જીત પાબારીએ અંતિમ પગલું શા માટે ભર્યું? ચેતેશ્વર પુજારાના સાળાના આપ*ઘાતનું રહસ્ય મોબાઈલમાં ‘કેદ’: કોલ ડિટેઈલ મંગાવાઈ
ભારતીય ટેસ્ટ ટીમના પૂર્વ ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત રસિકભાઈ પાબારી (ઉ.વ.30)એ પોતાના કાલાવડ રોડ નજીક અમીન માર્ગ પાસેના પોશ વિસ્તાર નૂતનનગરમાં આવેલા બંગલોમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાની ચોંકાવનારી ઘટના બની જતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. બીજી બાજુ જીત પાબારીએ આ પ્રકારે અંતિમ પગલું શા માટે ભર્યું તેનું સચોટ કારણ હજુ સુધી જાહેર થયું નથી અથવા તો કરવામાં આવી રહ્યું નથી ત્યારે આપઘાતનું સમગ્ર રહસ્ય જીતના ગાયબ થઈ ગયેલા મોબાઈલ ફોનમાં `કેદ’ હોવાનું હાલ તો લાગી રહ્યું છે.

આ અંગે માલવિયાનગર પોલીસ મથકના પીઆઈ જે.આર.દેસાઈએ જણાવ્યું કે હજુ સુધી જીત પાબારીનો મોબાઈલ ફોન પોલીસને મળ્યો નથી. પોલીસે જ્યારે જીતના પરિવારજનો પાસે મોબાઈલ માંગ્યો ત્યારે તેમના દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો હતો કે અચાનક જ બની ગયેલા બનાવને કારણે પરિવારજનો અવાચક બની ગયા હતા અને જીતને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવાની દોડધામને કારણે મોબાઈલ ગૂમ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે આમ છતાં પરિવાર દ્વારા મોબાઈલ શોધવામાં આવી રહ્યો છે. બીજી બાજુ પોલીસ દ્વારા પણ ઘરમાં મોબાઈલની શોધખોળ કરાઈ હતી પરંતુ ક્યાંયથી ફોન મળ્યો ન્હોતો.

પોલીસ દ્વારા પરિવારજનોના નિવેદન નોંધવામાં આવ્યા હતા જેમાં એવું જણાવાયું હતું કે જીત પાછલા થોડા દિવસથી ડિપ્રેશનમાં હોય તેવું લાગી રહ્યું હતું. જો કે પરિવારમાંથી કોઈ દ્વારા જીતને શું વાતનું ટેન્શન છે તે અંગે પૃચ્છા કરાઈ ન હોવાનું પણ સામે આવ્યું હતું. હાલ જીતના નિધન બાદ વિધિ ચાલી રહી હોય પરિવાર તેમાં વ્યસ્ત હોવાને કારણે પોલીસે વધુ કોઈ કાર્યવાહી કરી ન્હોતી પરંતુ વિધિ પૂર્ણ થયા બાદ મોબાઈલ શોધવા તેમજ પૂછપરછ કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે.
દરમિયાન પોલીસે જીત રસિકભાઈ પાબારીની કોલ ડિટેઈલ પણ મંગાવી છે તે આવી ગયા બાદ તેણે છેલ્લે કોની-કોની સાથે વાતચીત કરી હતી તે સામે આવી જશે. તપાસમાં એવું પણ સામે આવ્યું હતું કે જીત બનાવના દિવસે સવારે નવેક વાગ્યા આસપાસ રૂમમાંથી નીચે હોલમાં પાણી પીવા માટે આવ્યો હતો અને પાણી પીને રૂમમાં ગયા બાદ લોખંડની ગ્રીલ સાથે લટકીને ગળેફાંસો ખાઈ લીધો હતો. હાલ પોલીસે આ વાત માની લઈને તપાસ આગળ ધપાવી છે પરંતુ સાચી હકીકત મોબાઈલ મળ્યા બાદ અથવા કોલ ડિટેઈલ મળી ગયા બાદ જ સામે આવી શકે છે.
