રાજકોટમાં શેતાન શિક્ષકે સાથી શિક્ષિકાનો સાથ લઈ મહિલાનું શિયળ લૂંટ્યું : 4.25 લાખ પડાવ્યા, વાંચો શું છે સમગ્ર મામલો
સમગ્ર શિક્ષક જગતને હચમચાવી નાખે તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે. સરકારી શાળામાં નોકરી કરતા શિક્ષકે એક મહિલાનું શિયળ લૂંટી 4.25 લાખ રૂપિયા પડાવ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે મિત્ર ખોટું કામ કરી રહ્યો હોવા છતા મહિલા શિક્ષકે તેનો સાથ આપ્યો હોવાનું સામે આવ્યું છે ત્યારે આખરે ભોગ બનનાર યુવતીએ પોલીસનું શરણું લેતાં પોલીસે બે લોકો સામે ગુનો દાખલ કરી મહિલા શિક્ષિકાની ધરપકડ કરી હતી.
આ અંગે ભોગ બનનારે યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તે સાધુ વાસવાણી રોડ પર આવેલા એક ફ્લેટમાં રહેતી અને સરકારી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી પ્રિતી ઘેટિયાની મિત્ર છે. ત્રણેક વર્ષ પહેલાં પ્રિતી થકી જ તેનો સંપર્ક મુકેશ રવજીભાઈ સોલંકી (રહે.માધાપર ચોકડી) સાથે થયો હતો. આ પછી મુકેશે ભોગ બનનાર સાથે મીઠી મીઠી વાતો કરી તેને ફસાવી હતી.
જેવો ભોગ બનનારને મુકેશ ઉપર વિશ્વાસ બેસી ગયો કે તે તેને પ્રિતી ઘેટીયાના ફ્લેટ પર લઈ આવ્યો હતો અને ત્યાં તેના ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. દુષ્કર્મ ગુજાર્યા બાદ મુકેશે ભોગ બનનારના ન્યુડ ફોટો અને વીડિયો ઉતારી લીધા હતા. આ ફોટો-વીડિયોના આધારે મુકેશે ભોગ બનનારને બ્લેક મેઈલિંગ કરવાનું શરૂ કરી દીધું હતું અને જો પૈસા નહીં આપે તો ફોટો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા ડરી ગયેલી ફરિયાદીએ કટકે કટકે કરીને મુકેશને 4.25 લાખ રૂપિયા જેવી રકમ આપી દીધી હતી.
આમ છતાં મુકેશે ફરિયાદીનો પીછો છોડ્યો ન્હોતો અને એક દિવસ મેટોડા પાસે ફરિયાદીને કારમાં લઈ જઈ તેની સાથે માથાકૂટ કર્યાબાદ ગાડીમાં રહેલા ચાર્જિંગ વાયર તેમજ કડાથી માર મારી ઈજાઓ પહોંચાડી હતી. આટલું ઓછું હોય તેમ ચાર દિવસ પહેલાં ફરિયાદીના લગ્ન ચાલી રહ્યા હોય ત્યાં મુકેશ સોલંકી અને પ્રિતી ઘેટિયાએ ધસી જઈ માથાકૂટ કરી લગ્ન અટકાવ્યા હતા. એકંદરે બન્નેના ત્રાસથી કંટાળી જઈ આખરે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે પ્રિતી ઘેટીયાની ધરપકડ કરી લીધી હતી જ્યારે મુકેશની શોધખોળ આદરી હતી.
મુકેશને 13 વર્ષની પુત્રી છે
પોલીસ તપાસમાં ખુલ્યા પ્રમાણે દુષ્કર્મ ગુજારવાનો જેના ઉપર આરોપ લાગ્યો છે તે સરકારી શિક્ષક મુકેશ રવજીભાઈ સોલંકી (રહે.માધાપર ચોકડી પાસે) પરિણીત છે અને તેને 13 વર્ષની એક પુત્રી પણ છે આમ છતાં કોઈની પરવા કર્યા વગર તેણે આ કૃત્યુ આચર્યું હોવાનો આરોપ લાગતાં ખળભળાટ મચી ગયો હતો.
