રાજકોટ : 100થી વધુની સ્પીડે આવતી કારે અન્ય કાર-સ્કૂટરને હડફેટે લીધાં, નંબરપ્લેટ વગરની કાળા કાચથી સજ્જ કારના માલિક-ચાલકની શોધખોળ
રાજકોટમાં એક બાજુ પોલીસ કાળા કાચ, નંબરપ્લેટ વગરના વાહનોનું ચેકિંગ કરીને દંડ ઉઘરાવી રહી છે ત્યારે બીજી બાજુ આ જ પ્રકારે નિયમનો છડેચોક ઉલાળિયો કરીને દોડતાં વાહનોનો પણ તૂટો નથી. આવી જ એક કારે 100થી વધુની સ્પીડે ધસી આવી સામે આવી રહેલી અન્ય એક કાર અને સ્કૂટરને હડફેટે લેતાં ભાગદોડ મચી જવા પામી હતી.

આ અંગે એસઆરપી કેમ્પની સામે અરાઈસ વન બિલ્ડિંગમાં રહેતા અને મારૂતિ સુઝુકીના શો-રૂમમાં મેનેજર તરીકે નોકરી કરતા નિખિલેશભાઈ અશોકભાઈ ગોહેલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેઓ રવિવારે સવારે ગોંડલ રોડ પર આવેલા શો-રૂમ પર નોકરીએ જવા માટે પોતાની જીજે3એનબી-5038 નંબરની મારૂતિની ફ્રોંક્સ કાર લઈને નીકળ્યા હતા. ભોમેશ્વરથી એરપોર્ટ ફાટક થઈ આમ્રપાલી બ્રિજ તરફ જવાના રોડ ઉપર રેલવેના પાટા પાસે પહોંચ્યા ત્યારે 10ઃ30 વાગ્યા આસપાસ તેમની સામેથી સફેદ કલરની પોલો કાર ધસી આવી હતી અને તેની સ્પીડ 100થી વધુનું હોવાનું લાગ્યું હતું. આ કારે પહેલાં નિખિલેશભાઈની કારને હડફેટે લઈને નુકસાન કર્યા બાદ પાછળ આવી રહેલા એક્ટિવાચાલક દંપતિને પણ હડફેટે લીધું હતું.
અકસ્માત કર્યા બાદ કારમાં બેઠેલા ચારેક લોકો નાસી છૂટ્યા હતા. કારમાં નંબરપ્લેટ લગાવેલી ન્હોતી અને પાછળના ભાગે `જય ઠાકર’ લખેલું જોવા મળ્યું હતું. કારની અંદર તપાસ કરતા જીજે6ઈડી-4816 નંબરની નંબરપ્લેટ પણ મળી આવી હતી.
નિખિલેશભાઈના જણાવ્યા પ્રમાણે અકસ્માત કર્યા બાદ ચાર લોકો એકબીજાને ઈશારો કરીને રવાના થઈ ગયા હતા સાથે સાથે એવું પણ જાણવા મળ્યું હતું કે મનિયો કોળી નામનો યુવક કે જે એક દિવસ પહેલાં જ પૉક્સોના ગુનામાંથી બહાર આવ્યા બાદ કાર લઈને નીકળ્યો હતો. જો કે આ મુદ્દે પોલીસ દ્વારા કોઈ સત્તાવાર જાણકારી અપાઈ ન્હોતી.
