સિગારેટ,પાન-મસાલા,ગુટખા મોંઘા થશે! નાણાંમંત્રીએ 3 મહત્વના બિલ લોકસભામાં રજૂ કર્યા,લોક આરોગ્ય જાળવણીનો હેતુ
સંસદના શિયાળુ સત્રના પ્રથમ જ દિવસે સોમવારે SIRના મુદ્દે વિપસખની ભારે ધમાલ વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં ત્રણ મહત્વપૂર્ણ બિલ રજૂ કર્યા હતા જેનો ઉદ્દેશ્ય તમાકુ અને તમાકુ ઉત્પાદનો પર કેન્દ્રીય એક્સાઇઝ ડ્યુટી અને પાન મસાલાના ઉત્પાદન પર નવો સેસ લાદવાનો છે. આ બે કર વર્તમાન જીએસટી વળતર ઉપકરનું સ્થાન લેશે, જે ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહ્યો છે. આમ આગામી સમયમાં સીગરેટ, ગુટખા અને પાન-મસાલા મોંઘા થશે.
પહેલું બિલ, સેન્ટ્રલ એક્સાઇઝ (સુધારા) બિલ, 2025, તમામ તમાકુ ઉત્પાદનો (સિગારેટ, ચાવવામાં આવેલ તમાકુ, સિગાર, હુક્કા, જરદા અને સુગંધિત તમાકુ) પર લાગુ થશે. તે સરકારને ભવિષ્યમાં આ સીન ગૂડ્સ પર કર દર વધારવાની પણ સત્તા આપશે, જેથી ખાતરી થાય કે જીએસટી વળતર ઉપકર સમાપ્ત થયા પછી પણ કર જવાબદારી બની રહે.
બીજું બિલ, હેલ્થ સિક્યુરિટી ટુ નેશનલ સિક્યુરિટી સેસ બિલ, 2025, પાન મસાલા જેવા ચોક્કસ માલના ઉત્પાદન પર નવો સેસ લાદવાનો પ્રયાસ કરે છે. સરકાર જરૂર મુજબ અન્ય ઉત્પાદનોનો સમાવેશ કરી શકે છે. તમાકુ અને પાન મસાલા જેવા સીન ગુડસ પર હાલમાં 28% જીએસટી , તેમજ વિવિધ દરે વળતર ઉપકર લાગુ પડે છે. એજ રીતે ત્રીજું બિલ મણિપુર જીએસટી સુધારા બિલ હતુ
સિગારેટ પર પ્રતિ 1000 સ્ટીક પર રૂપિયા 5000–11,000
સેન્ટ્રલ એક્સાઇઝ (સુધારા) બિલમાં સિગાર/ચેરૂટ/સિગારેટ પર પ્રતિ 1000 સ્ટીક પર રૂપિયા 5000–11,000ની એક્સાઇઝ ડ્યુટીનો પ્રસ્તાવ છે. વધુમાં, બિન-પ્રોસેસ્ડ તમાકુ પર 60-70% ડ્યુટી અને નિકોટિન અને ઇન્હેલેશન ઉત્પાદનો પર 100% ડ્યુટીનો પ્રસ્તાવ છે. હાલમાં, સિગારેટ લંબાઈના આધારે પ્રતિ 1000 સ્ટીક પર 5% એડ-વેલોરમ વળતર સેસ 2076–રૂપિયા 3668 લાવે છે.
વળતર સેસ નાબૂદ થયા પછી, તમાકુ અને સંબંધિત ઉત્પાદનોના વેચાણ પર 40% GST + પ્રસ્તાવિત એક્સાઇઝ ડ્યુટી લાગશે, જ્યારે પાન મસાલા પર આરોગ્ય સુરક્ષામાંથી 40% GST + રાષ્ટ્રીય સુરક્ષા સેસ લાગશે.બિલમાં જણાવાયું છે કે જાહેર આરોગ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા બંને હેતુઓ માટે સંસાધનો એકત્રિત કરવા માટે આરોગ્ય સુરક્ષાથી રાષ્ટ્રીય સુરક્ષા સેસ વસૂલવાનો પ્રસ્તાવ છે.
આ પણ વાંચો :New Whatsapp Rules: હવે દર 6 કલાકે WEB WhatsApp થશે લોગ આઉટ, સરકાર લાવી રહી છે નવા નિયમ, જાણો તમામ માહિતી
SIR મુદ્દે સંસદ બની સમરાંગણ, પ્રથમ જ દિવસે લોકસભા મુલતવી
સંસદના શિયાળુ સત્રના પ્રથમ જ દિવસે સોમવારે એસઆઇઆર મુદ્દે વિપક્ષ દ્વારા શરૂઆતથી જ ભારે ધમાલ અને સૂત્રોચ્ચાર કરીને લોકસભાની કાર્યવાહીમાં વિક્ષેપ ઊભો કર્યો હતો. દિવસ દરમિયાન બે વાર ગૃહ મુલતવી રહ્યું હતું. વિપક્ષ દ્વારા એસઆઇઆર મુદ્દે ચર્ચા કરવાની માંગ કરાઇ હતી. રાજ્યસભામાં કોંગી નેતા ખડગે અને નડા વચ્ચે ટપાટપી થઈ હતી. ખડગેએ પૂર્વ ચેરમેન ધનખડનું નામ લેતા વાત બગડી હતી અને શાસક પક્ષ દ્વારા ગરિમા બનાવી રાખવા જણાવાયું હતું. રિજીજુએ ધનખડ સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની યાદ અપાવી આકરો જવાબ આપ્યો હતો. જો કે રાજ્યસભામાં કાર્યવાહી ચાલુ રહી હતી.
વડાપ્રધાને નવા ચેરમેન રાધાકૃષ્ણનનું સ્વાગત કર્યું
દરમિયાનમાં રાજ્યસભાના નવા ચેરમેન તરીકે સી. પી. રાધાકૃષ્ણનનું વડાપ્રધાને સ્વાગત કર્યું હતું અને કહ્યું હતું કે કોઇમ્બતુરમાં અડવાણીજીની સભા થવાની હતી તે પહેલા ત્યાં ધડાકો થયો હતો તેમાંથી ચેરમેન સદભાગ્યે બચી ગયા હતા. મોદીએ કહ્યું કે સભાપતિ સામાન્ય પરિવારથી આવે છે અને સમાજ સેવામાં જ જીવન વિતાવી દીધું છે. એમણે કહ્યું કે નવા સભાપતિનું માર્ગદર્શન આપણને મળતું રહેશે. એમનું અહીં પહોંચવું લોકતંત્ર માટે સૌથી મોટી તાકાત અને પ્રેરણા છે.
લોકસભામાં વંદે માતરમ ઉપર 10 કલાક ચર્ચા થશે
સોમવારે એવો મહત્વનો નિર્ણય લેવાયો હતો કે લોકસભામાં વંદે માતરમ વિષય ઉપર લાંબી ચર્ચા થશે. આ માટે 10 કલાકનો સમય નક્કી કરાયો છે તેવી જાણકારી અપાઈ હતી. વંદે માતરમના 150 વર્ષ પૂરા થયા છે ત્યારે તેની મહત્તા શું છે તેના પર બધા જ નેતાઓ બોલશે. સરકારે આ પહેલા પણ જાહેર કર્યું હતું કે આ મુદ્દા પર સંસદમાં ચર્ચા થશે. લોકોને આ અભિયાનની અસર અને તેની ગંભીરતા અંગે જાણકારી અપાશે.
