ગૃહમંત્રી દારૂ-ડ્રગ્સના દૂષણ બાબતે સર્વપક્ષિય બેઠક બોલાવે : ગોપાલ ઇટાલિયા લખ્યો પત્ર,દારૂ-ડ્રગ્સની રાજનીતિ ગરમાઇ
ગુજરાત રાજ્યમાં દારૂ-ડ્રગ્સના કોંગે્રસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી દ્વારા છેડાયેલા યુધ્ધ અને પટ્ટા ઉતરવાની રાજનીતિએ જોર પકડ્યું છે. કોંગે્રસ બાદ હવે આમ આદમી પાર્ટીએ પણ દારૂ-ડ્રગ્સના મામલે મોરચો માંડ્યો છે. આખાબોલા આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ ગૃહમંત્રીને સર્વપક્ષિય બેઠક બોલાવવાના પત્ર સાથે રાજકીય માહોલ ગરમ કરતો ગોફણીયો ફેંક્યો છે.
દારૂ-ડ્રગ્સની એક સપ્તાહથી ચાલતી દેખાવો, શક્તિ પ્રદર્શન આમને-સામને આક્ષેપબાજીના રાજકારણમાં જીજ્ઞેશ મેવાણીએ પડ ધગતું કરી નાખ્યું છે. હવે ગોપાલ ઈટાલિયાએ બુધ્ધિપૂર્વક કુંકરી ગાંડી કરી છે. ચાર દિવસથી જીજ્ઞેશની મુહિમના સમર્થન અને દારૂ-ડ્રગ્સ બંધ થાય, ભ્રષ્ટ પોલીસના પટ્ટા ઉતરશેના જ ઉદ્ગારો સાથે ગોપાલ ઈટાલિયા પણ મેદાને પડ્યા છે. તેમણે રાજકીય ગોફણિયો ફેંક્યો છે. ગૃહમંત્રી ગુજરાત રાજ્યને સંબોધીને તાકિદનું ઈમેલ સાથે પત્ર લખ્યો છે જેમાં દારૂ અને ડ્રગ્સ મુદ્દે સર્વપક્ષિય બેઠક બોલાવવા માગણી કરી છે.
ગૃહમંત્રીને પાઠવાયેલા ઈમેલ (પત્ર)માં જણાવાયું છે કે, ગુજરાતમાં અત્યંત બેફામ દારૂ વેચાય છે તે બાબત જગજાહેર છે. ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ પણ ખુબ વકરી રહ્યું છે ત્યારે જનતા દારૂ અને ડ્રગ્સના દૂષણને લઈને ખુબ ચિંતીત છે. દારૂ-ડ્રગ્સનું દૂષણ સદંતર નેસ્તનાબૂદ થાય તે માટે શું શું અસરકારક પગલાં લેવાજોઈએ તેની ચર્ચા કરવા માટે તમામ રાજકીય પક્ષોના ડેલિગેશનની સર્વપક્ષિય મીટિંગ થાય તે હાલ ખુબ જ જરૂરી છે.
રાજકીય ટીકા ટિપ્પણી અને આક્ષેપબાજીઓ ચાલતી જ રહેવાની છે, પણ જો ગુજરાત સરકાર અને ગૃહમંત્રી દારૂ-ડ્રગ્સ બાબતે ગંભીર હોય તો વિસ્તૃત ચર્ચા કરવા માટે ગૃહમંત્રીની અધ્યક્ષતામાં તાત્કાલીક એક સર્વપક્ષિય બેઠક બોલાવવા માટે મારી રજૂઆત છે.
ઈટાલિયાએ સોશિયલ મીડિયામાં એવો પ્રશ્ન પણ ઉઠાવ્યો છે કે જો તમામ પક્ષના ધારાસભ્યો ક્રિકેટમેચ, ધૂળેટી રમવા, ભોજન માટે એક થઈ શકતા હોય સર્વપક્ષિય મેચ, હોળી, ભોજન યોજાય તો દારૂ-ડ્રગ્સના દૂષણની ચર્ચા અને રણનીતિ બનાવવા સર્વપક્ષિય બેઠક કેમ ન મળે ? માગણી, રજૂઆત એ વિપક્ષનું કામ છે. જ્યારે નિર્ણય એ સરકારની સત્તા છે પરંતુ અત્યારે દારૂ અને ડ્રગ્સના મુદ્દા અને તેમાં નિવૃત્ત આઈપીએસએ પુરાવેલા સૂરે વિપક્ષનું જાણે કામ મજબૂત કરી દીધું અને અત્યારે દારૂ-ડ્રગ્સના છંછેડાયેલા નાગે ગુજરાતમાં રાજકીય ગરમાવો લાવી દીધો છે.
