સાગઠિયા સામે નાણાંની ગેરકાયદે હેરફેરનો ગુનો દાખલ કરતું ED : ACBમાંથી જામીન મળ્યા,હવે ED ધરપકડ કરી કબજો લેશે
રાજકોટના TRP ગેઈમ ઝોન અગ્નિકાંડ કેસમાં બેદરકારી બદલ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કર્યા બાદ કાયદાના ગાળિયામાં ફસાયેલા સસ્પેન્ડેડ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠિયા વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરોએ બેનામી સંપત્તિ વસાવવાનો ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.
આ તમામ કેસમાં સાગઠિયાને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા હતા. જો કે તેમના ઉપર એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ (ED) દ્વારા ગેરકાયદે નાણાંની હેરફેર બદલ ગુનો દાખલ કરવા મંજૂરી માંગી હોય બે મહિના પહેલાં મહાપાલિકામાં મળેલા જનરલ બોર્ડ દ્વારા મંજૂરી આપી દેવાતા હવે EDએ સાગઠિયા સામે ગુનો દાખલ કર્યો હતો.
ED દ્વારા પીએમએલએ એક્ટ હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ત્યારે હવે ગમે ત્યારે સાગઠિયાની ધરપકડ કરી લેવામાં આવશે. બીજી બાજુ ત્રણ દિવસ પહેલાં જ એમ.ડી.સાગઠિયાએ ટાઉન પ્લાનિંગ શાખાનું અતથી ઈતિ મતલબ કે 17 વર્ષનો `હિસાબ’ માંગતી RTI કરતા અધિકારીઓ જવાબ શોધવા માટે ઉંધા થઈ ગયા હતા. હવે EDએ ગુનો દાખલ કરતા સાગઠિયાની મુશ્કેલીમાં વધારો થવો નિશ્ચિત બની ગયો છે.
