત ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગણા, ઓરિસ્સા, ઉત્તરાખંડ, તમીલનાડુ, પંજાબ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, મહારાષ્ટ્ર, ત્રિપુરા, મધ્યપ્રદેશ, કર્ણાટક, છત્તીસગઢ, જમ્મુ-કાશ્મીર, મણીપુર, રાજસ્થાન સહિતના રાજ્યો ઉપરાંત બીએસએફ, એસ.એસ.બી., આઈટીબીટી, સીઆરપીએફ સહિતની ટીમ કૌવત બતાવશે.
આ પણ વાંચો :સિગારેટ,પાન-મસાલા,ગુટખા મોંઘા થશે! નાણાંમંત્રીએ 3 મહત્વના બિલ લોકસભામાં રજૂ કર્યા,લોક આરોગ્ય જાળવણીનો હેતુ
આ ટૂર્નામેન્ટમાં ઉત્તરપ્રદેશ પોલીસ ફોર્સના લલિતકુમાર ઉપરાંત આકાશદીપ સિંહ, શમશેર સિંહ સહિતના આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમી ચૂકેલા ખેલાડીઓ પણ ભાગ લેશે. કુલ 32માંથી 19 ટીમ રાજકોટ આવી ગઈ છે જ્યારે નવ ટીમ આજે મંગળવારે આવી પહોંચશે તો અન્ય ટીમ બુધવાર સુધીમાં રાજકોટ આવી પહોંચનાર હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસ હેડ ક્વાર્ટરમાં ઉતરનારા ખેલાડીઓ મચ્છરથી પરેશાન
74મી ઓલ ઈન્ડિયા પોલીસ હૉકી ટૂર્નામેન્ટમાં 18 રાજ્યની 32 ટીમ ભાગ લેવાની છે જેમાં મહિલા ટીમો પણ સામેલ છે. આ તમામ ટીમને પોલીસ હેડ ક્વાર્ટર, મવડી પોલીસ હેડ ક્વાર્ટર, પોલીસ કમિશનર બંગલોની બાજુમાં આવેલી સ્પોર્ટસ હોસ્ટેલ સહિત ચાર સ્થળે ઉતારો આપવામાં આવ્યો છે. આ પૈકી અમુક ટીમને રેસકોર્સ નજીક આવેલા શહેર પોલીસ હેડ ક્વાર્ટરના વિશ્રામ સદનમાં ઉતારો આપવામાં આવ્યો છે. જો કે અહીં રહેનારા ખેલાડીઓ મચ્છરથી રીતસરના ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત ટીમના કોચ અને મેનેજરને પણ એક સાથે જ રાખવામાં આવતાં તેની અકળામણ પણ જોવા મળી હતી.
આ પણ વાંચો :New Whatsapp Rules: હવે દર 6 કલાકે WEB WhatsApp થશે લોગ આઉટ, સરકાર લાવી રહી છે નવા નિયમ, જાણો તમામ માહિતી
ગુજરાતની ટીમ અન્ય રાજ્યમાં રમવા જાય ત્યારે સારી વ્યવસ્થા અપાય છે
રાજકોટ આવેલી અન્ય એક રાજ્યની હોકી ટીમના ખેલાડીઓ તેમજ કોચે હૈયાવરાળ ઠાલવતાં જણાવ્યું હતું કે અમને રાજકોટમાં જે ઉતારો આપવામાં આવ્યો છે તે અન્ય રાજ્યની તુલનાએ વ્યવસ્થિત નથી. ગુજરાતની ટીમ આ પ્રકારે ટૂર્નામેન્ટ રમવા અન્ય રાજ્યમાં જાય ત્યારે તેમને અહીં કરતા સારી વ્યવસ્થા આપવામાં આવે છે. અમે એમ નથી કહેતાં કે ફાઈવસ્ટાર જેવી હોટેલમાં ઉતારો મળે પરંતુ જ્યાં ઉતારો અપાય છે ત્યાં સફાઈ સહિતનું પૂરતું ધ્યાન રાખવું જરૂરી છે.
લગ્નની સીઝનમાં જ ટૂર્નામેન્ટ ગોઠવાતાં ખુરશી-ટેબલ શોધવા દોડાદોડી
રાજકોટમાં ગુરૂવારથી રાષ્ટ્રીય કક્ષાની હૉકી ટૂર્નામેન્ટ શરૂ થવા જઈ રહી છે ત્યારે આ ટૂર્નામેન્ટનું આયોજન લગ્નની સીઝન વખતે જ ગોઠવાતાં શહેર-જિલ્લા પોલીસની બનાવાયેલી કમિટી દ્વારા ખુરશી-ટેબલ શોધવા માટે રીતસરની દોડાદોડી કરવી પડી હોવાનું જાણવા મળ્યું હતું. મોડીરાત સુધી પોલીસ દ્વારા મંડપ સર્વિસ સંચાલકોને ફોન કરી ટેબલ-ખુરશીના ઓર્ડર આપવા પડ્યા હતા આમ છતાં અમુક ખુરશી-ટેબલનો મેળ ન ખાતાં ફરી સવારથી ટીમ કામે લાગી ગઈ હતી !
