આવકવેરા માળખામાં કેવા ફેરફાર થવાની આશા ? જુઓ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા બજેટની તૈયારીમાં પરોવાયા છે અને બેઠકો ચાલી રહી છે ત્યારે એવા સંકેતો બહાર આવ્યા છે કે સરકાર આ બજેટમાં મધ્યમ વર્ગને મોટી રાહત આપવાની તૈયારી કરી રહી છે. આ માટે વિવિધ વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. સંભવતઃ, નવી કર વ્યવસ્થામાં 20% અને 30% સ્લેબમાં ફેરફાર થશે. હાલમાં, જો તમારી કરપાત્ર આવક 15 લાખ રૂપિયા સુધીની છે, તો ટેક્સ 20 ટકા સુધી છે. જેમ જેમ તે આનાથી ઉપર જાય છે તેમ, તમારી કર જવાબદારી 20 ટકાથી વધીને 30 ટકા થાય છે ત્યારે 15 લાખ સુધીની આવક ધરાવતા લોકોને રાહત આપવાનો વિચાર થઈ રહ્યાનું બહાર આવ્યું છે. નવી ટેક્સ સીસ્ટમમાં ફેરફાર થઈ શકે છે.
હવે શું થવાનું છે?
સૂત્રોના જણાવ્યા અનુસાર નાણા મંત્રાલય નવી ટેક્સ સીસ્ટમમાં ફેરફાર કરી શકે છે. એક વિકલ્પ એવો પણ છે કે તેમાં વધુ એક સ્લેબ લાવવામાં આવે. આ બારામાં શક્યતા ચકાસવામાં આવી રહી છે. અથવા ટેક્સના દરમાં બદલાવ કરી શકાય કે નહીં તેના પર વિચાર થઈ રહ્યો છે.
એમ માનવામાં આવે છે કે આવા પગલાંથી અર્થતંત્રમાં માંગ વધશે. આ ઇન્કમ ગ્રૂપના લોકોના હાથમાં રૂપિયા હશે તો તેઓ ખર્ચ કરશે અને અર્થતંત્રની ગાડી તેમજ વેપાર ધંધાને પ્રોત્સાહન મળશે.
નવી ટેક્સ વ્યવસ્થાને આકર્ષક બનાવવા માટે ટેક્સ મુક્તિ મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને ઓછામાં ઓછા 5 લાખ રૂપિયા કરવા પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. આ સાથે, 5%, 10% અને 15% માં ફેરફાર થઈ શકે છે.
જો સૂત્રોનું માનીએ તો, નાણા મંત્રાલયનો એક વર્ગ જૂની ટેક્સ વ્યવસ્થામાં પણ રાહત આપવાની તરફેણમાં છે, આર્થિક સલાહકારોના વિભાગે ભલામણ કરી છે કે નવી ટેક્સ વ્યવસ્થાની સાથે સાથે જૂનામાં પણ રાહત આપવામાં આવે.
કારણ કે મોટી સંખ્યામાં કરદાતાઓ હજુ પણ જૂની ટેક્સ વ્યવસ્થામાં છે. જો તેમને રાહત આપવામાં નહીં આવે તો ટેક્સ મુક્તિનો હેતુ સિદ્ધ થશે નહીં.